સાવધાન… એ પાછી આવે છે!
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
છેલ્લા ત્રણ ચાર દિવસથી પુરુષ વર્ગ ચિંતામાં આવી ગયો છે. ચૂંટણીનાં પરિણામને અને તેની ચિંતા ને કે શૅરબજાર ઉપરથી નીચે પટકાણું તેમાં પેટનું પાણી પણ હાલ્યું નથી, પરંતુ મૂળ મુદ્દો એવો છે કે વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે અને વાવાઝોડું પરત ફરવાની તૈયારીઓ કરી રહ્યું છે. વળી પાછા વરસાદ અને વાવાઝોડામાં મગજ હલાવ્યું ને અરે, ભલા માણસ તમારે પણ પિયરેથી પાછા આવતા હશે એટલે તમારું મગજ યોગ્ય દિશામાં કામ નથી કરતું.વાવાઝોડું એટલે કે તમારું આજીવન જોડું. મારી તો સગાઈ થઈ પછી એની શેરીમાંથી એનો હાથ પકડીને હું પોરસાતો પોરસાતો નીકળ્યો ત્યારે શેરીવાળા દરેક કહેતા: ‘વાહ.. વાહ.. શું જોડું છે.’ ત્યારે મારી છાતી ગજગજ ફુલતી હતી, પરંતુ હવે સમજાય છે કે તે લોકો કહેતા હતા કે વાવાઝોડું છે.
હાં, તો હવે વાત સમજી ગયા ને કે કોણ આવે છે?
ભલા માણસ મારે પણ મારું બંગાળની ખાડીનું લો પ્રેશર મારું હાઈપ્રેશર થઈ અને પરત આવી રહ્યું છે, તેવો મારા સાળાનો ફોન હતો.જોકે મેં તો કહ્યું કે માંડ બિચારી કામકાજમાંથી પરવારી અને આરામ કરવા તમારે ત્યાં આવી છે.છોકરાઓનું વેકેશન ભલે પૂરું થઈ જાય શરૂઆતમાં કાંઈ માસ્તર ભણાવીને ઊંધા નહીં વળી જાય.અને આમ પણ સ્કૂલમાં ક્યાં કાંઈ ભણાવે છે? ટયૂશન હમણાં ચાલુ થવાના નથી તો થોડાક દિવસ ભલે આનંદ કરે.
સામે છેડે ફોનમાં ખાસ્સો સમય શાંતિ છવાયેલી રહી.પછી સાળાએ મૌનની દીવાલ ભેદીને કહ્યું કે તમે ત્યાં એકલા હેરાન થતા હો અને અમે અહીં આનંદ કરીએ તો તે વ્યાજબી નહીં એટલે હવે એ વાત ન કરતા!
ઘણીવાર આપણા નસીબ સારા ગણવા કે ખરાબ પણ સામેની વ્યક્તિએ ફોન ન કાપ્યો હોય અને આપણો કાન પર રહી ગયો હોય તેવું બન્યું. સાળો એના ભાઈબંધને કે ગમે તેને કે સ્વગત બોલતો હશે તે સંભળાયું: બોલ્યા લો, ભલે આનંદ કરે અમારે આનંદ નહીં કરવો હોય? નીકળે તો આનંદ થાય. છોકરાઓએ ગળે લઈ લીધો છે.’
હું મારા સાળાનું દુ:ખ પણ સમજી શકું છું. મારા ઘરવાળાને અને છોકરાઓને મારાથી વિશેષ બીજું કોણ ઓળખે? જોકે છેલ્લા પ્રયત્ન સ્વરુપે મને એમ થયું કે એને ફોન કરી અને કહી દઉં કે ‘ગાડી લઈને મૂકી જાવ’ તો કદાચ બે-ચાર દિવસ પાછું ખેંચાય.અને મને આગ્રહ કરે કે તમે લઈ જાઓ’ તો હું કામનું બહાનું કાઢી અને એકાદ અઠવાડિયું ખેંચી લઉં.
મેં ફરી ફોન લગાડ્યો. રુક્ષ સ્વરે સાળો બોલ્યો, હમમ.. મેં તરત જ ફુંક મારી કે એક કામ કરજો ગાડી લઈ અને એમને મૂકી જજો.તો તરત જ મને કહે તમે એને પણ ફોન કરી દો કે તૈયાર રહે. હું અત્યારે જ ઘરે જાવ છું અને ગાડીમાં બેસાડી એને લેતો આવું છું. ’
હવે મને ત્યાંના ભૂકંપની તીવ્રતા સમજાણી. સ્કૂટરમાં પણ ૫૦થી વધારે પેટ્રોલ ન નખાવતો સાળો ગાડી ફૂલ કરી અને મૂકવા આવે તો ત્યાં કેવો હાહાકાર મચ્યો હશે ?! સાળાએ વધારે સુખદ આંચકો તો એ આપ્યો કે,”બનેવી સાહેબ, ચિંતા ન કરતા મૂકી જઈશ અને તમારા માટે એક નંગ આખું લેતો આવું છું.. જરૂર પડશે ’
મારી ઘરવાળી એવી દાધારીંગી છે કે ‘પિયરમાં સંપૂર્ણ આરામ કરવાનો છે’ એમ કહીને જ પહોંચે અને કાયદેસર ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે વચ્ચેના સમયમાં મોલ – સિનેમાની મજા… મારા સાળાની ઘરવાળીને પણ એના પિયર ન જાવા દે, નહીંતર કામ કરવું પડે ને? મીઠી મીઠી વાતો કરી અને એને કહે કે હું પાછી જાવ ને પછી તમે જજો. ગબ્બર સિંહની રામગઢમાં એન્ટ્રી થાય એટલે ગામવાળાઓ આઘા પાછા થઈ જાય એવો ખોફ ઊભો કર્યો છે.
