ઉત્સવ

લવની ફિલોસોફી: રમકડું બદલાય તો માણસ કેમ નહીં?!

કેન્વાસ -અભિમન્યુ મોદી

ફ્રાન્ઝ કાફ્કા. ચાલીસ વર્ષની નાની ઉંમરમાં ગુજરી ગયેલા મહાન જર્મનભાષી લેખક. કાફ્કાએ ક્યારેય લગ્ન કર્યા નહીં કે એમને બાળકો હતા નહીં. એક વખત બર્લિનના કોઈ બગીચામાં એ લટાર મારી રહ્યા હતા. એમના ધ્યાનમાં આવ્યું કે ત્યાં એક નાની છોકરી બેઠી બેઠી રડી રહી છે. છોકરીને રડતા જોઈને અનુકંપા પણ જાગી હશે અને કુતૂહલ પણ થયું હશે. કાફ્કાએ એને પૂછ્યું : શું થયું ? એની સાથે વાત કરતા ખબર પડી કે તે છોકરીની ઢીંગલી થોડી વાર પહેલા ખોવાઈ ગઈ છે માટે એ રડી રહી છે.

પરિસ્થિતિની ગંભીરતા લેખક સમજ્યા. એમણે છોકરીની સાથે મળીને શોધવાનું ચાલુ કર્યું. આખો બગીચો ફેંદી વળ્યા, પણ ઢીંગલી મળી નહી. છોકરી વધુ હતાશ થઈ.

કાફ્કાએ છોકરીને કહ્યું કે એ અત્યારે ઘરે જાય અને કાલે પાછી આવે. એ જ બગીચામાં ફરીથી ઢીંગલી શોધવાનું વચન આપીને કાફ્કાએ છોકરીને મોકલી દીધી. બીજે દિવસે નિયત કરેલા સમયે બંને બગીચામાં ભેગા થયા. ફરીથી ઢીંગલી શોધી. ના મળી. છોકરી રડું રડું થઈ રહી હતી ત્યાં કાફ્કાએ એને એક પત્ર આપ્યો. તે પત્ર પેલી ઢીંગલીએ લખ્યો હતો એવું લેખકે પેલી નાની છોકરીને કહ્યું. છોકરીએ પત્ર ખોલ્યો. તેમાં લખ્યું હતું :

‘પ્લીઝ, તું રડીશ નહી. હું વર્લ્ડ ટૂર ઉપર નીકળી છું. હું મારા વિશ્ર્વ પ્રવાસના સાહસ વર્ણનો વિશે તને લેટર લખતી રહીશ. તારી પ્યારી ઢીંગલી.’
આ પત્ર વાંચીને છોકરી થોડી વાર સૂનમૂન બેઠી રહી, પણ તેનું રડવાનું બંધ થઈ ગયું. એ ઊભી થઈ અને એના ઘરે જવા લાગી. આ રીતે એક વાર્તાનો આરંભ થયો, જે વાર્તા કાફ્કાની જિંદગીભર ચાલી.

થોડા થોડા દિવસે કાફ્કા અને તે છોકરી બંને બગીચામાં મળતા. જ્યારે મળે ત્યારે કાફ્કા ‘ઢીંગલીએ મોકલેલો’ એક લેટર લઈને આવે અને છોકરીને વાંચવા આપે. ક્યારેક લેખક ખુદ ઢીંગલીનો લખેલો પત્ર વાંચીને સંભળાવે. ઢીંગલી કયા દેશના ક્યા શહેરમાં છે અને શું કરી રહી છે તેના બધા વર્ણન એ પત્રમાં રહેતા. નવું શું સાહસ કર્યું અને ઢીંગલીને તેની બહેનપણી કેટલી યાદ આવે છે એ બધું પણ લખ્યું હોય. છોકરી આ વાંચીને ખુશ થતી, એને ધરપત થતી અને તે સરસ રીતે જીવી શકતી.

