ધર્મતેજ

‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ લેવામાં આવે તો આ સમગ્ર સૂક્તના અર્થની સંગતિ બરાબર બેસી જાય છે

સાંધ્યભાષા (અધ્યાત્મભાષા)

અલૌકિક દર્શન -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
અહીં ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ થાય છે. કેવી રીતે?
સૃષ્ટિના પ્રારંભે સમગ્ર સૃષ્ટિ પરબ્રહ્મ પરમાત્મામાંથી પ્રગટ થાય છે. પરબ્રહ્મ પરમાત્માના એક અતિ અલ્પ અંશમાંથી આ સમગ્ર સૃષ્ટિ પ્રગટ થાય છે. પ્રગટ થયેલા અંશને ‘વિરાટ બ્રહ્મ’ અને અપ્રગટ, અવશિષ્ટ અંશને ‘પરબ્રહ્મ’ કહેવામાં આવે છે. આ અવશિષ્ટ અર્થાત્ પરબ્રહ્મ માટે આ સૂક્તમાં‘ उच्छिष्ट’ શબ્દનો પ્રયોગ થયો છે. આમ આ સૂક્તમાં ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ લેવામાં આવે તો આ સમગ્ર સૂક્તના અર્થની સંગતિ બરાબર બેસી જાય છે.
આ સાંધ્યાભાષા છે.
(૨) ઉપનિષદ: ‘ઈશાવાસ્યોપનિષદ’નો એક મંત્ર છે:

अन्धं तमः प्रविशन्ति येडविद्यामुपासते।
ततो भूय इव ते तमो य उ विद्यायाँ रताः ॥ – ईशावास्योपनिषद्૯
“જે મનુષ્ય અવિદ્યાની ઉપાસના કરે છે તે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે અને જે મનુષ્ય વિદ્યામાં રત રહે છે તે તેનાથી પણ વધુ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે.
અહીં આ મંત્રમાં વિદ્યા અને અવિદ્યાનો અર્થ પ્રચલિત સામાન્ય અર્થ તો નથી જ. અવિદ્યાની ઉપાસના કરનાર અંધકારમાં પ્રવેશ કરે છે તે તો બરાબર છે, પરંતુ વિદ્યાની ઉપાસના કરનાર તો તેનાથી પણ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. આમ કેવી રીતે? આનો અર્થ એમ થયો કે અહીં વિદ્યા અને અવિદ્યાનો પ્રચલિત અર્થ છોડીને કોઈક વિશિષ્ટ અર્થ જ લેવો જોઈએ. તો જ મંત્રાર્થની સંગતિ બેસી શકશે.
અહીં અવિદ્યા એટલે કર્મ અને વિદ્યા એટલે ઉપાસના. કર્મ અને ઉપાસના એકલાંઅધૂરાં અર્થાત્ અસાર્થક છે, પરંતુ બંનેના સમન્વયથી અધ્યાત્મપથ સુકર બને છે અને સાધક પરમ પદની પ્રાપ્તિ તરફ ગતિ કરી શકે છે.
આ સાંધ્યાભાષાનો પ્રયોગ છે.
(૩) શ્રીમદ્ ભગવદ્ગીતા :
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः॥ -श्रीमद् भगवदगीताः ૨-૬૯
“સર્વ પ્રાણીઓ માટે જે રાત્રિ છે, તેમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગ્રત રહે છે અને જેમાં સર્વ પ્રાણીઓ જાગ્રત રહે છે તે જ્ઞાની પુરુષ માટે રાત્રિ સમાન છે.
અહીં દિવસ અને રાત્રિનો પ્રચલિત સામાન્ય અર્થ લઈ શકાય તેમ નથી.
અહીં નિશાનો અર્થ બેભાનાવસ્થા અને તેથી ઊલટી છે જાગ્રતાવસ્થા.
સામાન્ય પ્રાણીઓ-મનુષ્યો અધ્યાત્મ અર્થાત્ ભગવત્પથ પ્રત્યે બેભાન છે, વિમુખ છે. તેમના માટે તે રાત્રિ છે, પરંતુ તેમાં અર્થાત્ અધ્યાત્મ-ભગવત્પથ પ્રત્યે યોગીપુરુષ જાગ્રત અર્થાત્ અભિમુખ રહે છે. યોગીપુરુષ ભોગથી વિમુખ રહે છે, તે તેના માટે રાત્રિ સમાન છે. આ ભોગ પ્રત્યે સામાન્ય પ્રાણીઓ-મનુષ્યો જાગ્રત અર્થાત્ અભિમુખ રહે છે, તેમના માટે તે જાગૃતિકાળ છે.
