આમચી મુંબઈમહારાષ્ટ્ર

NCP પછી હવે શિવસેના શિંદે જૂથે કાઢ્યા નારાજગીના સૂર

મોદી કેબિનેટમાં સ્થાન ન મળવા પર અજિત પવારના જૂથની NCPની નારાજગી બાદ હવે એકનાથ શિંદે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બર્ને કહે છે કે એક તરફ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને એચડી કુમારસ્વામીની પાર્ટીને ઓછી બેઠકો મળવા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ સાત સાંસદો હોવા છતાં તેમની પાર્ટી પાસે માત્ર સ્વતંત્ર પ્રભાર છે. આ સાથે તેમને રાજ્યકક્ષાનું મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. શ્રીરંગ બર્નેએ કહ્યું કે, “અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, જેડીએસ પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. તો પછી લોકસભાની 7 બેઠકો મળ્યા પછી, અમારી સાથે આમ શા માટે? શું કામ શિવસેનાને માત્ર એક જ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પદ મળ્યું?

શિવસેનાના ચીફ વ્હીપે કહ્યું હતું કે, “અમારો શિવસેનાના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદ આપવું જોઈતું હતું.” શિંદે જૂથના સાંસદ શ્રીરંગ બર્નેએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. શ્રીરંગ બર્નેએ કહ્યું કે એનડીએના અન્ય ઘટકોમાંથી એક-એક સાંસદ ચૂંટાયા હતા, પરંતુ તેમને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવ્યું છે, તો પછી ભાજપે શિંદે જૂથ પ્રત્યે આવું ઓરમાયુ વર્તન કેમ?

શ્રીરંગ બર્નેએ કહ્યું હતું કે તેમણે (ભાજપે) કમ-સે કમ પરિવારની વિરુદ્ધમાં આવેલા અને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજિત પવારને મંત્રી પદ આપવું જોઈતું હતું. તેમજ સતારાના સાંસદ ઉદયનરાજે ભોસલેને પણ મંત્રી પદ આપવું જોઈતું હતું.
શિવસેના શિંદે જૂથની નારાજગી પહેલા NCPના અજિત જૂથે પણ મંત્રીપદ ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી. પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, “…ગઈ રાત્રે (શપથગ્રહણ પહેલા) અમને કહેવામાં આવ્યું હતું કે અમારી પાર્ટીને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી મળશે. હું અગાઉ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી હતો, તેથી તે મારા માટે ડિમોશન હતું. અમે ભાજપના નેતૃત્વને જાણ કરી છે અને તેઓએ અમને થોડા દિવસો રાહ જોવાનું કહ્યું છે, તેઓ સુધારાત્મક પગલાં લેશે.”

આ પણ વાંચો : મોદીની કેબિનેટમાં એનસીપીને સ્થાન નહીંઃ અજિત પવારે કરી મોટી માંગણી, ફડણવીસે કરી સ્પષ્ટતા

લોકસભા ચૂંટણી 2024માં, ભાજપે મહારાષ્ટ્રમાં શિંદે જૂથની શિવસેના અને અજિત જૂથની એનસીપી સાથે ચૂંટણી લડી હતી. ભાજપે 31 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 9 બેઠકો જીતી હતી, અજિત જૂથની પાર્ટી એનસીપીએ ચાર બેઠકો પર ચૂંટણી લડી હતી અને એક બેઠક જીતી હતી અને શિંદે જૂથની શિવસેનાએ 13 બેઠકો પર ચૂંટણી લડી હતી અને સાત બેઠકો જીતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button