હું મુજરાવાળીઓને મળી, કારણ કે…
મહેશ્ર્વરી
‘મહેશ્ર્વરી, તું તાબડતોબ મુંબઈ આવી જા.’ સ્વમાન જાળવવા શ્રી દેશી નાટક સમાજમાંથી અંધારી એક્ઝિટ લઈ હું તુલસીદાસ પારેખની કંપનીમાં જોડાઈ ગઈ અને ભાવનગરમાં તેરસિંહ ઉદેશીના પ્રખ્યાત નાટક ‘સો ટચનું સોનું’થી મેં અભિનય યાત્રા જારી રાખી. નાટકના પાયામાં એના સંવાદનું વિશેષ મહત્ત્વ છે. સંવાદ નાટકની ભૂમિ રચવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રંગભૂમિના સુવર્ણ ઇતિહાસમાં એવા કેટલાક અનન્ય ઉદાહરણ છે જ્યારે અભિનેતાએ સંવાદ વિના સચોટ અભિનયથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા હોય. જોકે, સંવાદથી નાટ્યકૃતિનો ભાવ વધુ અસરકારક રીતે દર્શકો સુધી પહોંચે છે એ હકીકત છે. ટ્રેજિક અને કોમિક રોલમાં મારા જે જે પર્ફોર્મન્સને પ્રશંસા મળી એમાં અભિનય – સંવાદની જુગલબંધી હતી. જીવનમાં દરેક સ્તરે સંવાદનું મહત્ત્વ છે. અહીં તો દેશી નાટક સમાજ સાથે મારો સંવાદ જ તૂટી ગયો હતો. મને જાણ કર્યા વિના શોના દિવસે મારો રોલ અન્ય અભિનેત્રીને આપી દીધો હતો. હું ગુજરાતની કંપનીમાં જોડાઈ પછી ભાવનગર, ત્યારબાદ અમરેલી અને મહુવામાં મારા નાટકો ચાલી રહ્યા હતા એવામાં ડો. કાશીનાથનો પત્ર આવ્યો. ‘મહેશ્ર્વરી, તું તાબડતોબ મુંબઈ આવી જા’ આમંત્રણમાં મને મારા સ્વમાનનો વિજય દેખાયો. શ્રી દેશી નાટક સમાજ મને પાછા ફરવા કહી રહ્યો હતો. હું કુશળ અભિનેત્રી છું એનું આ સર્ટિફિકેટ હતું. વાત સાંભળવામાં સરળ ભલે લાગે પણ એ અમલમાં મૂકવી આસાન નહોતી. મુંબઈ છોડી હું ગુજરાતની કંપની સાથે જોડાઈ હતી અને હજી માંડ ત્રણેક મહિના થયા હતા. એવામાં અચાનક મુંબઈ પાછા ફરવું આસાન તો નહોતું જ. હું અસમંજસમાં પડી ગઈ. એક તરફ દેશી નાટક સમાજનું ઘરવાપસીનું ઈજન હતું તો બીજી તરફ મુશ્કેલ સમયમાં હાથ ઝાલનાર તુલસીદાસ પારેખની કંપની સાથે નવો જોડેલો નાતો હતો. મારી અંદર દિલ – દિમાગ વચ્ચે દલીલબાજી થઈ રહી હતી. દિલ કહેતું હતું કે ‘મહેશ્ર્વરી, તારે ગુજરાતની કંપની સાથે જ રહેવું જોઈએ. તો દિમાગ કહેતું હતું કે મહેશ્ર્વરી, લાંબું વિચાર. ગુજરાતની કંપનીનું ભાવિ અનિશ્ર્ચિત છે. દેશી નાટક સમાજમાં કામ કરીશ તો કામ, દામ અને નામ મળશે. તારી કળા. તારા નાટકો વધુ રસિકો સુધી પહોંચશે.’ અંતે આ દલીલબાજીમાં દિમાગનો વિજય થયો અને તુલસીદાસ ભાઈને થોડું સાચું – થોડું ખોટું સમજાવી હું એકલી પહોંચી ગઈ મુંબઈ. કંપનીમાં જોડાઈ ગઈ અને પછી માસ્તર આવ્યા. ગુજરાતની કંપની અચાનક છોડી દીધી એનું દુ:ખ અને અફસોસ હતા, પણ મુંબઈ દેશી નાટક સમાજમાં પગ મૂકતા જ પરણેલી સ્ત્રી સાસરે ગમે એટલી ખુશ હોય પણ પિયર આવે ત્યારે કેવો આનંદ થાય એવો આનંદ મને થયો એ હકીકત છે. બહુ જલદી હું દૈનિક ઘટમાળમાં ગોઠવાઈ ગઈ. બુધ – ગુરુમાં જૂના નાટકો થાય અને શનિ – રવિ એક જ નાટકનો શો થાય. પ્રાગજી ડોસાએ ‘મા બાપ’ લખ્યું અને પ્રખર પત્રકાર અને ‘પત્તાની જોડ’ નાટકથી અફાટ લોકપ્રિયતા મેળવનારા જગદીશ શાહના પિતાશ્રી શ્રી ચીમનભાઈ શાહના ‘જુવાનીના ઝેર’ નાટકો કર્યા. ‘જુવાનીના ઝેર’માં મને મુજરાવાળીનો રોલ મને આપવામાં આવ્યો હતો. મારા માટે આ એક પડકાર હતો જે સ્વભાવ મુજબ મેં ઝીલી લીધો. નાટક હોય કે ફિલ્મ, કલાકાર પાત્રમાં ઓતપ્રોત થવા, એની બારીકીઓ સમજવા દરેક કોશિશ કરતો હોય છે. ‘દો બીઘા જમીન’ના રિક્ષાવાળાના રોલ માટે બલરાજ સાહનીએ કલકત્તાની સડકો પર હાથ રિક્ષા ખેંચીને રિહર્સલ કર્યા હતા એ વાત સાંભળી હતી.
