Speed Break: Vande Bharat Express Trainની ઝડપ ઘટી ગઈ, જાણો કારણ?
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ મહાનગરોની વચ્ચે વધુ ઝડપી અને આરામદાયક મુસાફરી માટે વંદે ભારત ટ્રેનને લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હવે આ ટ્રેનની સ્પીડ મુદ્દે અલગ અલગ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં એક ચોંકાવનારો અહેવાલ જાણવા મળ્યો છે.
વંદે ભારત ટ્રેનો (Vande Bharat Express Train)ની સરેરાશ ઝડપ ૨૦૨૦-૨૧માં ૮૪.૪૮ કિમી પ્રતિ કલાકથી ઘટીને ૨૦૨૩-૨૪માં ૭૬.૨૫ કિમી પ્રતિ કલાક થઇ ગઇ છે, એમ રેલવે મંત્રાલયે એક આરટીઆઇ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.
માત્ર વંદે ભારત જ નહીં પરંતુ અન્ય ઘણી ટ્રેનો પણ એવા સ્થળોએ સાવચેતીભરી ગતિ જાળવી રહી છે જ્યાં વિશાળ માળખાકીય કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત કેટલીક વંદે ભારત ટ્રેનો મુશ્કેલ ભૂપ્રદેશમાં શરૂ કરવામાં આવી છે, જ્યાં ભૌગોલિક કારણોસર અથવા આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે ઝડપ પર પ્રતિબંધ છે, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
મધ્ય પ્રદેશ સ્થિત આરટીઆઇ અરજદાર ચંદ્ર શેખર ગૌરે જણાવ્યું હતું કે આરટીઆઇ દ્વારા મેળવેલ ડેટા દર્શાવે છે કે વંદે ભારત ટ્રેનોની સરેરાશ ઝડપ ૨૦૨૦-૨૧માં ૮૪.૪૮ હતી. જે ૨૦૨૨-૨૩માં ઘટીને ૮૧.૩૮ કિમી પ્રતિ કલાક થઇ ગઇ હતી.
૨૦૨૩-૨૪માં વધુ કથળીને ૭૬.૨૫ પર આવી ગઇ છે. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ શરૂ કરાયેલ વંદે ભારત સેમી-હાઇ સ્પીડ ટ્રેન છે જે મહત્તમ ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જોકે તે અયોગ્ય ટ્રેક પરિસ્થિતિઓને કારણે દિલ્હી-આગ્રા રુટ સિવાય દેશમાં ક્યાંય પણ ૧૩૦ કિમી પ્રતિ કલાકથી આગળ વધી શકતી નથી.
આ પણ વાંચો : આનંદો! આ રૂટ પર શરૂ થવા જઈ રહી છે વંદે ભારત મેટ્રો જાણો સંપૂર્ણ માહિતી
રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી અને આગ્રા વચ્ચે ટ્રેકના અમુક ભાગો છે જે ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ભારતની પ્રથમ સેમી-હાઇ સ્પીડ ટ્રેન ગતિમાન એક્સપ્રેસ માટે ૨૦૧૬માં વિકસાવવામાં આવ્યા હતા. ફક્ત તે ભાગો પર વંદે ભારત ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. બાકીના સ્થળોએ તેની મહત્તમ ઝડપ કાં તો ૧૩૦ અથવા તેનાથી ઓછી છે.
તેમણે કહ્યું કે રેલવે વંદે ભારતની ઝડપની જરૂરિયાતને પહોંચી વળવા ટ્રેકને અપગ્રેડ કરી રહી છે અને આ કારણોસર વિવિધ સ્થળોએ સાવચેતી રાખવામાં આવી છે. એકવાર આ અપગ્રેડ પૂર્ણ થઇ જશે પછી અમારી પાસે ૨૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તેવી ટ્રેનો હશે.