ઉત્સવ

કઈ રીતે બચાવવું આ જમાનાની બાળકીઓનું બાળપણ?

પ્રશ્ર્ન એ છે કે સમાજ તરીકે આપણે એવાં બાળકોને કેવી રીતે મદદ કરી શકીએ કે જેઓ માનસિક સ્વાસ્થ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. એમ લાગે છે કે આ સંદર્ભે આપણે સ્કૂલથી જ શરૂઆત કરવી પડશે

ફોક્સ -અંતરા પટેલ

થોડા દિવસો પહેલા હું એક પાર્ટીમાં ગઇ હતી, જ્યાં ૧૫-૧૬ વર્ષની ઘણી સ્કૂલની છાત્રાઓ હાજર હતી. મને એ જાણવામાં વધુ રસ હતો કે આજની ટીનેજરો શું વિચારે છે. તેથી પાર્ટી પર ધ્યાન આપવાને બદલે હું તેમની સાથે મિનિંગફૂલ વાતચીતમાં વ્યસ્ત થઈ ગઈ. ખાસ કરીને એક છોકરીની વાતે મને વિશેષ કરીને આશ્ર્ચર્યમાં મૂકી દીધી. તેણે કહ્યું, “કોવિડ પછી અમે છોકરીઓ ઘણી બદલાઈ ગઈ છીએ. અમે સૌંદર્યનાં ધોરણોને પૂર્ણ કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છીએ અને કૂલ રહેવાના ચક્કરમાં અમે અમારું બાળપણ ગુમાવ્યું છે. આજે અમારી મિત્રતા કાચ કરતાં પણ વધુ નાજુક બની ગઈ છે. થોડા જ મહિનાઓમાં ગ્રુપ સતત બદલાયા કરે છે, કારણ કે દરેક વ્યક્તિ સામાજિક સીડી ચઢવા માટે વધુ સારી તક શોધી રહી છે.

અમે એકબીજા પ્રત્યે ખોટા અને બનાવટી છીએ, કારણ કે આપણે જાણતા નથી કે કોઈ અમારી નબળાઈનો કેવી રીતે લાભ લેશે.

તેની વાત સાંભળ્યા પછી હું વિચારવા લાગી કે શું ખરેખર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કે આ ફક્ત મિડલ સ્કૂલનો અનુભવનો એક ભાગ છે. ત્યારે બીજી એક છોકરીએ કહ્યું, ‘જ્યારે તમે સ્કૂલમાં હતા અને તમારો કોઈ મિત્ર સાથે ઝઘડો થતો, તો તમે તે લડાઈ ત્યાં જ છોડીને જતાં રહેતા અને બીજા દિવસે તે જ મિત્રને સ્કૂલમાં એ રીતે મળતા જાણે કંઈ થયું જ નથી. આ સંદર્ભે, કોરોના પહેલા કેટલાક વોટ્સએપ મેસેજની આપલે પણ કરવામાં આવી હતી. પરંતુ જો આજે બે મિત્રો વચ્ચે ઝઘડો થાય તો વાત સોશ્યિલ મીડિયા સુધી પહોંચે છે અને બીજા દિવસે જ્યારે અમે સ્કૂલમાં પાછા ફરીએ ત્યારે યુદ્ધની રેખાઓ ખેંચાઈ જાય છે. તમારા ક્લાસમેટ અલગ-અલગ ગ્રુપમાં વહેંચાઈ ગયા હોય છે – કેમેરા, એક્શન, ડ્રામા. શું આશ્ર્ચર્યજનક છે કે અમે આટલા તણાવગ્રસ્ત અને બેચેન છીએ?

આજકાલ છોકરીઓને શબ્દોથી રમતા આવડે છે. તેથી મને લાગ્યું કે તેના શબ્દોને અતિશયોક્તિ ગણીને અવગણના કરું, પણ આ છોકરીઓના શબ્દોમાં મને બદલાતા સમાજના કડવા સત્યનો અનુભવ થઈ રહ્યો હતો. ખાસ કરીને કારણ કે મેં અન્ય યુવાનો પાસેથી પણ સાંભળ્યું છે કે તેઓ ’બ્યુટી સ્ટાન્ડર્ડસ’, ‘બિંગ કુલ’, ‘લોકપ્રિય લોકો સાથે ફરવા જવું’ વગેરે માગણીઓનું દબાણ અનુભવે છે. હા, આ દબાણો હંમેશાંથી હતા, પરંતુ હવે એવું લાગે છે કે તે સંપૂર્ણપણે અલગ સ્તરે પહોંચી ગયા છે. યુવાનોમાં માનસિક સ્વાસ્થ્ય સંઘર્ષ અને આત્મહત્યાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. હું વિચારી રહી છું કે શું તેઓ સુકાઈ રહેલા તળાવમાં માછલીની જેમ ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આપણે બધા આ યુવાનો પર પૂરતી ફ્લેક્સિબિલીટી કે હિંમત ન દર્શાવવા બદલ આકરા પ્રહારો કરીએ છીએ, પરંતુ એ મૂળભૂત પ્રશ્ર્નોની અવગણના કરીએ છીએ – તેઓ શા માટે ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે? તેમનું માનસિક સ્વાસ્થ્ય ક્યાં કારણે સંકટમાં છે?