રાત્રિ, જાગૃતિકાળ (દિવસ) આદિ શબ્દોનો પ્રચલિત અર્થ છોડીને અહીં અધ્યાત્મપરક વિશિષ્ટ અર્થ લેવામાં આવેલ છે.
આ સાંધ્યભાષાનો પ્રયોગ છે.
(૪) નાથસંપ્રદાય:
નાથસિદ્ધોની અને વિશેષત: ગોરખનાથની વાણીમાં સાંધ્યભાષાના અપરંપાર પ્રયોગો જોવા મળે છે. અહીં નમૂનારૂપે એક પ્રસ્તુત છે:
गगन मंडलमें ऊँधा कूँवा तहां अमृतका बासा ।
सगुरा होइ सु भरिभरि पीवै निगुरा जाइ पियासा ॥

ગગનમંડલ એટલે શિર અને ઊંધો કૂવો એટલે બ્રહ્મરંધ્ર. આ કૂવામાં અમૃત છે. અમૃત એટલે શિવતત્ત્વ. ગુરૂપદિષ્ટ માર્ગે સાધના કરવાથી આ શિવરૂપી અમૃતનું ભરપૂર પાન કરી શકાય છે અને નૂગરા તરસ્યા જ રહે છે.
આ નાથસંપ્રદાયની સાંધ્યભાષા છે.
(૫) વજ્યાન:
તિબેટમાં પ્રચલિત બૌદ્ધ ધર્મ તે વજ્યાન છે. વજ્યાન છે. વજ્યાનનું સાહિત્ય તિબેટિયન ભાષામાં છે, પરંતુ તેમાં સાંધ્યભાષાના ભરપૂર પ્રયોગો થયા છે.
(૬) સહજયાન:
હીનયાન, મહાયાન અને વજ્યાન પછી ફરીથી ભારતમાં પાછા આવેલા બૌદ્ધ ધર્મની ચતુર્થ ધારા તે સહજયાન છે. સહજયાનમાં પણ સાંધ્યભાષાના પ્રયોગો છે. તેનું સાહિત્ય વિશેષત: જૂની બંગાળીમાં છે.
(૭) તંત્રશાસ્ત્ર: તંત્રશાસ્ત્રનું સાહિત્ય તો આવા સાંધ્યભાષાના પ્રયોગોથી ભરપૂર છે. સાહિત્ય સંસ્કૃત અને પ્રાચીન હિન્દીમાં છે.
વામતંત્રમાં પાંચ ‘મ’કારની અવધારણા બહુ પ્રચલિત છે. માંસ, મદિરા, મૈથુન, મત્સ્ય અને મુદ્રા- આ પાંચ મકાર છે. આ પાંચનો પ્રચલિત સ્થૂળ અર્થ લેવાનો નથી. સૂક્ષ્મ, સાંકેતિક અર્થ જ યથાર્થ છે. આ પાંચ મકારનો સ્થૂળ અર્થ લેવાથી આ સંપ્રદાય બદનામ થઈ ગયો અને અનેક સાધકો અવળે રવાડે ચડી ગયા છે. અહીં સૂક્ષ્મ, સાંકેતિક અર્થ જ લેવાનો છે. આ સાંધ્યભાષા છે.
માંસ એટલે શિરસ્થ અમૃત.
મદિરા એટલે ધ્યાનનો આનંદ.
મત્સ્ય એટલે જાગ્રત થયેલી કુંડલિની.
મુદ્રા એટલે શરીર-પ્રાણ-મનની એક યોગાનુકૂલ વિશિષ્ટ અવસ્થા.
આ રીતે સૂક્ષ્મ અર્થ લઈને યોગી અધ્યાત્મપથ પર અગ્રેસર થાય છે. તેમ ન થાય તો પતનનો માર્ગ છે.
આ સાંધ્યભાષા છે.
(૮) પ્રાચીન ઈજિપ્ત:
પ્રાચીન ઈજિપ્તમાં શબ્દ અને મૂર્તિ બંને માધ્યમથી સાંધ્યભાષાના પ્રયોગો થયા છે. દા.ત. સ્ફિંક્સ તેના વિશે આપણે બહુ જાણતા નથી.
(૯) આલવાર આદિ તમિલ સંતો:
આલવાર આદિ તમિલ સંતોની વાણીમાં સાંધ્યભાષાના પ્રયોગો થયા છે. તેનું સાહિત્ય પ્રાચીન તમિલભાષામાં છે.
તમિલ વેદ ‘કુરુલ’ આવા સાંધ્યભાષાના પ્રયોગોથી ભરપૂર છે.
(૧૦) પુરાણકથાઓ:
આપણી પુરાણકથામાં સાંધ્યભાષાના અપરંપાર પ્રયોગો જોવા મળે છે. થોડા અહીં પ્રસ્તુત છે.
