મેટિની

બરફની પૂતળી

ટૂંકી વાર્તા -પ્રો. પ્રિયકાન્ત પરીખ

કોઈ કલ્પી ન શકે એવી મનોગ્રંથિથી પીડાય છે બોબી બ્રિગેન્ઝા.

બોબી બ્રિગેન્ઝા ત્રીસેક વર્ષની શ્યામવર્ણી છતાં સૌષ્ઠવયુક્ત, સુડોળ અને જાજરમાન સ્ત્રી છે. પાંચ ફૂટ છ ઈંચની પુષ્ટ કાયા પર સફેદ મેક્સી, ઊંચી હિલનાં સફેદ સેન્ડલ, લાઈટ ગ્રીન ગોગલ્સ અને ખભે પાકીટ લટકાવી કમર લચકાવીને ચાલતી બોબી એટલી તો આકર્ષક લાગે છે કે એને પહેલી વાર જોનાર એને માંડ બાવીસ-ત્રેવીસની કહી શકે. બોબીના છાટદાર વ્યક્તિત્વને એક શબ્દમાં બિરદાવવું હોય તો એને ‘બ્લેક બ્યુટી’ની ઉપમા આપવી પડે. શ્યામલતાનુંય આભિજાત્ય હોય છે. બોબી તેની મરોડદાર કાયાને સ્પ્રેથી મહેકાવતી નથી, છતાં તેના વ્યક્તિત્વમાંથી સુગંધનો દરિયો ખળભળતો અનુભવાય છે. બાન્દ્રા ખાતેના આછા ભૂખરાં રંગના દરવાજાવાળા, જૂની બાંધણીવાળા બેઠા ઘટના બંગલામાં બોબી એકલી રહે છે. સર્વિસ કરે છે. તેની લાંબી પાતળી નેઈલપોલિશથી ચકચક થતી આંગળીઓમાં જાણે કમ્પ્યુટર પેસી ન ગયું હોય!

આવી મોહક, મનભર, આકર્ષક ત્રીસેક વર્ષની બોબીને પુખ્ત થયા પછી ત્રીસી સુધીમાં ‘વેલેન્ટાઈન્સ ડે’માં રોઝી રોઝ આતી, ‘વિલ યુ બી માય વેલેન્ટાઈન?’ કહેનાર નહીં મળ્યું હોય કે બોબીએ કોઈને રોઝ આપીને ‘બી માય વેલેન્ટાઈન’ નહીં કહ્યું હોય? અહો બત કિમ આશ્ર્ચર્યમ્! બોબી એકલી કેમ રહે છે? બોબીને લગ્ન કરવાનું મન નહીં થયું હોય? બોબી કોઈને પસંદ કેમ કરતી નથી? બોબીને કોઈ પસંદ ન કરે એ શક્ય નથી. તો? પરિચિતોના મનમાં આવા આવા અનુત્તર પ્રશ્ર્નો ઊઠે છે.

બોબીને એક સ્ત્રી તરીકે ઘર અને એકાદ-બે સંતાનની ઝંખના જાગી હતી. બોબીએ એક નહીં, બબ્બે વાર લગ્ન કર્યાં હતાં. અતીતના દૂરિત અનુભવનું સ્મરણ થતાં હબકથી ફફડી ઊઠતી બોબી, લગ્નની પહેલી જ રાતે ‘ઓહ નો’ની ચીસ પાડી તેના હસબન્ડથી દૂર હટી જાય છે. તેના ચિત્તમાં ‘સેક્સ’ અંગે હબક પેસી ગઈ હતી.

