કોલકાતાઃ ODI વર્લ્ડ કપ પહેલા ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મોટી રાહત મળી છે. કોલકાતાની નીચલી અદાલતે તેની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસા કેસમાં તેને જામીન આપ્યા છે. શમીના મોટા ભાઈ મોહમ્મદ હસીબને પણ એ જ કોર્ટે મંગળવારે જામીન આપ્યા હતા. મંગળવારે, બંને ભાઈઓ ટ્રાયલ કોર્ટમાં હાજર થયા હતા જ્યાં તેમના વકીલે જામીન અરજી કરી હતી, જે મંજૂર કરવામાં આવી હતી.
માર્ચ 2018માં ભારતીય ફાસ્ટ બોલરની પત્નીએ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. તેણે પોતાની ફરિયાદમાં શમી પર શારીરિક સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં શમી અને તેના મોટા ભાઈની પણ પૂછપરછ કરી હતી અને બંને વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ બહાર પાડ્યું હતું. જો કે, કોલકાતાની નીચલી અદાલતે તે વોરંટ પર સ્ટે આપ્યો હતો. ત્યાર બાદ હસીન જહાંએ નીચલી અદાલતના આદેશને પડકાર ફેંકતા કોલકાતા હાઇ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, હાઇ કોર્ટે પણ નીચલી અદાલતના આદેશને યથાવત રાખ્યો હતો. ત્યાર બાદ હસીન જહાંએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેસને પાછો નીચલી કોર્ટમાં મોકલ્યો હતો અને કેસમાં તમામ પક્ષકારોને સાંભળ્યા પછી અંતિમ નિર્ણય પર આવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ આ કેસની સુનાવણી નીચલી અદાલતમાં શરૂ થઇ હતી અને આખરે મંગળવારે ઘરેલું હિંસા મામલે ક્રિકેટરને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે મોહમ્મદ શમીને 2000 રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અદાલતે ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને તેની પત્ની હસીન જહાંને માસિક 1.30 લાખ રૂપિયાના ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેમાંથી રૂ. 50,000 વ્યક્તિગત ભરણપોષણ અને બાકીના રૂ. 80,000 તેમની પુત્રીના ભરણપોષણના ખર્ચ પેટે ચૂકવવાના હતા.
Taboola Feed