નેશનલ

નાલંદામાં સરકારે આપેલી દવા ખાધા બાદ 30 બાળકો બીમાર

બિહારના નાલંદામાં એક સાથે ત્રીસ બાળકો બીમાર પડ્યા હતા. નવાઈની વાત એ હતી કે બાળકોની બીમારીનું કારણ બીજું કંઈ નહીં પણ દવા હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને સરકાર દ્વારા એન્ટિ-ફાઈલેરિયલ દવા આપવામાં આવી હતી. જે બાદ બાળકોને ઉલ્ટી, ઝાડા અને ચક્કર આવવાની ફરિયાદ થવા લાગી હતી. જે બાદ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અસ્થાવન બ્લોકની અકબરપુર પ્રાથમિક શાળામાં ફાઇલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને એન્ટિ-ફાઈલેરીયલ દવાઓ આપવામાં આવી હતી. દવા ખાધા બાદ 30 જેટલા વિદ્યાર્થીઓને ઉલ્ટી અને ચક્કર આવવા લાગ્યા હતા. આ અંગે તુરંત આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. તમામ બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા અસ્થાવન રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન લગભગ એક કલાક સુધી હોસ્પિટલ અને શાળામાં નાસભાગ થઈ હતી.

વાલીઓ તેમના બાળકોની તબિયત જાણવા અધીરા બન્યા હતા. તમામ બાળકોની તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તમામ બાળકો સ્વસ્થ જણાયા હતા. અડધા કલાક પછી વાલીઓ વિદ્યાર્થીઓને પોતપોતાના ઘરે લઈ ગયા. ડૉક્ટરોએ કહ્યું કે, MDA દવા લીધા પછી આ પ્રકારની સમસ્યા સામાન્ય છે. આમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. આ દવાની કોઈ આડઅસર નથી. શાળાના સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ બાળકોને આરોગ્ય કર્મચારીઓની દેખરેખ હેઠળ દવા આપવામાં આવી હતી. કેટલાક બાળકોને દવા લીધા પછી તરત જ ઉલટી થઈ હતી. ઘણાએ ચક્કર અને માથાનો દુઃખાવોની ફરિયાદ કરી. સારવાર બાદ તમામ બાળકો ઘરે પરત ફર્યા હતા.

તમામ બાળકો સ્વસ્થ છે. કેટલીકવાર, આ પ્રકારની સમસ્યા ખાલી પેટ પર દવા લેવાથી અથવા નબળા બાળકોને દવા લેવાથી થાય છે. આ માહિતી આરોગ્ય કર્મચારીઓ અને શિક્ષકોને પહેલેથી જ આપવામાં આવી હતી. જોકે, આ બાળકોને ખોરાક ખાધા બાદ એન્ટિ-ફાઈલેરિયલ દવાઓ આપવામાં આવી હતી. હોસ્પિટલમાં આવેલા તમામ બાળકો સ્વસ્થ છે. તપાસ અને સારવાર બાદ તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button