પાર્ટીમાં મને એક છોકરીએ કહ્યું હતું કે તેણે એક ચિકિત્સકને મળવાનો આગ્રહ કર્યો હતો. કારણ કે તે ચિંતા, નિરાશા અને નકામા હોવાની લાગણી સાથે સતત સંઘર્ષ કરી રહી હતી. જો કોઈ એ છોકરીને અલગ સંદર્ભમાં મળ્યું હોત તો તે આશ્ર્ચર્યચકિત થાત; કારણ કે તે અભ્યાસમાં સારો દેખાવ કરી રહી હતી, તેની સ્કૂલમાં લોકપ્રિય હતી અને સારી રીતે ચર્ચા કરવામાં સક્ષમ હતી. તેણે મને કહ્યું હતું કે “હું ૧૫ વર્ષની છું અને અત્યારથી હું કંટાળો અનુભવવા લાગી છું. મને લાગે છે કે હું કોઈ બીજાનું જીવન જીવી રહી છું. દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છું, દરેક વસ્તુમાં સારી બનવા માગું છું અને મારી રમતમાં ટોચ પર રહેવા માગું છું. જો એવું નહીં થાય તો મને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવશે.

પ્રશ્ર્ન એ છે કે સમાજ તરીકે આપણે
એવાં બાળકોને કેવી રીતે મદદ કરી શકીએ કે જેઓ માનસિક સ્વાસ્થ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. મને લાગે છે કે આ સંદર્ભે આપણે સ્કૂલથી જ શરૂઆત કરવી પડશે. સામાજિક બદલાવ માટે શાળાથી વધુ સારી કોઈ જગ્યા નથી. તાજેતરમાં જ મેં એક સમાચાર વાંચ્યા હતા.

એક શાળાની ધોરણ ૯ ની વિદ્યાર્થિનીઓએ છોકરાઓની તેના શરીર અંગે ટિપ્પણીઓ સામે વલણ અપનાવ્યું. તેમના સમજદાર શિક્ષકે વર્ગના સમય દરમિયાન આ વિષયને ઉઠાવવાનું નક્કી કર્યું અને સુરક્ષિત વાતાવરણ ઊભું કર્યું જેથી છોકરીઓ તેમના અપમાન વિશે ખુલ્લેઆમ બોલી શકે, જેનો તેમને રોજેરોજ સામનો કરવો પડી રહ્યો હતો.

રસપ્રદ એ હતું કે છોકરીઓએ કોઈને દોષ ન આપ્યો અને છોકરાઓએ માફી માગી. તેમણે સાથે મળીને છોકરીઓ માટે ક્લાસને સુરક્ષિત અને સન્માનિત કરવા માટે શું પગલાં લઈ શકાય તે વિશે વિચારવાનું શરૂ કર્યું અને જો ઉલ્લંઘન થાય તો શું પગલાં લેવાં જોઈએ. આ વાતચીતની સકારાત્મક અસર થઈ. છોકરીઓને શાળાની એસેમ્બલીઓમાં આ વિષય પર બોલવા માટે કહેવામાં આવ્યું હતું અને અન્ય વર્ગોમાં પણ લિંગ રાજકારણ અને વિવિધતા પર વાર્તાલાપ યોજવામાં આવ્યા.

હું માનું છું કે આ પ્રકારની વાતો તમામ શાળાઓમાં નિયમિતપણે થવી જોઈએ. આ રીતે શાળાઓ સામૂહિક કાર્યવાહીના હબ તરીકે ઊભરી આવશે. શાળાઓમાં બાળકોના જીવનમાં અને ફળસ્વરૂપે માનવતાના ભવિષ્યને બદલવાની ક્ષમતા છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં માત્ર શાળાઓ જ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને બાળકોને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્ત રાખી શકે છે. વાસ્તવમાં, શાળાનાં બાળકો જ પ્રશ્ર્નો પૂછે છે અને આપણને પડકાર ફેંકે છે અને આપણને આળસના ખાડામાંથી બહાર કાઢે છે જેમાં આપણે પડ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button