હિન્દુ ડેડી અને પ્રિસ્તી મમ્મીની ‘અનવોન્ટેડ’ ઓલાદ હતી બોબી. સમજશક્તિની પાંખો ફૂટી ત્યારથી ‘લવમેરેજ’ કર્યાં હોવા છતાં તેણે ડેડી-મમ્મીને સતત ઝઘડતાં જોયાં હતાં. બોબીના ડેડી રાજન એક્સપર્ટ મિકેનિક રતા. મુંબઈ-દિલ્હી હાઈવે-બાયપાસને અડીને ગેરેજ હતું. ગેરેજ વિવિધ મોડેલોની કારથી ભરચક રહેતું હતું. બોબીના ડેડી ધોળે દિવસે ગેરેજમાં પડી રહેતા. ધાબા પર જમી લેતા. કેટલીય વાર રાતે પણ ઘરે આવતા નહોતા અને આવે ત્યારે ચિક્કાર પીને, લથડિયાં ખાતા આવે, અને બોબીની મમ્મી લવલીન સાથે ઝઘડે. મમ્મી બરાડે ‘સ્લમ વિસ્તારની ગંદી, સસ્તી વેશ્યાઓ સાથે ઢીંચીને ગેરેજમાં પડી રહે છે. કોઈ ન મળે ત્યારે બૈરીનાં ચામડાં ચૂંથવા ઘરે દોડી આવે છે.’
‘શટ અપ. તું સ્ત્રી છે? બુઢ્ઢી છે બુઢ્ઢી.’ ડેડી મમ્મીના બોબ્ડ હેર ખેંચી બે લાફા લગાવી દેતા.

‘યુ સન ઓફ બીચ…’ મમ્મી ડેડીના હાથ પર બચકું ભરી બરાડતી ‘યુ બ્રુટ. હું સ્ત્રી નથી, પેલી ગંધાતી વેશ્યાઓ સ્ત્રી છે?’

મમ્મી ડૂસકાં ભરતી – ડેડી મમ્મીને બેડ બોબીમમાં ખેંચી જતા.

બોબીએ ઊંઘમાંથી જાગી જઈ, મમ્મી-ડેડી વચ્ચે ખેલાતો સંગ્રામ કેટલીય વાર ચૂંચરી આંખે જોયો હતો. બોબી ભીતિથી ફફડી ઊઠતી, ‘મેરેજ થાય એટલે હસબન્ડ દારૂ પીને આવે, અને વાઈફને મારે? લોકો શા માટે મેરેજ કરતા હશે.’ નાનકડી બોબીના મનમાં અનેક પ્રશ્ર્નો ફૂટતા.

એક દિવસ બોબીની ‘જિસસ એન્ડ મેરી’ સ્કૂલના ફાધરનું મૃત્યુ થતાં, સ્કૂલ વહેલી છૂટી ગઈ. રેડ એન્ડ વ્હાઈટ યુનિફોર્મ અને રેડ બૂટ પહેરેલી બોબી ખભે દફતર ભેરવી ઘેર આવી. બારણાં બંધ હતાં. બોબી બેલ મારી ઊભી રહી. બોબીએ જોયું તો થોડી વાર પછી મમ્મીએ ગાઉનનો પટ્ટો બાંધતાં દરવાજો ખોલ્યો. મમ્મીએ ચીડથી કહ્યું, ‘આટલી જલદી સ્કૂલ છૂટી ગઈ?’

‘મમ્મી, ફાધરનું ડેથ થયું છે એટલે…’ બોલીને બોબી અંદર દોડી ગઈ, પણ બેડરૂમના ખુલ્લા બારણામાંથી નજર પડતાં તે ડઘાઈ ગઈ. એક અજાણ્યો કાળો, મધ્ય ઉંમરનો હટ્ટોકટ્ટો પુરુષ બેઠો બેઠો સિગારેટ ફૂંકી રહ્યો હતો.

‘અંકલ છે,’ મમ્મીએ કહ્યું.

‘બોબી, કમ હિયર,’ પેલા પુરુષે વહાલથી કહ્યું.

બોબી ડરતાં ડરતાં પેલા પુરુષ પાસે ગઈ. પેલા પુરુષે બોબી સામે હાથ લંબાવ્યો. બોબીએ શેકહેન્ડ કર્યા, પેલા પુરુષે બોબીની પીઠ થાબડી ‘બોબી યુ આર વેરી સ્વીટ ગર્લ. લે, કેડબરી ખાજે…’ પેલા પુરુષે દસની નોટ ધરી.