કથાનો રસ જળવાઈ રહે અને રહસ્યની કથા પણ કહેવાઈ જાય એવી સાંધ્યભાષાનો પુરાણકારે ઉપયોગ કર્યો છે.
(શ) ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે. ગરુડ ગગનવિહારી અને ઊર્ધ્વગતિમાન અને તીવ્રગતિમાન પક્ષીરાજ છે. વિષ્ણુવાહન તરીકે ગરુડના પગમાં સર્પ છે.
ગરુડની ઉર્ધ્વગતિ દ્વારા પ્રાણ અને ચેતનાની ઊર્ધ્વગતિ સૂચિત થાય છે. સર્પ પ્રાણ અને ચેતનાની નિમ્નગતિનું પ્રતીક છે. નિમ્નગામિની ચેતના (સર્પ)ને નિયંત્રણમાં લઈને ઊર્ધ્વગામિની ચેતના (ગરુડ) જ્યારે ઊર્ધ્વગતિ કરે છે ત્યારે તેના પર ભગવાન વિષ્ણુ આરૂઢ થાય છે, અર્થાત્ તે ચેતનામાં વિષ્ણુતત્ત્વ પ્રગટ થાય છે.
જુઓ! સાંધ્યભાષાનું સામર્થ્ય જુઓ!
(શશ) બ્રહ્માજી અને સરસ્વતી:
કથા આ પ્રમાણે છે:
એક વાર બ્રહ્માજી પોતાની પુત્રીનું સૌંદર્ય જોઈને કામવશ થયા. કામવશ બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતી સાથે કામક્રીડા કરવા તત્પર થયા. પુત્રી સરસ્વતી પિતા બ્રહ્માજીનો કામભાવ અને તેમની કામક્રીડાની ઈચ્છાને સમજી ગયાં.
‘બ્રહ્માજી મારા પિતા છે, છતાં મારા પ્રત્યે આવો કામભાવ રાખે છે અને આવુ નિંદ્ય કર્મ કરવા તત્પર થયા છે તે ઉચિત નથી.’- આમ વિચારીને સરસ્વતીજી લજ્જિત થઈ ગયાં. પોતાનું શિયળ બચાવવા સરસ્વતીજી મૃગલીનું સ્વરૂપ ધારણ કરીને નાસવા લાગ્યાં. કામાતુર બ્રહ્માજી આ સ્વરૂપને ઓળખી ગયા અને પોતે મૃગનું સ્વરૂપ ધારણ કરીને તેની પાછળ દોડવા લાગ્યા. શિવજીએ બ્રહ્માજીનો આવો નિંદ્ય વ્યવહાર જોયો. શિવજીએ વિચાર્યું કે બ્રહ્માજી સૃષ્ટિના સર્જક છે અને ધર્મના પ્રવર્તક હોવા છતાં આવું નિંદ્ય આચરણ કરે છે, તેથી તેમને અવશ્ય રોકવા જોઈએ. મહાદેવજીએ બ્રહ્માજીએ રોકવા માટે પોતાનું પિનાક ધનુષ્ય ઉપાડ્યું અને તેમાંથી એક બાણ બ્રહ્માજી પાછળ છોડ્યું. આ જાણીને મૃગરૂપે રહેલા બ્રહ્માજી અતિશય લજ્જિત થયા અને લજ્જાને કારણે પીડા પામ્યા.
બ્રહ્માજી આકાશમાં મૃગશીર્ષનક્ષત્રસ્વરૂપે પ્રતિષ્ઠિત થયા અને શિવજીનું બાણ આકાશમાં આર્દ્રાસ્વરૂપે પ્રતિષ્ઠિત થયું. આ બંને આજ સુધી આકાશમાં પ્રતિષ્ઠિન છે.
આ કથાને તેના સ્થૂળ શાબ્દિક અર્થમાં કદી ન લઈ શકાય! સૃષ્ટિના પિતા બ્રહ્માજી આટલી નિમ્ન ભૂમિકાએ જાય તેમ બની ન શકે.
બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા છે. બ્રહ્માજીએ સૃષ્ટિરચનાના પ્રથમ તબક્કે જે તત્ત્વ ઉત્પન્ન કર્યું તેને અહીં સાંકેતિક ભાષામાં-કથાશૈલીમાં તેમની પુત્રી સરસ્વતી કહેવામાં આવેલ છે. બ્રહ્માજી તેના સર્જક હોવાથી પિતા ગણાય.
આ પ્રથમ તત્ત્વ દ્વારા અર્થાત્ તેના માધ્યમથી બ્રહ્માજી હવે દ્વિતીય તબક્કાની અન્ય સૃષ્ટિની રચના કરવા તત્પર થયા છે. જેમ પુરુષ સ્ત્રીના માધ્યમથી સંતાન ઉત્પન્ન કરે છે, તેમ બ્રહ્માજીએ પ્રથમ તત્ત્વ અર્થાત્ સરસ્વતીના માધ્યમથી અન્ય સૃષ્ટિની રચના કરી છે.
