ઉત્સવ

નીતીશ-નાયડુ ક્યાં સુધી મોદી સાથે ટકી રહેશે એની કોઈ જ ગેરન્ટી નથી !

માંડ માંડ મિશ્ર સરકારના વિષચક્રમાંથી બહાર આવ્યા હતા ત્યાં ફરી એવા બે પલટીબાજ રાજકારણીનો ટેકો લઈને નવી સરકાર બની રહી છે, જેને લઈને ડગલે ને પગલે અનેક નીતિ-રીતિમાં ક-મને બાંધછોડ કરવી પડશે..

કવર સ્ટોરી -વિજય વ્યાસ

નરેન્દ્ર મોદીની ત્રીજી વાર વડા પ્રધાનપદે શપથવિધિનો તખ્તો તૈયાર છે. આજે સાંજે એમની શપથવિધિ થશે એ સાથે નરેન્દ્ર મોદી સળંગ ત્રીજી વાર વડા પ્રધાનપદના શપથ લેનારા જવાહરલાલ નહેરુ પછી બીજા વડા પ્રધાન બની જશે. મોદી અને નહેરુ સિવાય ઈન્દિરા ગાંધી અને અટલબિહારી વાજપેયીએ પણ ત્રણ વાર વડા પ્રધાનપદના શપથ લીધા હતા તેથી ત્રણ વાર વડા પ્રધાનપદના શપથ લેનારા મોદી ચોથા વડાપ્રધાન બનશે.

નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં પણ વડા પ્રધાનપદના શપથ લીધા હતા, પણ એ વખતનો અને અત્યારનો માહોલ બિલકુલ અલગ છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યો હતો તેથી મોદીએ ભાજપના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.

આ વખતે સ્થિતિ બિલકુલ વિપરિત છે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં ૨૪૦ બેઠક જ મળી અને સ્પષ્ટ બહુમતીમાં ભાજપનો પનો ૩૨ બેઠક માટે ટૂંકો પડી ગયો તેથી મોદી સરકાર રચવા અને સત્તા ટકાવવા માટે ભૂતકાળમાં એમનો જોરદાર વિરોધ કરી ચૂકેલા નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર નિર્ભર છે. નીતીશકુમારની જેડીયુને લોકસભાની ચૂંટણીમાં ૧૨ અને ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીને ૧૬ બેઠક મળી છે. બંનેની કુલ મળીને ૨૮ બેઠક છે, જ્યારે એનડીએ પાસે ૨૯૩ બેઠક છે. એનડીએની ૨૯૩ બેઠકમાંથી ૨૮ બેઠક બાદ કરો તો ૨૬૫ બેઠક થઈ જાય તો મોદી પાસે બહુમતી ના રહે તેથી અત્યારે તો નીતીશ અને ચંદ્રાબાબુની મહેરબાનીથી મોદી સત્તામાં આવશે એવું કહી શકાય.

આ સ્થિતિના કારણે ભારતમાં ફરી મોરચા સરકારના દિવસો પાછા આવી ગયા છે. ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસે ૪૧૫ બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો પછી દેશમાં ૨૫ વર્ષ લગી મોરચા સરકારોનું રાજ રહ્યું. ૧૯૮૯માં વિશ્ર્વનાથ પ્રતાપસિંહથી શરૂ થયેલો સિલસિલો ૨૦૦૯માં ડૉ. મનમોહન સિંહની સરકાર સુધી ચાલુ રહ્યો. વિશ્ર્વનાથ પ્રતાપસિંહ ઉપરાંત ચંદ્રશેખર, નરસિંહરાવ, અટલ બિહારી વાજપેયી, એચ.ડી. દેવ ગૌડા, ઈન્દરકુમાર ગુજરાત વચ્ચેના સમયગાળામાં સત્તાસ્થાને રહ્યા.

નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં આ વિષચક્ર તોડીને ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી અને ૨૦૧૯માં ફરી એ ઈતિહાસને દોહરાવ્યો. જો કે ભાજપના કમનસીબે મોદી ૨૦૨૪માં હેટ્રિક ના કરી શક્યા તેથી દેશમાં ફરી મોરચા સરકારનો યુગ પાછો આવી ગયો છે.

