આપણું ગુજરાત

બોલોઃ હવે હૉસ્ટેલના ડાઈનિંગ હૉલમાં કેવા કપડાં પહેરવા તે પણ યુનિવર્સિટી નક્કી કરશે

યુનિવર્સિટીનું કામ ઉચ્ચ કક્ષાનું, રોજગારલક્ષી શિક્ષણ પૂરું પાડવાનું છે. યુવાનો અહીં અભ્યાસ કરી સક્ષમ બનવા માગતા હોય છે, જેથી નોકરી મળે કે સારી કારકિર્દી બનાવી શકે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શિસ્તમાં રહે તે માટે ચોક્કસ નિયમો હોવા જોઈએ અને તેનું કડક પાલન પણ હોવું જોઈએ, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અહીંની હૉસ્ટેલમાં રહેતી યુવતીઓએ કેવા કપડા પહેરી ડાયનિંગ હૉલમાં જમાવા જવું તેની માર્ગદર્શિકા જાહેર કરતા વિવાદ જાગ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓેને પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજુ સુધી બોયઝ હોસ્ટેલ માટે કોઈ પ્રકારના નિયમો જાહેર નથી કરવામાં આવ્યા, ત્યારે ડાઇનિંગ હોલમાં ભોજન બનાવનાર રસોઈયા એટલે કે પુરુષો હોવાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીનીઓેને ટૂંકા વસ્ત્રો ન પહેરવાની સુચના આપવામાં આવી હોવાનું યુનિવર્સિટીના સૂત્રો જણાવે છે.


જોકે વિદ્યાર્થીનીનું માનવું છે કે, મેરિટ લિસ્ટના ચાલતા વિવાદ પર ધ્યાન આપવાને બદલે આવા મુદ્દાઓને આગળ લાવવામાં આવે છે. આ સાથે યુવતીઓએ કહ્યું હતું કે અમને ખબર છે કે અમારે ક્યાં કેવા કપડાં પહેરવા જોઈએ.

સમગ્ર મામલે યુનિવર્સિટીના સૂત્રોએ એક મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ તેમજ મંદિરોમાં પણ કપડાંને લઈને વ્યવસ્થા હોય છે. આપણે ફક્ત ભોજન લેવા જાય ત્યારે અને પ્રાર્થના હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા જણાવ્યું છે. કારણ કે, ભોજન લેવા જાય ત્યાં બહેનોની સાથે ભોજન બનાવનાર રસોઈયા પણ હોય છે.


જ્યારે મંદિરોની જેમ પ્રાર્થના સમયે ટૂંકા વસ્ત્રોની મનાઈ કરવામાં આવી છે. આ નિયમો પહેલા પણ હતા. માત્ર તેને લોકોની જાણ માટે વેબસાઈટ પર મુકાયા છે. તેમજ બોયઝ હોસ્ટેલના નિયમો પણ હાલ તપાસવામાં આવી રહ્યા છે. જેમાં જરૂરી ફેરફાર કરીને ટૂંક સમયમાં પબ્લિક ડોમેઇન પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button