પ્રથમ તબક્કાની સૃષ્ટિરચના દરમિયાન જે તત્ત્વ સંતાનની ભૂમિકામાં છે તે જ તત્ત્વ આ દ્વિતીય તબક્કાની સૃષ્ટિ રચના દરમિયાન માધ્યમની ભૂમિકા અર્થાત્ પત્નીની ભૂમિકા ભજવે છે તેમ સાંકેતિક ભાષામાં, પૌરાણિક કથાશૈલીમાં કહી શકાય.
ઉત્પત્તિના પ્રથમ તબક્કામાં જે પુત્રીસ્વરૂપ છે તે દ્વિતીય તબક્કામાં પત્નીરૂપ બને છે.
બ્રહ્માજી કામક્રીડા માટે તત્પર થયા તેનો અર્થ છે બ્રહ્માજી દ્વિતીય ભૂમિકાની સૃષ્ટિ રચના માટે તત્પર થયા. કામક્રીડા એટલે સર્જનપ્રક્રિયા તેવો અર્થ અહીં અભિપ્રેત છે. કામક્રીડા પણ વસ્તુત: સર્જનની જ પ્રક્રિયા છે.
સમગ્ર કથાનો અર્થ આમ કરવો જોઈએ : બ્રહ્માજી પોતાની પુત્રી સાથે કામક્રીડા માટે તત્પર થયા એટલે બ્રહ્માજી પોતે ઉત્પન્ન કરેલ પ્રથમ તત્ત્વના માધ્યમ દ્વારા દ્વિતીય ભૂમિકાનું સર્જન કરવા તત્પર થયા.
આ છે સાંધ્યભાષા
(શશશ) વામન અને વિરાટ :
કથા આ પ્રમાણે છે-
પ્રહ્લાદજીના પૌત્ર બલિરાજાએ વિશ્ર્વજિતયજ્ઞ દ્વારા સામર્થ્ય પ્રાપ્ત કરીને પૃથ્વી અને સ્વર્ગ પર વિજય મેળવ્યો. દેવો હારીને અત્રતત્ર છુપાઈ ગયા.
દેવમાતા અદિતિએ પોતાના પતિ કશ્યપઋષિના માર્ગદર્શન પ્રમાણે પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. પયોવ્રતના અનુષ્ઠાનથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ અદિતિજીના પુત્ર થવાનું અને દેવોના રાજ્યની પુન: પ્રતિષ્ઠા કરાવવાનું વરદાન આપ્યું. ભગવાન વિષ્ણુ અદિતિના પુત્રસ્વરૂપે- વામનસ્વરૂપે અવતર્યા.
એકવાર બલિરાજા ભૃગુકચ્છમાં યજ્ઞ કરી રહ્યા હતા. ભગવાન વામન બટુકસ્વરૂપે તે યજ્ઞસ્થળે ગયા. વામનજીએ યજ્ઞદીક્ષિત બલિરાજા પાસે પોતાનાં ત્રણ પગલાં જેટલી જમીનની માગણી કરી. શુક્રાચાર્યની ના છતાં બલિરાજાએ દાનનો સંકલ્પ કર્યો.
ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પ્રથમ પગલાંથી પૃથ્વી અને દ્વિતીય પગલાંથી સ્વર્ગ માપી લીધું અને તૃતીય પગલાંરૂપે અન્ય ભૂમિની માગણી કરી. બલિરાજાએ તૃતીય પગલાંની ભૂમિ માટે પોતાનું મસ્તક ધરી દીધું. બલિરાજાને સુતલમાં પ્રતિષ્ઠિત કર્યા અને પોતે તેમના દરવાન બન્યા.
આ નાની કથામાં મૂલ્યવાન અને ગહન આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે.
આ કથાનું આધ્યાત્મિક રહસ્ય સમજવા માટે આપણે નીચેના પ્રશ્ર્નોના ઉત્તરો મેળવવા જોઈએ.
(૧) બલિરાજા એટલે કોણ?
બલિરાજા એટલે અહંકાર. અહંકાર બળિયો છે અને તેથી સર્વત્ર પોતાનું રાજ્ય સ્થાપિત કરી દે છે.
(૨) ત્રિલોકનું રાજ્ય શું છે?
શરીર, પ્રાણ અને મન અહીં ત્રિલોક છે. વસ્તુત: આત્મા તેનો રાજા છે, પરંતુ અહંકારે તેના પર કબજો જમાવી દીધો છે.
(૩) વિષ્ણુ અને વામન એટલે કોણ?
વિષ્ણુ એટલે પરમાત્મા અને વામન એટલે જીવાત્મા.
