Sania Mirza on Haj Yatra:સાનિયા મિર્ઝાએ પોતાનાથી કંઈ ખોટું થયું હોય, કોઈ ખામી રહી ગઈ હોય તો એ બદલ ક્ષમા માગી!
હૈદરાબાદ/દુબઈ: મૂળ હૈદરાબાદની અને વર્ષોથી દુબઈમાં રહેતી ભારતની ભૂતપૂર્વ ટેનિસ ક્વીન સાનિયા મિર્ઝા હજયાત્રાએ જવા નીકળી છે. પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથેના તલાકને પાંચ મહિના થઈ ગયા છે અને આ કઠિન પાંચ મહિના દરમ્યાન તે સોશિયલ મીડિયા પર બહુ ઓછી આવી છે.
જોકે હજયાત્રા માટે સાઉદી અરેબિયા જવા રવાના થતાં પહેલાં સાનિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની હજયાત્રા વિશેની જાણકારી શૅર કરવાની સાથે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આ હજયાત્રાથી તેની મનોદશામાં મોટું પરિવર્તન આવશે.
સાનિયાએ મીડિયામાં પોતાના મિત્રો અને સ્વજનોને ઉદ્દેશીને લખ્યું હતું કે ‘મને પૂરી ખાતરી છે કે મારાથી કંઈ ખોટું થયું હોય કે મારાથી કોઈ પ્રકારની ખામી રહી ગઈ હોય તો તમે મને માફ કરી દેશો.’
સાનિયા સાથેના લગ્નજીવન દરમ્યાન જ શોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે રિલેશનશિપ બાંધી હતી અને છેવટે સાનિયાએ શોએબની આ રિલેશનશિપથી કંટાળીને તેની સાથે ડિવૉર્સ લઈ લીધા.
સાનિયાએ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં આ પ્રમાણે લખ્યું છે, ‘મારા વ્હાલા મિત્રો અને સ્વજનો, મને પવિત્ર હજયાત્રા કરવાની અમૂલ્ય તક મળી છે. આ યાત્રા દ્વારા હું મારામાં આવનારા પરિવર્તનનો અનેરો અનુભવ કરીશ એની મને ખાતરી છે.
જો મારાથી કંઈ ખોટું થયું હોય કે કોઈ પ્રકારની ખામી રહી ગઈ હોય તો હું તમારી ક્ષમા માગું છું. આ આધ્યાત્મિક યાત્રાની તક મળી એ બદલ હું ગદ્ ગદ્ થઈ ગઈ છું. અલ્લા મારી પ્રાર્થના સ્વીકારશે અને મને જીવનનો સંગીન તથા અનેરો રાહ બતાવશે એવી આશા રાખું છું.
જીવનમાં આવી યાત્રાનો અવસર ક્યારેક જ મળતો હોય છે અને એ બદલ હું પોતાને ગૌરવશાળી અને ભાગ્યાશાળી માનું છું.
આ અનેરી યાત્રા દરમ્યાન હું આશા રાખીશ કે તમે સર્વે મને તમારા દિલોદિમાગમાં સ્થાન આપતા રહેશો અને મને દુઆમાં યાદ રાખશો. મને ખાતરી છે કે હું વધુ સારા હૃદય અને મજબૂત ઇમાન સાથે પાછી આવીશ.’