(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવમાં વધીને ગત પાંચમી સપ્ટેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે અમેરિકી ફેડરલ રિઝર્વની સમાપન થનારી નિર્ણાયક નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોએ સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ સાધારણ ઘટ્યા હતા, જ્યારે ચાંદીમાં પણ સાધારણ નરમાઈ જોવા મળી હતી.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલની ગણેશ ચતુર્થીની જાહેર રજા બાદ મધ્ય સત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 62નો સુધારો આવ્યો હતો.
જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો ત્યારે ડૉલર સામે રૂપિયામાં 14 પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 138નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 138ના ઘટાડા સાથે રૂ. 72,074ના મથાળે રહ્યા હતા, જ્યારે, સોનામાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા હાજરમાં મધ્યસત્ર દરમિયાન ભાવ 10 ગ્રામદીઠ રૂ. 62 વધીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 59,148 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 59,386ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સમાપન થઈ રહેલી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ 1930.19 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ 0.1 ટકા ઘટીને 1950.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને ઔંસદીઠ 23.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જોકે, આજે બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવો આશાવાદ બજાર વર્તુળો સેવી રહ્યા છે, પરંતુ રોકાણકારોની નજર ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ તેના વક્તવ્યમાં ભવિષ્યમાં વ્યાજદર અંગે કેવું વલણ અપનાવશે તેના સંકેતો પર સ્થિર થઈ હોવાથી તેઓએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સોના-ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હોવાનું વિશ્લેષકો જણાવે છે. તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં તેજીનો અન્ડરટોન જોવા મળી રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે ેેેેતેવી ભીતિ પણ સેવાઈ રહી છે.