ખારઘરમાં શિરુર પોલીસની કસ્ટડીમાંથી આરોપી ફરાર

થાણે: પુણેથી નવી મુંબઈની તળોજા જેલમાં પાછો લાવવામાં આવી રહેલો આરોપી ખારઘર નજીક શિરુર પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી મુજાહિદ ગુલઝાર ખાન (28)ની ખોપોલી પોલીસે ધરપકડ કરી હતી. ખાનને નવી મુંબઈની તળોજા જેલમાં રાખવામાં આવ્યો હતો. પુણેની શિરુર પોલીસે એક કેસની તપાસ દરમિયાન ખાન અને અન્ય બે જણની કસ્ટડી લીધી હતી.
શિરુર કોર્ટે ત્રણેય આરોપીને અદાલતી કસ્ટડી ફટકારતાં પાંચમી જૂને તેમને ફરી તળોજા જેલ લાવવામાં આવી રહ્યા હતા. રસ્તામાં ખારઘર નજીક ખાને તેના પેટમાં સખત દુખાવો થતો હોવાથી લઘુશંકા માટે વાહન રોકવાની જીદ કરી હતી. પોલીસે વાહન રોકી ખાનને લઘુશંકા માટે જવાની છૂટ આપી હતી. આ વાતનો લાભ ઉઠાવી નાળું કુદાવીને ખાન ફરાર થઈ ગયો હતો.
દરમિયાન પોલીસે તેનો પીછો કર્યો હતો. એક કોન્સ્ટેબલ આરોપીને પકડવા માટે નાળામાં કૂદી પડ્યો હતો, જેને કારણે કોન્સ્ટેબલને ઇજા પણ થઈ હતી. આ પ્રકરણે શિરુર પોલીસની ટીમે નોંધાવેલી ફરિયાદને આધારે ખારઘર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)