બોબીએ મમ્મી સામે જોયું, મમ્મીએ નોટ લઈ લેવા આંખથી ઈશારો કર્યો. બોબીએ નોટ લઈ લીધી. પણ ‘આ અણજાણ પુરુષ કોણ છે?’નું આશ્ર્ચર્ય ન શમ્યું.

અંકલના ગયા પછી મમ્મીએ કહ્યું, ‘બોબી, અંકલ વિશે ડેડીને કાંઈ કહ્યું છે તો ચામડી ચીરી નાખીશ,’ અને બોબી સામે કરડી નજરે જોયું, ‘સમજી?’

હેબતાઈ ગયેલી બોબીને ન સમજાયું, ‘મમ્મી ડેડીને કહેવાની શા માટે ના પાડે છે?’ છતાં મમ્મીના રૌદ્ર સ્વરૂપથી ડરી ગયેલી બોબીએ કહ્યું, ‘નહીં કહું.’

પછી બોબીએ જોયું તો મમ્મી અને ડેડી અડધી રાતે ઝઘડ્યા કરે છે. અંકલ બપોરે ઘેર આવે છે. મમ્મી ડેડીનો પ્રોગ્રામ જોઈ, સવારે અંકલને ડેડીના ગયા પછી ફોન કરે છે. અંકલ આવે છે. ‘હાય સ્વીટ’ કહીને બાળકીમાંથી તરુણી બનેલી બોબીના ગાલ પર ટપલી મારી, શરીર થપથપાવી દસની નોટ આપે છે, ‘આઈસક્રીમ આજે…ચોકલેટ ખાજે…કેન્ડી ખાજે…’

થોડા થોડા દિવસે દસની નોટ આપનાર અંકલ બોબીને ગમવા માંડ્યા. હવે બોબીને અંકલનો ડર નહોતો લાગતો. તે ઈચ્છવા લાગી કે અંકલ આવે, દસની નોટ આપે.


સમય પસાર થતો ચાલ્યો-
બોબી પંદર વર્ષની ઉંમરે દસમા ધોરણમાં આવી હતી. હવે તે સમજી શકતી હતી કે ડેડી બીજી સ્ત્રીઓ સાથે કેમ રખડે છે, ડેડીથી દુભાયેલી મમ્મી અંકલ સાથે ડેડીથી છુપાવી છુપાવીને કેમ સંબંધો રાખે છે, ખુશ રહે છે.

એક સવારે ડેડી-મમ્મી ઝઘડ્યાં. ‘આજે સંબંધોનો ફેંસલો કરી નાખીએ. રોજ રોજના ઝઘડાથી યુવાન બનતી બોબીના મન પર કેવી અસર થાય છે એ હું જાણું છું. તું તો આખો દિવસ બહાર રહે છે. બોબીને હું ઉદાસ ઉદાસ જોઉં છું. એને હસતાં મેં જોઈ નથી,’ મમ્મીએ કહ્યું.

‘આપણે બહાર જઈએ. કેટલાય વખતથી આપણે સાથે બહાર ગયા નથી. કાં કાયમ માટે સાથે રહીશું, કાં જુદા પડી જઈશું. ‘અનવોન્ટેડ’ તો ‘અનવોન્ટેડ’ બોબી આપણી પુત્રી છે. એ કોની સાથે રહેશે એનો પણ ફેંસલો કરી નાખીશું.’ ડેડીએ આજે બોટલ મોઢે માંડી નહોતી એટલે સ્વસ્થ હતા એ બોબીજોઈ શકી.
‘ચાલ.’
ડેડીની કારમાં ડેડી અને મમ્મી નીકળી પડ્યાં.

બોબી ગોડને ‘પ્રે’ કરવા લાગી. ‘ડેડી-મમ્મી બંનેની સાથે રહેવું છે. એમને છૂટાં ન પાડીશ હે પ્રભુ!’