વામન એટલે વ્યક્તિગત આત્મા અને વિષ્ણુ એટલે પરમાત્મા. બંને એક જ છે. માયાનો પડદો હટે એટલે જીવ જ બ્રહ્મસ્વરૂપે પ્રગટ થાય છે.
વામનનું વિરાટ સ્વરૂપ ધારણ કરવું એટલે જીવાત્માનું બ્રહ્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું.
(૪) વામનનાં (વિરાટ બનીને) ત્રણ પગલાં શું છે?
જીવાત્મા પોતાનું મૂળ સ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત કરીને શરીર-પ્રાણ-મનને અહંકારના આધિપત્યમાંથી મુક્ત કરે છે. શરીર-પ્રાણ-મનરૂપી ત્રિલોકી પર અહંકારને સ્થાને આત્માના આધિપત્યની સ્થાપના કરવી તે જ વિરાટ બનેલા વામનનાં ત્રણ પગલાં છે. આ પગલાંથી અહંકારના આધિપત્યને સ્થાને આત્માના આધિપત્યની પ્રતિષ્ઠા થાય છે અને બલિરાજારૂપી અહંકાર કેદી બને છે.
(૫) બલિરાજાનું સુતલમાં જવું અને વામન ભગવાનનું તેમના દરવાન બનવું એટલે શું?
બલિરાજા અર્થાત્ અહંકાર સુતલમાં અર્થાત્ નિમ્ન ચેતનામાં ચાલ્યો જાય છે, પરંતુ અહંકારનો શો ભરોસો? તે પુન: માથું ન ઊંચકે તે માટે તેના પર વામન ભગવાનની ચોકી મૂકવામાં આવેલ છે.
વામનાવતારની કથાઓ આવો આધ્યાત્મિક અર્થ છે. આ છે સાંધ્યભાષા.
વામનાવતાર અને વામન ભગવાનની આ અધ્યાત્મપરક કથાનું મૂળ ‘ઋગ્વેદ’નાં વિષ્ણુસૂક્તમાં છે. વિષંણુસૂક્તનો એક મૂલ્યવાન મંત્ર અહીં પ્રસ્તુત છે:
રુઠ્ઠઞિ ક્ષડળ રુમ ખઇૃં઼પજ્ઞ રુમશ્રઞૂઉંર્ળીક્ષળ અડળફ્ર્રૂ:
અટળજ્ઞ ઢપળૃરુઞ ઢળફ્રૂણ્ર ॥

  • ઋક્કમજ્ઞડ : ૧-૨૨-૧૮
    “અવિનાશી અને રક્ષણકર્તા વિષ્ણુએ પોતાનાં ત્રણ પગલાં દ્વારા આ જગતને સર કરી લીધું અને ચે રીતે તેઓ આ જગતના ધર્મોના ધારણકર્તા બન્યા છે.
    (શદ) ગજેન્દ્રમોક્ષ:
    કથા આ પ્રમાણે છે:
    ક્ષીરસાગરમાં ‘ત્રિકૂટ’ નામનો દશ હજાર યોજન ઊંચો પર્વત હતો. તેનાં અનેક શિખરોમાંનાં ત્રણ શિખરો સુવર્ણ, ચાંદી અને લોખંડનાં બનેલાં હતાં. ચારે બાજુ વિશાળ અરણ્ય હતું. પર્વતની તળેટીમાં વરુણદેવનું ‘ઋતુમાન’ નામનું ઉદ્યાન હતું. આ ઉદ્યાનમાં એક સરોવર હતું. આ વિશાળ અરણ્યમાં અનેક અને અનેકવિધ પ્રાણીઓ વસતાં હતાં. તેમાં ‘ગજેન્દ્ર’ નામનો એક મોટો હાથી સપરિવાર વસતો હતો.
    એક વાર તે મહાન હાથી ગજેન્દ્ર પોતાના વિશાળ પરિવાર સાથે તે સરોવરમાં પાણી પીવા માટે આવ્યો. પાણી પીવા માટે અને જળક્રીડા માટે ગજેન્દ્ર સપરિવાર સરોવરમાં પ્રવેશ્યો.
    ગજેન્દ્ર પોતાની હાથણીઓ સાથે જળક્રીડામાં વ્યસ્ત હતો ત્યારે સરોવરમાં વસતા એક મહાન ગ્રાહે (મગરમચ્છે) ગજેન્દ્રનો પગ પકડી લીધો. ગજેન્દ્ર ગ્રાહની પકડમાંથી છૂટીને બહાર આવવા માટે પ્રચંડ પુરુષાર્થ કરવા લાગ્યો અને ગ્રાહે તેને પાણીમાં ખેંચવા માંડ્યો. પાણીમાં ગજેન્દ્ર કરતાં ગ્રાહનું જોર વધુ હોય છે, તેથી ગ્રાહ ગજેન્દ્રને વધુ ને વધુ ઊંડા પાણીમાં ખેંચી ગયો. પરિવારજનોએ ગજેન્દ્રને મુક્ત કરવા ખૂબ મદદ કરી, પરંતુ તેઓ કશું કરી શક્યા નહીં, તેથી તેઓ સૌ સરોવરની બહાર આવી ગયા.
