ધર્મતેજ

અભ્યાસ કરીશું તો કળિયુગમાં પણ સતયુગનું નિર્માણ થઈ શકશે

માનસ મંથન -મોરારિબાપુ

કામમાં સત્યનું આચરણ કરવું. પ્રામાણિકતા છોડવી નહિ. સાંજે ઘેર પાછા આવશો ત્યારે ભાર નહિ હોય! સુખી થવું હોય તો ઘણા રસ્તા છે પણ કરવું જ નથી એને શું ? સુખી થવું હોય તો યાદ રાખજો કથાને અને કથાનાં સૂત્રોને. આખી કથા તો યાદ ન રહે પણ ઝીણો ઝીણોયે અવાજ આવે તો ય ઘણું. આ સંદર્ભમાં એક દ્રષ્ટાંત યાદ આવે છે. દક્ષિણ ભારતમાં એક મહાત્મા હતા. પૂજારી હતા. એના દીકરાને ડાકુની એક ટોળકી ઉપાડી ગઈ. બળદગાડાની વચ્ચે દબાવીને છોકરોને લઇ ગયા. લઇ જતા હતા ત્યારે આરતીનો ઘંટ વાગતો હતો. આગળ નીકળતા હતા એમ ધીમો ધીમો થતો જતો હતો એ અવાજ. પછી તો વર્ષો વીતી ગયાં. એ પૂજારીનો છોકરો એનું ગામે ભૂલી ગયો. બાપનેય ભૂલી ગયો. પોતે કોણ છે તે પણ ભૂલી ગયો. ડાકુઓની વચ્ચે ઊછર્યો તેથી કાંઈ ખબર ન રહી ૨૦ વર્ષનો થયો તો થયું કે હું અહીંનો માણસ નથી. હું બીજો છું પણ મારો બાપ ક્યાં ? મારું નામ શું ? મારું ઘર ક્યાં ? એને કંઇ સ્મરણ નથી પણ કહે છે એના મગજનાં પેલી ઘંટડીનો ઝીણો-ઝીણો અવાજ હતો એ સ્થિર થઇ ગયો. ક્યારેક આંખો બંધ કરે તો ઘંટડી વાગ્યા કરે. અને એક દિવસ ક્રાંતિકારી આ છોકરાએ ડાકુઓને વિનંતી કરી-ડાકુઓએ છૂટો મૂકી દીધો. ભલે બાપ પાસે જા. તારા દ્વારા અમે કમાણી કરી લીધી જા.

છોકરો પોતાના બાપ, ગામ, ઘરને ગોતવા નીકળે છે. એક જ સ્મૃતિ હતી એની પાસે કે ઝીણી ઝીણી ઘંટડી સંભળાતી હતી. ગામે- ગામ મંદિર હોય આરતીઓ થતી હોય તો આ છોકરો બિચારો સાંભળે પણ એને પેલા આવાજની સંજ્ઞા ન આવે. ક્યાંક તેજ નગારાં હોય, ક્યાંક તાલ જુદો. એકાદ વર્ષ ગામડાંઓ ફર્યો. એમાં ફરતો-ફરતો પોતાનાં મૂળ પાદરમાં ગયો છે અને ત્યાંની ઝીણી ઝીણી ઝાલરું વાગી ! પોતાના પાદરના ગામમાં, પોતાનું ઘર, ગામમાં બાપ પૂજારી, જ્યાંથી પોતાનું અપહરણ થયું એ સંધ્યાની ઘંટડી વાગતાં સ્મરણ થયું. સ્મૃતિ તાજી થઇ. અવાજ વધારે પરિચિત થયો. અને વર્ષો પછી બાપ જ્યાં આરતી ઉતારતો હતો તે મંદિરમાં પગ મૂકે છે !

બાપ ! માટે તમને આજ કહેવું છે. ઝીણું-ઝીણુંએ કથાનું જો યાદ રહી જાય તો તમે પાછા ઘરે પહોંચી જશો. તમારા મૂળ મુકામે પહોંચી જશો. એનો મધુર રણકાર જો તમારા પ્રાણોમાં ઊતરી જાય તો જીવન કૃતકૃત્ય કરી દે. કળિયુગમાં સતયુગનું નિર્માણ થઇ જશે જો થોડો અભ્યાસ કરશો તો. ક્યારેક શાંતિથી બેસજો તો કથાનો રણકાર પાછો આવશે. અને એ પ્રાણમાં બેસી ગયેલી, રોપાઈ ગયેલી વસ્તુ શું ન કરી શકે ! તો એક ઘંટડીનો અવાજ તમારા કાનમાં રહી જાય તો કળિયુગમાં સતયુગનો અનુભવ વ્યક્તિગત કરી શકશે. પારિવારિક અનુભવ કરી શકશો. રાષ્ટ્રમાં સારું સ્વરૂપ લાવી શકીશું, દુનિયાની હવા બદલી શકીશું.

