ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ વ્યાજદર યથાવત્ રાખવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનો અન્ડરટોન રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૩ પૈસા વધીને ૮૩.૪૦ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. તેમ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનાં જળવાઈ રહેલા બાહ્યપ્રવાહને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૩ના બંધ સામે સુધારા સાથે ૮૩.૪૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૮ અને ઉપરમાં ૮૩.૩૭ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૩ પૈસા વધીને ૮૩.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે નાણાનીતિની સમીક્ષાની બેઠકનાં અંતે સતત આઠમી વખત વ્યાજદર યથાવત્ રાખવાની સાથે ફુગાવા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. આમ રિઝર્વ બૅન્કના વ્યાજદર જાળવી રાખવાના નિર્ણયની ફોરેક્સ માર્કેટ પર સકારાત્મક અસર પડી હતી. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૩ ટકા ઘટીને ૧૦૪.૦૩ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૫ ટકા ઘટીને બેરલદીઠ ૭૯.૬૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૬૧૮.૮૫ પૉઈન્ટનો અને ૪૬૮.૭૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.