ચૈતર વસાવા ફરી મેદાનમાઃ આદિવાસી યુવાનોને માર મરાયાના વિરુદ્ધમાં રસ્તે ઉતરશે
અમદાવાદઃ નર્મદા જીલ્લાના સાગબારા ખાતે પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા આદિવાસી યુવાનોને ઢોર માર માર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને આ અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ફરીયાદ કરવા છતા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનો આક્ષેપ કરી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોને માર મારનાર પોલીસ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી નહિ થાય તો રસ્તા પર ઉતરી આંદોલનની ચેતવણી આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે સાગબારા ખાતે પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા નરેન્દ્ર વસાવા, રાજૂ વસાવા, ઈનેશ વસાવા નામના ત્રણ યુવાનોને કોઈ પણ ફરીયાદ વિના પોલીસ સ્ટેશનમા પુરી ઢોર માર મારવામા આવ્યો હતો. દરમિયાન તમામને સારવાર માટે સાગબારાના આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યા તેમની ત્રણ દિવસથી સારાવાર ચાલી રહી છે. ઘટનાની નર્મદા કલેક્ટરને રજુઆત કરવા છતાં કોઈ પણ જાતની તપાસ કરવાની જગ્યાએ પોલીસ પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.
Read This…ભરૂચના બે વસાવા વચ્ચે તડાફડીઃ એકબીજા પર આક્ષેપોનો મારો, મામલો પોલીસ સ્ટેશનમાં
દેવમોગરા ખાતે આદિવાસી સમાજની કુળદેવીના મંદિરે આવતા દર્શનાર્થિઓને પોલીસ હેરાન કરે છે. જેના કારણે છેલ્લા બે વર્ષથી દર્શનાર્થિઓની સંખ્યામાં ધટાડો પણ નોંધાયો છે. ડેડીયાપાડા-સાગબારામાં અન્ય રાજ્યમાંથી ટ્રકો ભરી ભરીને દારૂ આવે છે. આંકડા અને જુગારના ધંધા ચાલે છે. ત્યા પોલીસ કાર્યવાહી કરતી નથી પણ નિર્દોષ લોકોને હેરાન કરે છે. આ વિસ્તારમા પોલીસ રક્ષકની જગ્યાએ ભક્ષક બની રહી છે. જો આદિવાસી યુવાનોને માર મારનાર પોલીસ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી નહિ થાય તો અમે રસ્તા પર ઉતરી પોલીસ વિરૂદ્ધ આંદોલન કરીશુ, તેમ વસાવાએ કહ્યું હતું. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાએ આઠ ટર્મથી સાંસદ બનતા મનસુખ વસાવાને બરાબરની ટક્કર આપી હતી. જોકે ચૈતર 80,000 આસપાસ મતથી હારી ગયો હતો. હાલમાં તે આમ આદમી પક્ષના ડેડિયાપાડાના વિધાનસભ્ય તરીકે સ્થાનિકોના પ્રશ્નોને લઈ સક્રિય ભૂમિકા ભજવતો હોય છે.