    ગજેન્દ્ર અને ગ્રાહનું આ તુમુલ યુદ્ધ એક હજાર (!) વર્ષ સુધી ચાલ્યું. અતુલ બળ અને અતુલ પુરુષાર્થ છતાં ગજેન્દ્ર ગ્રાહની પકડમાંથી છૂટી શક્યો નહીં. ગજેન્દ્રને સમજાઈ ગયું કે હવે પોતાના પુરુષાર્થથી છૂટી શકાય તેમ નથી.
    જ્યારે કોઈ ઉપાય ન રહ્યો ત્યારે ગજેન્દ્રે ભગવાનનું સ્મરણ કર્યું. ગજેન્દ્રે ગ્રાહન બંધનમાંથી મુક્ત કરવા મટે આર્ત્તભાવે ભગવાનને પ્રાર્થના કરી. ગજેન્દ્રની આ પ્રાર્થના જ પ્રખ્યાત ‘ગજેન્દ્રમોક્ષસ્તોત્ર’ ગણાય છે. ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બિરાજેલા ભગવાન વિષ્ણુનું દર્શન કરે છે. પાણીમાં ખીલેલાં કમળોમાંથી એક કમળ સૂંઢ વડે ચૂંટીને તેનાથી ગજેન્દ્ર ભગવાનની પૂજા કરે છે.
    ગજેન્દ્રની પ્રાર્થના અને પૂજાથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ પોતાના ચક્રથી ગ્રાહનું મસ્તક કાપી નાખે છે અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે.
    પોતાના પુરુષાર્થથી અને સ્વજનોની સહાયથી પણ ગજેન્દ્ર મુક્ત થઈ શક્યો નહીં. આખરે ભગવાનની કૃપાથી જ ગજેન્દ્ર ગ્રાહની પકડમાંથી મુક્ત થાય છે.
    આ કથા સ્પષ્ટ રીતે એક અધ્યાત્મપરક કથા છે. આ કથાનો અધ્યાત્મપરક અર્થ સમજવા માટે આપણે નીચેના પ્રશ્ર્નોના ઉત્તરો મેળવવા જોઈએ:
    (૧) ક્ષીરસાગર એટલે શું?
    ક્ષીરસાગર એટલે આ સૃષ્ટિના પ્રારંભ પહેલાંની અવસ્થા.
    (૨) ત્રિકૂટ પર્વત એટલે શું?
    ત્રિકૂટ પર્વત એટલે તેમાંથી પ્રગટેલી ત્રિગુણાત્મક પ્રકૃતિ. સુવર્ણશિખર દ્વારા રજોગુણ, ચાંદીશિખર દ્વારા સત્ત્વગુણ અને લોખંડના શિખર દ્વારા તમોગુણ સૂચિત થાય છે.
    (૩) અરણ્ય એટલે શું?
    અરણ્ય એટલે આ ભવાટવી, અર્થાત્ સંસારરૂપી જંગલ.
    (૪) સરોવર એટલે શું?
    સરોવર એટલે માયારૂપી સરોવર.
    (૫) ગજેન્દ્ર એટલે શું?
    ગજેન્દ્ર એટલે જીવ.
    (૬)ગ્રાહ એટલે શું?
    ગ્રાહ એટલે અવિદ્યા. અવિદ્યા જીવને બાંધે છે.
    (૭) ગજેન્દ્ર અને ગ્રાહનું યુદ્ધ એટલે શું?
    જીવને અવિદ્યા બાંધે છે. જીવ મુક્ત થવા માટે મથામણ કરે છે, પરંતુ તે પોતાના પુરુષાર્થથી મુક્ત થઈ શકતો નથી. આ જ ગજેન્દ્ર અને ગ્રાહનું સનાતન યુદ્ધ છે.
    (૮) આ કથાનો નિષ્કર્ષ શો?
    જીવને અવિદ્યા બાંધે છે. જીવ માત્ર પોતાના પુરુષાર્થથી તેમાંથી મુક્ત થઈ શકતો નથી. ભગવાનની કૃપાથી જ જીવ અવિદ્યાના બંધનથી મુક્ત થઈ શકે છે.
