‘બાપ્પા’ ચાલ્યા ફોરેન: Badlapur To USA, England, Thailand, Canada… 80,000 મૂર્તિઓ થઈ રવાના
મહારાષ્ટ્ર અને મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને આનંદથી ગણેશોત્સવ (Ganeshotsav Festival Celebration In Mahararshtra And Mumbai)ની ઊજવણી કરવામાં આવે છે. હજી તો ગણેશોત્સવને ત્રણ મહિનાની વાર છે પણ વર્કશોપમાં શિલ્પકારોએ મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. ધીરે ધીરે આ તહેવાર માત્ર મહારાષ્ટ્ર અને મુંબઈ પૂરતો સીમિત ના રહેતાં વિદેશોમાં પણ તેની ઊજવણી કરાઈ રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં વસતા ભારતીયો વિદેશની ધરતી પર ગણેશોત્સવ દરમિયાન લાડકા બાપ્પાની આવ-ભગત કરે છે, પણ બાપ્પાની મૂર્તિઓ તો ભારતથી જ મોકલવામાં આવે છે. બદલાપુરના એક મૂર્તિકારે 80,000 જેટલી બાપ્પાની મૂર્તિઓને વિદેશ મોકલાવી છે.
બદલાપુરમાં રહેલાં નિમેશ જનવાડ દર વર્ષે હજારોની સંખ્યામાં બાપ્પાની મૂર્તિ વિદેશ મોકલાવે છે, અને બાપ્પાની આ ફોરેન ટૂર ખૂબ જ લાંબી હોય છે. આ જ કારણે છ મહિના પહેલાંથી જ ગણેશ મૂર્તિઓ તૈયાર કરીને વિદેશ મોકલવામાં આવે છે. માર્ચથી જુલાઈ એમ બે મહિનાના સમયગાળા દરમિયાન બાપ્પાની આ ફોરેન ટૂર ખૂબ જ વધી જાય છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, સિંગાપોર, મલયેશિયા, થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં નિમેશ જનવાડ બાપ્પાની મૂર્તિ એક્સપોર્ટ કરે છે અને બાપ્પાના ભક્તો વિદેશની ધરતી પર બાપ્પાની આવ-ભગત કરી શકે છે. આ વખતે અત્યાર સુધી 80,000 જેટલી બાપ્પાની મૂર્તિઓ ફોરેનમાં એક્સપોર્ટ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને મુંબઈ સહિત આખા દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર એકદમ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવે છે અને ભક્તો આતુરતાપૂર્વક બાપ્પાની રાહ જોતા હોય છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે.
Also Read –