Happy Birthday: જેમણે ભારતના મધ્યમવર્ગને સ્કૂટરની સવારી કરતા કરી દીધા…
આજે એક ઘરમાં જેટલા લોકો હોય લગભગ એટલા વાહનો થઈ ગયા છે. ખાસ કરીને જે શહેરોમાં જાહેર વાહન વ્યવહારનો અભાવ છે ત્યાં લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર જ નભે છે. આજે મધ્યમવર્ગના ઘરમાં એક કાર હોવી સામાન્ય વાત છે, પણ એક સમયે સ્કૂટર હોવું લક્ઝરી હતી અને લોકો પગપાળા કે સાયકલમાં જ જતા અથવા જાહેર પરિવહન પર નભતા.
આ સમયે જેમણે ભારતીય ઘરોમાં સ્કૂટર ગોઠવી દીધું તે ઉદ્યોગપતિ અને બજાજ કંપનીના સીઈઓ રાહુલ બજાજ (Rahul Bajaj birthday)નો આજે જન્મદિવસ છે. તેમનું સ્કૂટર બજાજ ખાસ મધ્યમવર્ગ માટે જ બનાવ્યું હતું જેમાં આગળ સામાન રાખવાની પણ જગ્યા હતી. તેમના સ્કૂટરની એડવર્ટાઈઝમેન્ટ બુલંદ ભારત કી બુલંદ તસવીર…હમારા બજાજ જાણે નેશનલ એન્થમ હોય તે રીતે ગવાતી હતી.
રાહુલ બજાજે લાંબા સમય સુધી દેશના સૌથી જૂના ઔદ્યોગિક ગૃહોમાંના એક બજાજ જૂથનું નેતૃત્વ કર્યું હતું.
રાહુલ બજાજનો જન્મ 30 જૂન, 1938ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ 40 વર્ષથી વધુ સમય સુધી બજાજ ગ્રુપના ચેરમેન હતા. 2001માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમને રાહુલ નામ દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આપ્યું હતું.
આ મામલે વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી મીઠી મજાક પણ કરતા કે તમે મારા દીકરાનું નામ ચોરી લીધું. રાજીવ પહેલા જન્મેલા ઉદ્યોગપતિ કમલનયન બજાજના પુત્રને પંડિત નહેરુએ આ નામ આપ્યું. આથી ઈન્દિરાએ દીકરા રાજીવના પુત્રનું નામ રાહુલ રાખ્યું હોવાનું કહેવાય છે.
રાહુલ બજાજ તેમના સ્પષ્ટવક્તા માટે જાણીતા હતા. કોર્પોરેટ ઈન્ડિયાની વાત હોય કે પછી રાષ્ટ્રીય હિતને લગતા મુદ્દાઓ, તેઓ ક્યારેય ખુલ્લેઆમ બોલવાથી ડર્યા નહીં. એક અહેવાલ અનુસાર એક કાર્યક્રમમાં તેમણે પોતે કહ્યું હતું કે તેઓ જન્મજાત એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ છે. રાહુલ બજાજ 2006માં ભાજપ, એનસીપી અને શિવસેનાના સમર્થનથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. તેમણે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે ગૃહમંત્રી અમિત શાહની સામે કહ્યું હતું કે લોકો (ઉદ્યોગપતિઓ) તમારા (મોદી સરકાર)થી ડરે છે. જ્યારે યુપીએ-2 સરકાર હતી ત્યારે અમે કોઈની પણ ટીકા કરી શકતા હતા. પરંતુ હવે અમને એ વિશ્વાસ નથી કે અમે ખુલ્લેઆમ ટીકા કરીશું તો તે આપને માન્ય રહેશે.
જે બજાજ સ્કૂટર માટે તેઓ જાણીતા હતા તેનું 1970ના દાયકામાં ઈટાલિયન કંપની પિયાજિયોએ લાઇસન્સ રિન્યુ ન કર્યું, ત્યારે રાહુલ બજાજે પોતાની બ્રાન્ડ ચેતક અને સુપર હેઠળ સ્કૂટર બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે દેશવાસીઓની જરૂરિયાતનો સામાન બનાવવા માટે ભલે મારે જેલમાં જવું પડે તો પણ હું જઈશ. તેમણે લાયસન્સ-પરમિટ સિસ્ટમનો પણ વિરોધ કર્યો હતો. લાયસન્સના કારણે સિત્તેર અને એંસીના દાયકામાં સ્કૂટર બુક કરાવ્યા બાદ ડિલિવરી માટે વર્ષો સુધી રાહ જોવી પડતી હતી. તેઓ સાથે સાથે સ્વદેશી ઉદ્યોગના બહુ પ્રખર હીમાયતી હતા.
રાહુલ બજાજે વ્યક્તિગત જીવનમાં પણ સાહસ કર્યા હતા. તેઓ લગભગ પહેલા રાજસ્થાની-મારવાડી પુરુષ હતા જેમણે મરાઠી બ્રાહ્મણ યુવતી રૂપા સાથે લવ મેરેજ કર્યા હતા. બન્ને પરિવારો વચ્ચે ઘણું અંતર હતું, પરંતુ રાહુલે પોતાના મનની માની અને તેમણે પોતાની સફળતાનો ઘણોખરો શ્રેય પત્ની રૂપાને આપ્યો.
12 ફેબ્રુઆરી, 2022માં પુણે ખાતે તેમનું નિધન થયું.