બોલો, Matheranની રાણી આજથી ચાર મહિનાના વેકેશન પર…
મુંબઈ: નેરળ-માથેરાન પ્રવાસ કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પર્યટકોની લાડકી મિની ટ્રેન શનિવારથી બંધ કરી દેવામાં આવી છે. મિની ટ્રેન ૪ મહિના માટે મોન્સૂનની રજા પર જવાની છે. મોન્સૂનમાં સાવચેતીનાં પગલાં રૂપે રેલવે પ્રશાસન દ્વારા આ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેરળથી માથેરાન જતી આ મિની ટ્રેન ડુંગરની ફરતે પસાર થતી હોય છે.
મુસળધાર વરસાદને કારણે અમુક ભાગનો ખડક પડી જવાની ઘટના બનતી હોવાથી આ માર્ગ જોખમી બની જતો હોય છે. આને કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનસેવાના વિકલ્પને બંધ કરી દેવાનો રેલવે પ્રશાસને નિર્ણય લીધો છે. દર વર્ષે ૧૫મી જૂનથી મોન્સૂન કાળમાં મિની ટ્રેનસેવાને બંધ કરવામાં આવતી હોય છે.
જોકે આ વર્ષે હવામાન ખાતાના અંદાજ અનુસાર મોન્સૂનનું આગમન વહેલું થવાનું છે. આ વિસ્તારમાં વરસાદ જોરદાર વરસતો હોય છે અને ક્યારે પણ ખડક ધસવાની ઘટના બનતી રહેતી હોય છે અને અકસ્માત થવાની શક્યતા રહેતી હોય છે. આથી જ મિની ટ્રેનના પ્રવાસીઓની સુરક્ષા અર્થે એક અઠવાડિયા પહેલાંથી જ આ માર્ગ પર દોડતી મિની ટ્રેનસેવાને ૮મી જૂન, શનિવારથી બંધ કરી દેવામાં આવી છે. ૧૫મી ઓક્ટોબરથી માથેરાનની રાણી ફરીથી પર્યટકોની સેવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે, એવું રેલવેના વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : માથેરાનમાં મોજઃ પાંચ લાખ પ્રવાસીએ માણી મજા, રેલવેને થઈ આટલી આવક
અમન લોજથી માથેરાન વચ્ચે શટલ સર્વિસ ચાલશે
મોન્સૂનમાં પ્રવાસીઓની સુરક્ષાની દૃષ્ટિએ મિની ટ્રેનસેવા બંધ કરી દેવાનો નિર્ણય મધ્ય રેલવે પ્રશાસને લીધો છે. જોકે વરસાદના સમયમાં પર્યટકોની સંખ્યા મોટી હોવાથી તેઓની સુવિધા માટે અમન લોજથી માથેરાન વચ્ચે દોડતી શટલ ફેરીના બંધ કરવામાં નહીં આવે, એવું રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું. સોમવારથી શુક્રવાર દરમિયાન ૬ ફેરી મિની ટ્રેનની દોડશે, એવી માહિતી અધિકારીએ આપી હતી. જોકે શનિવાર અને રવિવારે પર્યટકોની સંખ્યા વધુ રહેતી હોવાથી બે ફેરીને વધારવાનો નિર્ણય રેલવેએ લીધો છે. છ કોચની મિની ટ્રેન સેવા ચલાવવામાં આવશે, એવું રેલવેએ સ્પષ્ટ કર્યું હતું. જોકે ૮મી જૂનથી ૧૫ ઓક્ટોબર દરમિયાન નેરળથી અમન લોજ વચ્ચેની ટ્રેનસેવાને બંધ કરી દેવામાં આવી હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું.