સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન – જામ કંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ
રાજકોટ : રાજ્યના ઘણા ભાગોમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આજ સવારથી જ દક્ષિણ ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ નોંધાયો છે, ત્યારે આજે સાંજે રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જામ કંડોરણા તાલુકાના દડવી, ચરેલ અને કાનાવડાળા ગામે વરસાદ પડ્યો હતો.
જામ કંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પાયો હતો. તો ચરેલ ગામે અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ પડી જતાં, સિઝનના પ્રથમ વરસાદમા જ ગામ પાણી પાણી થઈ ગયું હતું. ભારે પવનના કારણે ચરેલ ગામે એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. જામ કંડોરણા તાલુકાના અન્ય ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો. આજે વાતાવરણમાં વ્યાપેલ ખૂબ જ ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત થઈ હતી.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર અને અમરેલીમાં પણ વરસાદ પડ્યો હતો. આજે સવારથી જ વાતાવરણમાં ઉકળાટ વ્યાપયા બાદ બપોર બાદ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જામ જોધપુર તાલુકાના શેઠ વડાળા અને કલ્યાણપૂરમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના ધારી તાલુકાના ખીચા ગામે પણ વરસાદી છાંટા પડ્યા હતા. જો કે આથી વાતાવરણની ગરમીથી લોકોને રાહત મળી હતી.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આજ સવારથી જ દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતના ડાંગ, વાપી અને છોટા ઉદેપૂર જિલ્લામાં અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે. રાજ્યના પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપૂર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ સહિતના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.