છેલ્લે કાફ્કા એક ઢીંગલી સાથે જ પેલી છોકરીને મળ્યા. એ જ સ્થળ હતું. છોકરીએ આ નવી ઢીંગલી હાથમાં લીધી. તરત તે બોલી ઉઠી : આ મારી ઢીંગલી જેવી નથી લાગતી !’ લેખક માટે આવો રિસ્પોન્સ અપેક્ષિત હતો માટે તરત એમણે છોકરીને એક પત્ર આપ્યો, જેમાં લખ્યું હતું :

‘મેં જે આ વિશ્ર્વપ્રવાસ કર્યો તેના કારણે મારામાં ઘણો બદલાવ આવ્યો છે.’ છોકરીએ ફરીથી ઢીંગલી સામે જોયું. ઢીંગલીને ભેટી. એની આંખોમાં ખુશીના આંસુ હતાં. આ વખતે છોકરી એકલી ઘરે ન ગઈ. એની સાથે ઢીંગલી પણ હતી.

થોડા સમય પછી કાફ્કા અવસાન પામ્યા. હવે એ છોકરી મોટી થઈને સમજદાર સ્ત્રી બની ગઈ હતી, પણ પેલી ઢીંગલી સાચવી રાખી હતી. એને ઢીંગલીની અંદરથી એક ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું : ‘તમે જેને જેને પ્રેમ કરશો કદાચ એ ચાલ્યા જશે, પણ અંતમાં પ્રેમ તમને શોધી લેશે.!’

કાફ્કાના નામે આ પ્રચલિત પ્રસંગ ઘણા સમયથી ફરે છે. આ પ્રસંગની ઐતિહાસિક તથ્યતા અત્યારે મહત્ત્વની નથી. મહત્ત્વનું છે આ જિંદગીમાં જ નહી, પણ પ્રેમમાં પણ બદલાવની સ્વીકાર ભાવનાનું સત્ય. પ્રેમ કરવા માટેનું પાત્ર એક જ હોય એવું લાગતું હોય છે આપણને, પણ એ એક જ રહેતું નથી. પ્રેમ બહુ જ શાશ્ર્વત, પવિત્ર, અલૌકિક, બ્રહ્માંડથી પણ પર હોય એવું તત્ત્વ છે. મનુષ્યની મર્યાદાઓ છે. માણસમાં એટલી તાકાત ક્યાં કે એ પ્રેમને પોતાની અંદર આત્મસાત કરી શકે. માણસ તો દિલ તો બચ્ચા હૈ જી’નું બહાનું ધરીને પ્રેમમાર્ગ ફેરવી નાખે તો એના માટે તૈયારી રાખવી પડે. પ્રેમ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ માટે હોય શકે. ઊર્જાની જેમ પ્રેમનું પણ સ્વરૂપ બદલાઈ શકશે, પણ એ નષ્ટ નહી થઈ શકે. જો પ્રેમ માટે અંતરાત્મા તૈયાર હશે તો કોઈ બીજા સ્વરૂપમાં પણ આ સંસાર પ્રેમ પરત પહોંચાડશે.

દેખાય એ પ્રેમ નથી, સાંગોપાંગ અંદરથી અનુભવાય એ લાગણી છે. લાગણીનું ખોળિયું દુ:ખથી ભરેલું છે. છિન્નભિન્ન થઈ જવાની તૈયારી ન હોય તો કોઈ વસ્તુ માટે ગમો ન રખાય. વૈરાગ એ શ્રેષ્ઠ અવસ્થા છે, કારણ કે તેમાં અટેચમેન્ટ-બંધાઈ જવું નિષેધ છે. ખુલ્લું મન અને ખુલ્લું દિલ – એની પણ કેટલીક ખામીની સાથે ખુબીઓ પણ છે, પણ એને હંમેશાં ખુલ્લા જ રાખવા. કોઈ એક વ્યક્તિ અંદર આવી જાય પછી કમાડ વાસવાની જરૂર નથી, કારણ કે તે વ્યક્તિ તો દીવાલમાં બાકોરું પાડીને બહાર નીકળી જશે અને પછી એ દીવાલનું રફૂ કરાવવા દરબદર ભટકશો તો પણ નહીં થાય.

કુદરત માટે કહેવાય છે કે જે પોષતું તે મારતું, પ્રેમ માટે એ જ કહેવત ઊલટી રીતે સાચી છે. જે મારી શકે એ જ જીવંત કરી શકે. સંસારના બીજા બધા હકીમ/વૈદ્ય નક્કામા માટે પ્રેમના પાત્રની નહી પ્રેમના તત્ત્વની પૂજા કરવી. પ્રેમનું પાત્ર અને પ્રેમનું તત્ત્વ બંને એક થઈ જાય એ જ તો પ્રેમની ખરી પરાકાષ્ઠા છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…