પરિણામ બધાએ પડદા પર જોયું. મને એ યાદ આવી ગયું અને અમે કલકત્તા ગયા ત્યારે ત્યાંના ‘બહુ બજાર’માં ગઈ હતી. આજે એ ગણિકાઓના વિસ્તાર તરીકે ઓળખાય છે. એ સમયે ત્યાં મુજરાવાળીઓનો મુકામ રહેતો. શહેરના લોકો સાંજ પડે અને મનોરંજન માટે ‘બહુ બજાર’ જતા. ત્યાં જઈ મુજરા કરતી સ્ત્રીઓને નજીકથી જોઈ અને તેમના વિશે જાણકારી મેળવી જે મને પાત્ર અસરકારક રીતે ભજવવામાં મદદરૂપ થઈ. પ્રાગજીભાઈએ ‘મા બાપ’ નાટક લખ્યું અને એ પણ મેં ભજવ્યું. વૈવિધ્યપૂર્ણ પાત્ર ભજવવાને કારણે અભિનેત્રી તરીકે ખીલવાની મને તક મળી જેને માટે હું દેશી નાટક સમાજની ઋણી છું. કલાકારે કોના માટે કામ કર્યું એના કરતા અનેકગણું મહત્ત્વ કેવું કામ કર્યું એનું છે. એ જોતા સાચું – ખોટું બોલી ગુજરાતની કંપની અચાનક છોડી મુંબઈ પાછા ફરવાના મારા નિર્ણયનો મને અફસોસ નથી થતો. કોઈ અપરાધની ભાવના મને નથી ઘેરી વળી. જીવનમાં અનેક વેળાએ જે તે સમયે સૂઝ્યું એ નિર્ણય લીધો છે અને એના પરિણામ ભોગવવા પણ તૈયાર રહી છું.
શ્રી દેશી નાટક સમાજ: ઘરથી દૂર બીજું ઘર
ગુજરાતી નાટક અને રંગભૂમિને રચનાત્મક વેગ આપનાર શ્રી દેશી નાટક સમાજ કંપનીએ આઠ દાયકાના નાટ્ય ખેડાણ દરમિયાન બેમિસાલ કામ કર્યું છે. કંપનીના નાટકોમાં હાસ્યરસની ખાસ હાજરી રહેતી કારણ કે હેતુ લોકરંજનનો હતો. નાટકમાં કામ કરતા કલાકાર – કસબીઓ વેતન મેળવતા કર્મચારીઓ હતા, પણ તેમની સાચવણી પરિવારના સભ્ય તરીકે થતી. નવા વર્ષના સપરમા દિવસે કંપનીના શેઠાણી બાઈ બધા કલાકારો અને એમના પરિવારના સભ્યોને ભેગા કરે. તખ્તા પર પૂજા થાય. ત્યારબાદ પરિવારના મોભીની જેમ શેઠાણી આશીર્વાદ આપી બધાના હાથમાં રોકડા રૂપિયા આપે. બપોર પડે એટલે કલાકારો બધા ‘વડીલોના વાંકે’નો શો કરે અને બાળકો સાગમટે નજીક જ આવેલા મેટ્રો થિયેટરમાં સિનેમા જોવા જાય. એકંદરે ઉત્સવનું વાતાવરણ સર્જાઈ જાય. આ સિવાય કંપનીના શો કલકત્તામાં હોય ત્યારે પણ બહુ મજા આવતી. પંદરેક દિવસ શો કરીએ અને બાકીના સમયમાં બંગાળીઓની સાંસ્કૃતિક સમૃદ્ધિથી વાકેફ થઈએ. આ પ્રકારના વાતાવરણને કારણે દેશી નાટક સમાજમાં કામ કરતા કલાકારોને કંપની સાથે ઘરોબો થઈ જતો. એમને માટે કંપની ‘ઘરથી દૂર બીજું ઘર’ જ હતું.