મને બીજી કોઈ ચિંતા નથી. આમેયા એ એનું જ ઘર છે, પરંતુ ત્યાં છોકરાઓને મારા વિરુદ્ધ એવી પટ્ટી પઢાવીને આવે કે વાત જાવા દો છોકરાઓ આવતા વેંત જાસુસની ભૂમિકામાં આવી જાય અને ખૂણા ખાચરામાંથી શીંગના ફોતરા,એકાદ બે વેફરના કટકા ગોતવા લાગે. અને જો હાથમાં આવી જાય તો એસીપી પ્રદ્યુમનની જેમ મારી પૂછપરછ થાય.
અરે ભાઈ, માણસ સ્વતંત્રતા પર્વ ના મનાવે? પાડોશમાં પડતી બારી ફરી મારે સજ્જડ બંધ કરવાની,પડદા લગાવવાના, કપડાના ઢગલા વ્યવસ્થિત મૂકવાના, દરેક ભાઈબંધ દોસ્તારોને ખાલી કોથળાઓ લઈને બોલાવવાના અને ખાલી બાટલીઓ સગેવગે કરવા કહેવાનું. કેટલા કામ હોય? અને આનંદ કરતા કરતા કામ કરો કે ટેન્શન સાથે કામ કરો ફરક તો પડે જ ને.?!
-ને ફરી મારા સાળાને ફોન કરીને કહ્યું કે બે – ત્રણ દિવસ હું કામમાં છું તો બને તો થોડાક દિવસ પછી લઈને આવ..’ જવાબ સાંભળ્યાં વગર ફોન કાપી નાખ્યો. જોકે, મને એક વાત સમજાઈ ગઈ કે હાલ ડેમના દરવાજા થોડા ખુલ્યા છે એટલે ઉપરવાસમાં પાણીથી નુકસાન નહીં થાય. આપણે સલામત છીયે.
ફરી ફોનની ઘંટડી રણકી આ વખતે ૪૪૦ નો ઝટકો લાગ્યો. ખુદ ગબ્બર નો ફોન હતો બે-ચાર ઊંડા શ્વાસ લઈ અને ફોન ઉપાડ્યો અને વાત ચાલુ કરી ‘બોલ બોલ ડિયર, આટલા દિવસે મારી યાદ આવી?’
મસ્ત ફુલાવેલા ફુગ્ગામાંથી કોઈ અટકચાળો એકાદ ટાંચણી મારી અને ધડાકા સાથે હવા કાઢી નાખે તેવો અવાજ સામેથી આવ્યો : “બસ બસ, હવે ખોટા વેવલા વેડા રહેવા દો. અને સાંભળો, આજે હું નક્કી કરું છું કે ક્યારે આવું છું ફોન કરું એટલે દૂધ લઈ લેજો, કામવાળીને બોલાવી રાખજો, ઘર સાફ-સફાઈ થઈ જાય તેનું ધ્યાન રાખજો… મારે ખાલી “હો એટલું જ કહેવાનું હતું, છતાં મેં મરણિયા પ્રયાસ કર્યો ને કહ્યું કે છોકરાઓ મજામાં? તેમને ત્યાં મામાને ત્યાં ગમતું હોય તો નારાજ ન કરતી, વઢતી નહીં,બે – ચાર દિવસ ભલે રોકાય અને જલસા કરે. પરંતુ છોકરાઓએ પણ હાથતાળી દીધી તરત જ ઘરવાળી એ કીધું કે, ‘મારે બે ત્રણ દિવસ રોકાવું છે પણ છોકરાઓ માનતા નથી’.
મને એવો તો ગુસ્સો આવ્યો, પણ કરવો કઈ રીતે ? તેમ છતાં મેં છેલ્લા પ્રયત્ન સ્વરૂપે બ્રહ્માસ્ત્ર કાઢ્યું : ‘છોકરાઓને સમજાવાય કે મમ્મીનું ઘર છે તો બે-ચાર દિવસ અહીં રોકાઈએ અને પછી પપ્પા ક્યાં ભાગી જવાના છે?’ પરંતુ મારા બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા અને મને અધરતાલ રાખી ફોન કાપતા પહેલાં છેલ્લું વાક્ય બોલી : જોઈશું પછી ફોન કરું.’
જો કે એક વાત તો નક્કી જ છે કે હવે સાવધાન થઈ જવું પડે ગમે ત્યારે વાવાઝોડું આ બાજુ ફંટાઈ શકે છે.
વિચારવાયુ
હેં…બહેનના ‘સન’ સાચવવા માટે જ આ આ વેકેશન આવતું હશે ?!