ઉત્સવ

ચૂંટણીનાં પરિણામ

થોડા છૂટાછવાયા વિચાર વત્તા થોડું ચિંતન

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

દેશની સૌથી લાંબી ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે. લોકો તેની ચર્ચા કરીને થાક્યા હતા એમાં પાછી ગરમી જીવ લઇ ગઈ. લોકો હવે વહેલા વરસાદની અને ખુશનુમા સંસદની આશામાં એમની રોજિંદી પળોજણમાં પરોવાઈ જશે.

એમણે પોતાના મત આપી દીધા છે. હવે નેતાઓએ તે મત પર વ્યવહાર કરવાનો છે. હવે પાંચ વર્ષ પછી વાત. ત્યાં સુધી ૨૦૨૪ને કેવી રીતે યાદ રાખીશું? થોડા આમ તેમ વિચારો અને છૂટુંછવાયું ચિંતન.


દેશનું નેતૃત્વ જેના હાથમાં હોય તે વ્યક્તિ કે વ્યક્તિઓની વૈચારિક ક્ષમતા અને દૂરંદેશીથી આગળ જઈને એક દેશ સામૂહિક અને સ્વતંત્ર રીતે પોતાના હિતમાં વિચાર કરી શકે અથવા પોતાના ભવિષ્યને જોઈ શકે? કે પછી જે લોકો શિખર પર બેઠા છે અને જેમના હાથમાં દેશની કમાન છે ને એમની જે સમજ હોય તે જ સમજ પૂરા દેશની હોય? એક વ્યક્તિનું વિઝન એ પૂરા દેશનું વિઝન હોય- હોય શકે ?

ધારો કે એ વ્યક્તિની વૈચારિક ક્ષમતા મર્યાદિત હોય, એનામાં અણઆવડત હોય અને એનું વિઝન ત્રુટિપૂર્ણ હોય તો તે વૈચારિક મર્યાદા, તે અણઆવડત અને તે ત્રુટિ પણ પૂરા દેશની લાક્ષણિકતા બની જાય? બીજી રીતે કહીએ તો, નેતાની ક્ષમતા એ દેશની ક્ષમતા અને નેતાની મર્યાદા એ દેશની મર્યાદા એવું ગણાય?

એક દેશની બૌદ્ધિકતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? નીચેથી ઉપર કે ઉપરથી નીચે? મતલબ કે બધી બુદ્ધિ પર નેતૃત્વનો અધિકાર હોવો જોઈએ અને જનતા માત્ર અંધ અનુચર હોવી જોઈએ? કે પછી જનતામાં સર્વોત્તમ જ્ઞાન વિકસેલું હોવું જોઈએ અને તે સમય સમય પર નેતૃત્વની મદદે આવવું જોઈએ?


સરકારનો અર્થ જ સત્તા થાય છે અને તમે માણસના હાથમાં એ સત્તા સોંપો એટલે એનો દુરુપયોગ થવાનો જ. જેની પાસે સત્તા હોય તે માણસ સામાન્ય રીતે જેની પર હકૂમત ચલાવાની હોય તે માણસો કે સંસ્થાઓથી દૂર થઇ જાય છે. એટલે ‘શુદ્ધ’ ઈરાદાવાળી વ્યક્તિ પણ એની સત્તાની નકારાત્મક અસરો વિશે બેખબર રહે છે અને એ ઉત્તરોત્તર સત્તાનો દુરુપયોગ કરતી રહે છે.
માણસ બુનિયાદી રૂપે પશુ છે. ઉચિત-અનુચિતની એની ભાવના ‘જેની લાઠી તેની ભેંસ’ની પાશવિક ભાવનામાંથી આવે છે. માણસ શુદ્ધ છે અને એ સત્તાનો દુરુપયોગ નહીં કરે એ આશા ઠગારી નીવડી શકે એમ છે.