    ભગવાન શ્રીકૃષ્ણ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં કહે છે:
    ડેમિ હ્ળજ્ઞરળ ઉૂંઞપ્રૂિ પપ પળ્રૂળ ડળ્ફટ્ટ્રૂ્રૂળ
    પળપજ્ઞમ ્રૂજ્ઞ પ્ક્ષદ્મધ્ટજ્ઞ પળ્રૂળપજ્ઞટર્ળૈ ટફાધ્ટ ટજ્ઞ ॥
  • હ્મળપિડ્ર ધઉંમડ્રઉંટિળ : ૭-૧૪
    “મારી આ અલૌકિક, ત્રિગુણમયી માયા અતિ દુસ્તર છે. જે વ્યક્તિ મારે શરણે આવે છે તે જ મારી દુસ્તર માયાને તરી જાય છે, અર્થાત્ તેમાંથી મુક્ત થાય છે.
    ગજેન્દ્રમોક્ષની આ કથા સાંધ્યાભાષા દ્વારા કહેવાઈ છે. આ સાંધ્યભાષા છે.
    આપણા પુરાણસાહિત્યમાં આવી રહસ્યપૂર્ણ અપરંપાર કથાઓ છે. સાંધ્યાભાષામાં ગુપ્ત આ કથાઓના રહસ્યાર્થને ખોલી શકાય તો અપરંપાર રત્નરાશિ હાથ લાગે તેમ છે.
    (દ) સમુદ્રમંથનની કથા:
    કથા આ પ્રમાણે છે.
    અમૃતની પ્રાપ્તિ માટે દેવો અને અસુરોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યું. કચ્છપ ભગવાનનો આધાર લઈને, મંદરાચલનો રવૈયો અને વાસુકિનાગનું નેતરું બનાવીને એક બાજુ દેવોએ અને બીજી બાજુ અસુરોએ એમ સાથે મળીને સમુદ્રમંથન શરૂ કર્યું.
    પ્રારંભમાં નીકળે છે હળાહળ ઝેર.
    શંકર ભગવાન પી ગયા.
    પછી નીકળે છે આઠ રત્નો – કામધેનુ, ઉચ્ચૈ:શ્રવા અશ્ર્વ, ઐરાવત હાથી, કૌસ્તુભમણિ, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીજી અને વારુણી.
    આખરે નીકળે છે અમૃતકુંભ સાથે ભગવાન ધન્વંતરિ.
    અમૃત માટે દેવો-અસુરો વચ્ચે સંઘર્ષ થયો. ભગવાન મોહિનીરૂપે પ્રગટ થયા અને અમૃત દેવોને પાઈ દીધું.
    આ કથાનો આધ્યાત્મિક રહસ્યાર્થ શો?
    (૧) સમુદ્રમંથન એટલે પરમ તત્ત્વની પ્રાપ્તિ માટે થતું અધ્યાત્મસાધનનું પરિશીલન.
    (૨) મંદરાચલ એટલે આપણું શરીર.
    (૩) વાસુકિનાગ એટલે કુંડલિનીશક્તિ.
    (૪) કચ્છપનો આધાર એટલે ભગવાનનો આધાર.
    (૫) હળાહળ ઝેર એટલે વારસનાઓરૂપી ઝેર. શિવજી કૃપા કરીને સાધકને તેમાંથી બચાવે છે.
    (૬) સમુદ્રમંથન વખતે નીકળેલાં રત્નો એટલે અધ્યાત્મપથ પર આવતી સિદ્ધિઓ. સાધકે તેમાં અટવાઈ જઈને અધ્યાત્મયાત્રા છોડી દેવાની નથી.
    (૭) અમૃતની પ્રાપ્તિ એટલે પરમ પદની પ્રાપ્તિ.
    (૮) શુભ તત્ત્વો તે દેવો છે. અશુભ તત્ત્વો તે અસુરો છે. અમૃત શુભ તત્ત્વોને-દેવોને આપવાનું છે, અશુભ તત્ત્વોને-અસુરોને નહીં જ!
    આમ, સમુદ્રમંથનની કથા દ્વારા અધ્યાત્મયાત્રાનું જ કથન થયું છે.
    આ છે સાંધ્યભાષા!
    આપણા પૌરાણિક સાહિત્યમાં આવી પરંપરા કથાઓ છે. આ કથાઓ ચકાચકીની વાર્તાઓ નથી. પ્રથમ દૃષ્ટિએ સાવ સામાન્ય લાગતી કથાઓના પેટાળમાં અધ્યાત્મતત્ત્વોરૂપી રત્નો ભરેલાં છે. આ રહસ્યોરૂપી રત્નો સાંધ્યભાષાની પદ્ધતિ પ્રમાણે ગોપનીય રાખવામાં આવેલ છે. તેમના અર્થોને તાળાં મારેલાં હોય છે. જો ચાવીઓ હાથ લાગે અને તાળાઓ ખોલી શકાય તો આ રહસ્યોરૂપી રત્નોનો ખજાનો હાથ લાગી શકે તેમ છે.