દસ વર્ષના રાજકીય સ્થિરતાના શાસન પછી ભારત ફરી રાજકીય અસ્થિરતા તરફ ધકેલાઈ રહ્યું છે એવી ચિંતા વ્યક્ત થવા માંડી છે.મોદી ફરી વડાપ્રધાન તો બની જશે પણ પોતાની પાંચ વર્ષની આખી ટર્મ પૂરી કરી શકશે કે નહીં એની શું ગેરન્ટી એવો સવાલ પણ થઈ રહ્યો છે.

ભૂતકાળમાં ડૉ. મનમોહન સિંહે સાથી પક્ષોને સાચવીને પૂરાં ૧૦ વર્ષ રાજ કરેલું, જ્યારે અટલબિહારી વાજપેયી પણ ૫ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા. મોદી પણ એ રીતે નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ સહિતના સાથી પક્ષોને સાચવીને ૫ વર્ષની ટર્મ પૂરી કરી શકે છે, પણ નીતીશ અને ચંદ્રાબાબુના ભૂતકાળના નરેન્દ્ર મોદી સાથેના સંબંધો અને બંનેનો ગુલાંટબાજીનો ઈતિહાસ જોતાં એ બંને જ મોદી સાથે પાંચ વર્ષ ખેંચશે કે કેમ તેમાં શંકા છે અને કદાચ ખેંચે તો મોદીએ એની ભારે કિંમત ચૂકવવી પડશે.

ભાજપ પાસે જેડીયુ અને ટીડીપીનો વિકલ્પ બની શકે એવા વિકલ્પો પણ છે. મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને ૨૯, સ્ટાલિનની ડીએમકેને ૨૨ અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને ૩૭ બેઠક મળી છે, પણ આ ત્રણમાંથી એકેય મોદી સાથે બેસવાનું પસંદ કરે એવી શક્યતા નથી. આ સંજોગોમાં નીતીશ અને ચંદ્રાબાબુને એક સાથે મોદીએ સાચવવા પડે,જે અનિવાર્ય છે. બંનેમાંથી એકાદ ખરે તો વાંધો ના આવે, પણ બંને ‘સંપી’ને સાથે ખરે તો મોદી
સરકાર પણ ખરી પડે.

નરેન્દ્ર મોદીને નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ સાથે ના ફાવે તેનું સૌથી મોટું કારણ સાવ સામા છેડાની વિચારધારા છે. નીતીશ અને ચંદ્રાબાબુ બંને મુસ્લિમ તુષ્ટિકરણના ચેમ્પિયન છે. બંને મુસ્લિમોને પંપાળવાની નીતિમાં માને છે તેથી મોદી સાથે સંઘર્ષ નક્કી છે. આ ઉપરાંત , નરેન્દ્ર મોદી સામે અંગત રીતે બંને અણગમો વ્યક્ત કરી ચૂક્યા છે અને બંને ભૂતકાળમાં ભાજપને અધવચ્ચે છોડી પણ ચૂક્યા છે.

ચંદ્રાબાબુની પાર્ટી ટીડીપી અગાઉ ભાજપ સાથે જ હતી. વાજપેયીએ ૧૯૯૮માં સરકાર રચી ત્યારે નાયડુની પાર્ટીના જીએમસી બાલયોગીને લોકસભાનું સ્પીકરપદ પણ આપેલું. જો કે ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણોના પગલે ચંદ્રાબાબુ ભાજપથી અલગ થઈ ગયા હતા. ચંદ્રાબાબુએ મોદીના રાજીનામાની માગણી કરી હતી , પણ ભાજપે માગણી ના સ્વીકારતાં ચંદ્રાબાબુએ ભાજપથી છેડો ફાડી દીધો હતો. નાયડુ લાંબા સમય સુધી ભાજપથી અલગ રહ્યા પછી ૨૦૧૪માં પાછા આવતાં ટીડીપી અને ભાજપે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે લડી હતી. એ વખતે ટીડીપી ૨૦૧૮માં ભાજપથી અલગ થઈ ગઈ હતી.

