Ahmedabad અને Surat માં હિટ એન્ડ રન, ત્રણના મોત

અમદાવાદ : ગુજરાતના અમદાવાદ(Ahmedabad)અને સુરતમાં (Surat)સર્જાયેલા કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં યુ.એન. મહેતા હોસ્પિટલ કેમ્પસમાં કારની ટક્કરે સારવાર અર્થે આવેલી મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ મહિલા તબીબે કાર ચલાવતા દ્વારકાથી બાળકની સારવાર માટે આવેલા પરિવારની મહિલાને ટક્કર મારી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે આ અંગે પોલીસે મહિલા તબીબ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
રિંગ રોડની સાઈડમાં બેઠેલા 6 લોકોને ઉડાવી દીધા
જ્યારે બીજી તરફ સુરતમાં અમદાવાદના તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો હતો. જેમાં હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં રિંગ રોડની સાઈડમાં બેઠેલા 6 લોકોને ઉડાવી દીધા હતા. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે બે સગર્ભા સહિત બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
કાર ચાલકની ધરપકડ
શહેરના મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક અને ચાર વર્ષીય બાળકનું મોત થયું હતું. પરિવાર રિંગરોડ ફૂટપાથ પર બેઠા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી કાર ફૂટપાથ પર ચઢી હતી અને લોકોને અડફેટે લીધા હતા. જેમાં ઈજાગ્રસ્તોને પી.પી.માણિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉતરાણ પોલીસે આ કાર ચાલકની ધરપકડ કરી છે અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.