    તે માજ્ઞે આવશ્યક છે સાંધ્યભાષાના અર્થને ખોલવા માટેની રહસ્યદૃષ્ટિ!
    (૧૧) શિવમંદિરનું રહસ્યદર્શન :
    શિવમંદિરમાં આઠ મૂર્તિઓ હોય છે: (૧) કાપાકિ, (૨) ભૈરવ, (૩) નંદી, (૪) હનુમાનજી, (૫) કચ્છપ, (૬) ગણપતિ, (૭) પાર્વતી, (૮) શિવલિંગ.
    અષ્ટાંગયોગ (રાજયોગ)નાં આઠ અંગો છે:
    (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયમ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન, (૮) સમાધિ.
    (૧) સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ – આ પાંચ યમ છે.
    શિવમંદિરના કાપાલિકની મૂર્તિ દ્વારા આ યમ સૂચિત થાય છે.
    (૨) શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્ર્વરપ્રણિધાન – આ પાંચ નિયમ છે.
    શિવમંદિરના ભૈરવની મૂર્તિ દ્વારા આ નિયમ સૂચિત થાય છે.
    (૩) યોગનું તૃતીય અંગ ‘આસન’ છે.
    શિવમંદિરના નંદીની મૂર્તિ દ્વારા આ ‘આસન’ સૂચિત થાય છે. નંદી આસનસ્થ છે.
    (૪) યોગનું ચતુર્થ અંગ ‘પ્રાણાયામ’ છે.
    શિવમંદિરના હનુમાનજીની મૂર્તિ દ્વારા આ પ્રાણાયામ સૂચિત થાય છે. હનુમાનજી વાયુ અર્થાત્ પ્રાણના અધિષ્ઠાતા દેવ છે.
    (૫) યોગનું પાંચમાં અંગ પ્રત્યાહાર છે.
    શિવમંદિરના કચ્છપ (કાચબા)ની મૂર્તિ દ્વારા આ પ્રત્યાહાર સૂચિત થાય છે.
    કાચબો અંગોને સંકેલી શકેઅ છે. ઈન્દ્રિયોને પાછી વાળવી તે જ પ્રત્યાહાર છે.
    (૬) યોગનું છઠ્ઠું અંગ ધારણા છે.
    શિવમંદિરની ગણપતિની મૂર્તિ દ્વારા ધારણા સૂચિત થાય છે. ગણપતિની ઝીણી આંખો ધારણા સૂચવે છે.
    (૭) યોગનું સાતમું અંગ ધ્યાન છે.
    શિવમંદિરના પાર્વતીની મૂર્તિ દ્વારા ધ્યાન સૂચિત થાય છે. પાર્વતીજી શિવજીનું ધ્યાન કરે છે.
    (૮) યોગનું આઠમું અર્થાત્ અંતિમ અંગ સમાધિ છે.
    શિવલિંગ દ્વારા સમાધિ સૂચિત થાય છે. આમ શિવમંદિર દ્વારા અષ્ટાંગયોગ સૂચિત થાય છે.
    આ વે સાંધ્યભાષા.
    ૬. સમાપન :
    વિશ્ર્વમાં લગભગ સર્વત્ર કોઈ ને કોઈ સ્વરૂપે સાંધ્યભાષાના પ્રયોગો થયા જ છે. ભાષા ભિન્નભિન્ન છે, માધ્યમો ભિન્નભિન્ન છે, પરંતુ સાંધ્યભાષાનું મૂળ તત્ત્વ એક જ છે – લૌકિક માધ્યમ દ્વારા અલૌકિકનું કથન. અહીં લૌકિક માધ્યમને એવી વિશિષ્ટ રીતે પ્રયોજવામાં આવે છે કે તેમાંથી અલૌકિક અર્થ નિષ્પન્ન થાય છે. આ છે સાંધ્યભાષાનું પ્રધાન તત્ત્વ અને આ સ્વરૂપો સાંધ્યભાષાના પ્રયોગો લગભગ સર્વત્ર થયા છે.
    સાંધ્યભાષાના પ્રયોગો બહુ પ્રચલિત નથી, તેથી સાંધ્યભાષા સમાન્ય જન માટે ‘અબરાકબરા’ જ રહી છે. આમ છતાં પૃથ્વીનો કોઈ ભાગ કે કાળનો કોઈ ખંડ સાંધ્યભાષાથી સર્વથા અલિપ્ત રહ્યો નથી.
    માનવીને કાંઈક અલૌકિક કહેવાનું જ છે અને માધ્યમ તો અલૌકિક જ છે. તદનુસાર સાંધ્યભાષા આવશે જ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button