ધોમધખતા વૈશાખમાં પણ સુવિધાવાળા જો ઠંડું મશીન પોતાના ઘરમાં ગોઠવી દે તો ઠંડક લાગે અને વૈશાખની ખબર ન પડે એમ હું ને તે થોડાક જો અંદર ઊતરી જઈએ તો ખબર જ ન પડે કે કળિયુગ જેવું કંઈક છે. અંદર ઊતરવું જોઈએ-તો રોજ પરિવારમાં સાથે બેસી જમજો, મનની એકતા રાખજો, થોડી ભગવદ્ચર્ચા કરજો-ગાળો બોલવાનું બંધ કરજો. કોઈએ સરસ વાવેતર કર્યું હોય એના પર પથ્થર મૂકી દ્યો તો ઊગે નહિ. એમ હું વાવણી કરીને જાઉં છું એના ઉપર તમારી જડતાની છીપર નહિ નાખી દેતા. જડતાના પથ્થરો મૂકી દેશો તો વાંક મારો નથી, ખેતર તમે બગડ્યાં ગણાશે. મેં તો નિંદામણ કર્યું, તમારું પાણી વાવ્યું, તમારા ક્યારામાં બીજા કોઈ પાવડા ન મારી જાય એટલા માટે મહેનત કરી આઠ-આઠ દિવસ, ધ્યાન રાખજો. હવે સંભાળજો બાપ ! મારા રામાયણની ઝીણી ઝીણી ઘંટડી યાદ રાખજો.

તો કળિયુગમાં ધર્મોની ચર્ચા કરીએ છીએ ત્યારે દરવાજા નહિ બંધ કરી દેજો કે આ કાળપ્રભાવ છે. આમાં કાંઈ થાય નહિ. વ્યક્તિગત સુધારો થઇ શકે બાપ ! એમ ને એમ જો વિસ્તાર થશે તો ઘણું મોટું કામ થઇ શકે. મન ઉઘાડું હોવું જોઈએ. દરવાજા બંધ ન કરવા જોઈએ. વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની હિંમત હોવી જોઈએ. જેને વાસ્તવિકતા સ્વીકારવાની હિંમત નથી એને ધર્મમાં શું યોગદાન ? એ અધ્યાત્મમાં શું ગતિ કરી શકે ? અજ્ઞાનમાં જીવવું બહુ સહેલું છે. જ્ઞાનમાં જીવવું જ અઘરું છે ! અજ્ઞાન તો ખીણ છે સપાટ ભૂમિ પર બધા બેસી શકે પણ શિખર એ જ્ઞાન છે.

વ્યક્તિગત જે કરતા હો તે પણ રાત્રે પાંચ-દસ મિનિટ સમય મેળવી ઘરનાં બધા ભેગા થઇ થોડી ભગવદ્ચર્ચા કરો. સંસ્કૃતિની ચર્ચા કરો. આમ કરવાથી કળિયુગમાં પણ સતયુગનો અનુભવ થશે. આખા રાષ્ટ્ર કે સમાજમાં સંભવ નથી પણ પરિવારમાં તો શરૂ કરો. ટી.વી. પર એવી ચેનલો ન જુઓ. ઘરમાં ખાન-પાન સારું રાખો. વર્તન સારું રાખો. તમારા આંગણે કથા આવી છે. રામાયણ જેવો ગ્રંથ ઘરમાં પહોંચી ગયો છે. તેથી તમારા બધાની બહુ જવાબદારી છે. કથા શું કામ ? આ બધી કથાઓની શી જરૂર છે ? કથાની પ્રાસંગિકતા શું ?એટલો મોટો ખર્ચ, વ્યવસ્થા અને છતાંય પ્રસંગ યોજે તેને થાક નહિ. મારા મનમાં આવી રહ્યું છે, તે હું કહ્યાં કરું છું. મારા ને તમારા સંતાપનું કોઈ કારણ હોય, કારણો ઘણા છે. પરંતુ આપણી પ્રસન્નતા કાયમ નથી ટકતી, આપણે નિત્ય આનંદમાં નથી રહી શકતા, અને વસ્તુ મને ને તમને વચ્ચે વચ્ચે વિક્ષિપ્ત કરે છે. એનું કારણ શું છે ? પછી પોતાની જાતથી લઇને આખા જગત સુધી અશાંતિ, સંતાપ, સમસ્યાઓ, આ બધું જે છે તેનું એક કારણ છે. અને તે છે આપણા ચિત્તની અશુદ્ધિ. હવે, ચિત્તશુદ્ધિનાં સાધનો તો ઘણાં છે દુનિયામાં, પણ ભાગવતજીનો અભિપ્રાય છે કે ચિત્તશુદ્ધિનું પવિત્ર સાધન કોઈ હોય તો ભગવાનની કથા છે. કથા જેટલું પવિત્ર બીજું કોઈ સાધન નથી. આ દુનિયામાં, આ જગતમાં, માનવીનાં મનને પવિત્ર કરવાની સાધના ભગવાનની કથા છે. પછી રામકથા, શિવકથા, કૃષ્ણકથા, કોઈ પણ હોય, જેમાં પરમાત્માનું ચરિત્ર હોય તે ચિત્તશુદ્ધિ કરે છે. કથા એટલા માટે આવશ્યક છે

સંકલન : જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button