કાયદાશાસ્ત્રમાં તેની સાદી સમજણ છે: માણસની નૈતિકતા સ્વયંભૂ નથી હોતી. એને જયારે બીજા લોકોનો ડર લાગે, ત્યારે એ નૈતિક વ્યવહાર કરે. હું કશું ખરાબ કરીશ તો બીજા લોકો આવીને મને અટકાવશે’ એ સમજણ એને અશુદ્ધ બનતાં અટકાવે છે. સત્તા ઉપર એટલા માટે મીડિયા અને અદાલત જેવી સ્વતંત્ર સંસ્થાઓની ધૂંસરી હોય છે. અસલમાં શુદ્ધ ઈરાદાવાળો માણસ એની પરની ધૂંસરીઓને ઔર મજબૂત કરે. જેનો ઈરાદો મલિન હોય, તે સતત એવી ફરિયાદ કરે કે ‘મને હજુ વધુ સત્તા જોઈએ છીએ. ’


શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર એવું શાયર જલન માતરીએ ભલે ઈશ્ર્વરમાં શ્રદ્ધા માટે લખ્યું હોય, પણ આપણે જે લીડરમાં વિશ્ર્વાસ રાખીએ છીએ એના માટે પણ એ એટલું જ સાચું છે. આપણે જ્યારે એક લીડરની ક્ષમતામાં આપણી શ્રદ્ધાને આરોપિત કરીએ છીએ ત્યારે આપણે આપણા હું ને લીડર સાથે આઇડેન્ટિટીફાઇ કરીએ છીએ . આ પણ એકાત્મતાનું જ સ્વરૂપ છે.

આપણે આપણી જાતનું પ્રતિબિંબ લીડરમાં જોવાનું ચાલુ કરી દઈએ છીએ. એટલે જ લીડરની નિષ્ફળતાને જોવા કે સ્વીકારવાની આપણી ક્ષમતા ઘટી જાય છે. આપણે એની સકારાત્મક પર જ ફોકસ કરીએ અને નકારાત્મક બાબતને ગૌણ અથવા ક્ષણિક ગણીને નજર અંદાજ કરીએ છીએ.

કહેવાનો અર્થ એ કે આપણને આપણી શ્રદ્ધા, આપણી નિર્ણયશક્તિ અને આપણી તાર્કિકતામાં એટલો બધો ભરોસો હોય છે કે તેને અડીખમ રાખવા માટે લીડરની દેખીતી નિષ્ફળતા સામે આંખ આડા કાન કરવાનું અનિવાર્ય બની જાય છે. લીડરમાંથી વિશ્ર્વાસ ગુમાવવો એટલે ‘હું’ માંથી વિશ્ર્વાસ ગુમાવવો.


ઉત્તમ લીડર તેને કહેવાય, જે જ્યારે જરૂર હોય ત્યારે જ ત્યારે નેતૃત્વ કરે. વધુ પડતું નેતૃત્વ ખરાબ સાબિત થાય છે. દરેક વાત પર નિયંત્રણ હોય તે ઉત્તમ નેતૃત્વની નિશાની નથી. નેતાએ યોજનાઓ માટે, પરિસ્થિતિઓ માટે કામ કરવાનું હોય છે- પોતાના માટે નહીં. મહત્ત્વાકાંક્ષા સારી વાત છે, પણ એમાં સાથેના લોકો પણ મોટા થવા જોઈએ. નિષ્ણાત લોકોને કામ કરવા દે, એમને મોરચો આપે, તે ઉત્તમ નેતા કહેવાય.

