‘નીતીશકુમારને કન્વીનર બનાવવાનો ઇનકાર કરનારાઓ તેમને હવે પીએમ પદની ઓફર કરી રહ્યા છે’, JDUએ વિપક્ષ પર સાધ્યુ નિશાન
લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ નીતીશ કુમારની ઉપયોગિતા માત્ર NDA માટે જ નથી વધી પરંતુ I.N.D.I.A. ગઠબંધન પણ બિહારના મુખ્યપ્રધાનને લલચામણી ઓફર આપવા લાગ્યું છે. જો કે, તેમને તેમના અભિયાનમાં સફળતા મળી ન હતી. નીતીશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ ગઠબંધન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
Read This..રાજકારણની ઉથલપાથલ વચ્ચે I.N.D.I.A. ગઠબંધનને છે ‘યોગ્ય સમયની રાહ’
ગઈકાલે સંસદીય દળની બેઠકમાં પણ તેમણે પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા હતા. તે જ સમયે, નીતીશ કુમારના સલાહકાર અને તેમની પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ શુક્રવારે કહ્યું કે જે I.N.D.I.A ગઠબંધને નીતિશ કુમારને રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કર્યો હતો, તેઓ જ હવે નીતીશને પીએમ પદ આપવાની ઓફર કરી રહ્યા છે. ત્યાગીએ કહ્યું કે તેમણે આ પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો છે અને તેઓ NDAની સાથે મજબૂતીથી ઉભા છે. એક મીડિયા ચેનલ સાથે વાત કરતા ત્યાગીએ કહ્યું હતું કે “રાજનીતિની રમત એવી છે કે એ જુઓ કે જેમણે નીતીશ કુમારને I.N.D.I.A એલાયન્સના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઈન્કાર કર્યો હતો તેઓ હવે નીતિશને PM બનાવવાની ઓફર કરી રહ્યા છે.” કેસી ત્યાગીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય પક્ષોના ગેરવર્તણૂકને કારણે નીતીશને આ જાન્યુઆરીમાં NDAમાં પાછા ફરવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું હતું કે, ” હવે પાછળ જોવાનો સવાલ જ નથી. નીતીશ કુમારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત આ વાત કહી છે. અમે હવે NDAના મૂલ્યવાન ભાગીદાર છીએ અને અમે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરીશું.” I.N.D.I.A ગઠબંધનના ઘટકોને એકત્ર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા પર તેમણે કહ્યું હતું કે, “NDAમાં અમારું સન્માન પુનઃસ્થાપિત થયું છે અને નીતીશ કુમાર રાષ્ટ્રીય રાજકારણમાં મોટા ભાગીદાર બન્યા છે. અમને અમારા સહયોગી ભાજપ તરફથી ઘણું સન્માન મળી રહ્યું છે.”
દરમિયાન, પટનાના સીએમ હાઉસના સૂત્રોએ સંકેત આપ્યો હતોકે રાજ્યસભાના સાંસદ સંજય કુમાર ઝા કેન્દ્રીય મંત્રી પદ માટે સૌથી આગળ છે. મંત્રી પદની રેસમાં જેડીયુના અન્ય નેતાઓ પણ છે. રાજ્યસભાના સાંસદ અને EBC નેતા રામપ્રીત મંડલ (EBC) અને વાલ્મિકી નગરના સાંસદે કહ્યું હતું કે JDUને બે કેબિનેટ પોસ્ટ અને એક રાજ્ય મંત્રી પદ મળી શકે છે.