પછી ક્રમશ: મોદી અને નાયડુ વચ્ચેનો સંઘર્ષ એ હદે વધી ગયો હતો કે, ચંદ્રાબાબુના નજીકના માણસો પર સીબીઆઈના દરોડા પડ્યા હતા. મોદીએ નાયડુને ‘સસરા એનટી રામારાવના ગદ્દાર’કહ્યા હતા, જ્યારે મોદીને નાયડુએ આતંકવાદી કહ્યા હતા. નાયડુ ભાજપને છોડીને કૉંગ્રેસ સાથે જતા રહેલા ને ૨૦૧૮ની તેંલગણા વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસ સાથે જોડાણ કરીને લડેલા. આંધ્રમાં ૨૦૧૯માં ભાજપ અને ટીડીપી સામસામે હતાં તેમાં બંને હારી ગયેલાં ને જગન મોહન રેડ્ડી જીતી ગયા..

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રાબાબુ નાયડુની કથિત આંધ્ર પ્રદેશ કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી પછી નાયડુએ જગનને હરાવવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને ટીડીપી ફરીથી એનડીએનો ભાગ બની.

બીજી તરફ્, નીતીશ કુમાર તો ‘પલટુરામ’ તરીકે પંકાયેલા જ છે. નીતીશ કુમાર ૨૦૦૫થી થોડાક મહિનાને બાદ કરતાં બિહારમાં મુખ્યમંત્રી રહ્યા છે. ૨૦ મે,૨૦૧૪થી ૨૨ ફેબ્રઆરી ૨૦૧૫ સુધીના ૨૭૮ દિવસ માટે જિતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા તેને બાદ કરતાં બાકીનો સમય નીતીશ કુમાર જ મુખ્યમંત્રીપદે રહ્યા છે. એક પણ ચૂંટણીમાં નીતીશકુમારને સ્પષ્ટ બહુમતી મળી નથી, છતાં નીતીશ ૧૮ વર્ષ મુખ્યમંત્રીપદે રહ્યા તેનું કારણ સત્તા માટે સિદ્ધાંતોને કોરાણે મૂકીને તડજોડ કરવાની અને પવન જોઈને સઢ બદલવાની જબરી આવડત છે.

નીતીશે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદીને ભાજપે વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા તેના વિરોધમાં ૨૦૧૩માં નીતીશ ભાજપથી નોખા થઈ ગયેલા. જો કે ભાજપે લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં સપાટો બોલાવ્યો તેમા નીતીશ પણ સાફ થઈ ગયેલા.એ વખતે નીતીશે સમયસૂચકતા બતાવીને લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાણ કરી લેતાં ૨૦૧૫ની ચૂંટણીમાં જીતીને ફરી સત્તામાં આવી ગયા.

૨૦૧૭માં લાલુપુત્ર તેજસ્વી યાદવનું નામ ભ્રષ્ટાચારના કેસમાં આવ્યું એ બહાને આરજેડીને છોડીને નીતીશ પાછા ભાજપની પંગતમાં બેસી ગયેલા. ૨૦૨૨ સુધી આ જોડાણ ચાલ્યું ને પછી અચાનક પલટી મારીને નીતિશ ફરી આરજેડીના પડખામાં જતા રહેલા. થોડા મહિના પહેલાં તેજસ્વીને બાજુ પર મૂકીને એમણે ચોથી વાર ગુલાંટ લગાવી અને અત્યારે ભાજપ સાથે છે. નીતીશની આવી આવી આવી ગુલાંટો જોઈને તો જંગલના બંદરોનેય ઈર્ષા થાય છે!

    આમ નીતીશ અને ચંદ્રાબાબુ બંનેનો આવો  ‘ખરડાયેલો’  રાજકીય  ઈતિહાસ જોતાં એ બંને નવી સરકારને  ક્યાં સુધી ટેકો આપવાનું ચાલુ રાખશે એની ખુદ નરેન્દ્ર મોદી પણ ગેરન્ટી આપી શકે તેમ નથી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button