એને પોતાની ટીમની તાકાત અને કમજોરીની ખબર હોય. ઉત્તમ નેતાને દરેક ચીજની મૂળભૂત સમજ હોય, પણ એ બધું જાતે ન કરે. એને પ્રતિભા ઓળખતાં આવડે અને એવી વ્યક્તિને અધિકાર આપીને ટીમમાં સામેલ કરે. યોગ્ય વ્યક્તિને યોગ્ય કામમાં લગાવવી એ ઉત્તમ નેતાની નિશાની છે. એ પોતે શ્રેય ક્યારેય ન લે. ઉત્તમ નેતા એને જ કહેવાય જે ટીમને મહત્ત્વાકાંક્ષી બનાવે અને તેને આગળ ધરે. ઉત્તમ નેતા ‘હું ’ શબ્દનો ઓછો ઉપયોગ કરે અને ‘અમે’નો વધુ કરે. ઉત્તમ નેતા નિષ્ફળતામાં કોઈને દોષ ન દે અને સફળતામાં સૌને ભાગીદાર બનાવે.

એ અસલામત અને નકારાત્મક ન હોય. ઉત્તમ નેતાને આત્મવિશ્ર્વાસ અને અહંકાર
વચ્ચેના ફર્કની સમજ હોય. આત્મવિશ્વાસથી બીજા લોકો પ્રેરિત થાય. અહંકારથી બીજા લોકો નિષ્ક્રિય થાય. ઉત્તમ નેતા નિષ્ફળતાથી પોતાની ચિંતા ન કરે અને સફળતાથી ફુલાઈ ન જાય. ઉત્તમ નેતા એના આત્મવિશ્ર્વાસ અને સકારાત્મકતાથી ટીમમાં જોશ પૂરે. જે બીજાનું બહેતર બહાર લાવે, તે ઉત્તમ નેતા.


વિન્સ્ટન ચર્ચિલ દ્વિતીય મહાયુદ્ધમાં બ્રિટનના પ્રધાનમંત્રી હતા. યુદ્ધની શરૂઆતથી જ બ્રિટનનો સામનો નાઝી
જર્મનીથી થયો હતો. ચર્ચિલ ઉત્તમ નેતા ઉપરાંત એક સૈનિક અને યુદ્ધ રિપોર્ટર પણ હતા. ચર્ચિલના નેતૃત્વમાં બ્રિટન જર્મની સામે અડીખમ ઊભું રહ્યું.

એટલું જ નહીં, બ્રિટને કુનેહપૂર્વક અમેરિકા અને સોવિયેત સંઘ સાથે મોરચો બાંધ્યો હતો. યુદ્ધમાં જર્મનીનો પરાજય થયો પછી ચર્ચિલ બ્રિટનમાં હીરો બની ગયા હતા. ૧૯૪૫માં યુદ્ધ સમાપ્ત થયું તેના બે મહિનામાં ચર્ચિલે ચૂંટણી જાહેર કરી. પોતાની ક્ધઝર્વેટિવ પાર્ટીએ યુદ્ધમાં વિજયના નામે વોટ માંગ્યા, પણ જનતાએ, ચર્ચિલથી ઓછા લોકપ્રિય, લેબર પાર્ટીના ક્લેમેન્ટ એટલીને સત્તામાં ચૂંટયા. કેમ?

બ્રિટિશ જનતાએ એવું નક્કી કર્યું હતું કે યુદ્ધ વિજેતા તરીકે ચર્ચિલ ગમે તેટલા મહાન હોય, પણ શાંતિકાળ માટે એ અયોગ્ય છે, જ્યારે ઘરેલું સમસ્યાઓ માટે એટલી અને એમની લેબર પાર્ટી વધુ ઉત્તમ છે. ચર્ચિલને આનું બહુ દુ:ખ થયું હતું, પણ એમને એમાં બોધપાઠ મળ્યો અને થોડા જ વર્ષોમાં ચૂંટણી જીતીને પાછા સત્તામાં આવ્યા.

   સાર: 

જનનાયકોનો આપણે આદર કરવો જોઈએ, ભક્તિ નહીં. આદરમાં એમને એમની જવાબદારીનું ભાન રહે છે. ભક્તિમાં એ પોતાને આલોચનાથી પર ગણે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?