ડેડીએ પીધો ન હોવા છતાં ચાલુ કારમાં ઝઘડો થતાં, ડેડીએ પહેલી વાર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો. કાર ધસમસતી ટ્રક સાથે ભટકાઈ. કારનો ભુક્કો બોલી ગયો. બંને ત્યાં જ મૃત્યુ પામ્યાં.
બોબી પંદર વર્ષની ઉંમરે એકલી થઈ ગઈ-

એકલી બની ગયેલી બોબીને, મમ્મીને મળવા આવતા, દસની નોટ આપતા અંકલ આશ્રંવાસન આપવા વારંવાર આવતા. પચાસની નોટ આપતા. ડેડીનું ગેરેજ વેચી, બોબીના નામ પર રકમ મૂકી દેવામાં મદદ કરનાર અંકલ પછી તો રાતે પણ બોબી માટે આઈસક્રીમ કે ચોકલેટ લઈને આવવા લાગ્યા.

‘ડોન્ટ વરીફ પૈસાની ચિંતા ન કરીશ,’ કહીને બોબીની પીઠ થાબડી, શરીર પર હાથ ફેરવનાર અંકલથી બોબી ભીતિ અનુભવવા લાગી. બોબી હવે બધું સમજી શકતી હતી. અંકલ વારંવાર સ્પર્શે એ તેને ગમતું નહોતું. એ ઈચ્છવા લાગી કે અંકલ હવે ન આવે તો સારું.

એક રાતે અંકલ આવ્યા. ઈમ્પોર્ટન્ટ વાત કરવાનું બહાનું બતાવી બોબીને બેડરૂમમાં લઈ ગયા. બોબી પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જાતને બક્ષવા બોબીએ પ્રયત્નો કર્યા, પણ બોબીનાં આંસુ, વેદના, છટપટાહટ અને ‘અંકલ પ્લીઝ’ હું તમારી બેટી જેવી છું. પ્લીઝ લીવ મી’ એવી વિનંતી પણ વ્યર્થ ગઈ.

પંદર વષૃની ઉંમરે બોબીને ભ્રષ્ટ કરી ‘અંકલ’ નામનો પુરુષ ચાલ્યો ગયો. બોબી હબકી ગઈ. તેની માનસિક હાલત વિચિત્ર બની ગઈ. ચાર-પાંચ દિવસ સ્કૂલે ન ગઈ. આંસુઓ સારતી ગુમસૂમ બેસી રહેતી, ‘આ શું બની ગયું? અંકલે મને પણ ન છોડી?’

બોબીને હવે સ્પષ્ટ સમજાયું કે ડેડી દારૂ ઢીંચીને સ્લમ વિસ્તારની સ્ત્રીઓ સાથે શું ધંધા કરતા હતા. ‘તું બુઢ્ઢી છે, બુઢ્ઢી છે’ શબ્દો ખોટા પાડવાની ચડસમાં મમ્મી અંકલ નામના પુરુષ સાથે સંબંધો બાંધી બેઠી હતી. એ જ અંકલે મારા પર બળાત્કાર કર્યો. પુખ્ત થતાં પહેલાં હું ભ્રષ્ટ થઈ?

બોબીનું મન ઘૃણાથી ભરાઈ ગયું. અંકલ પ્રત્યે તેના અંતરમાં ખુન્નસ પ્રગટ્યું, ‘હવે અંકલ આવે તો આ ચાકુ જ હુલાવી દઉં.’ પણ અંકલ ત્યાર પછી દેખાયા જ નહીં.

બોબીએ સ્વસ્થતા કેળવી, ‘આમ પોભટ રીતે જિંદગી નહીં જીવી શકાય. મુંબઈમાં આવા તો અનેક અંકલો ભટકાઈ પડશે. મજબૂરીનો લાભ ઉઠાવવા, પ્રલોભનના દાણા વેરી, જાતભાતની તરકીબો લડાવશે. મારે મજબૂત બનવું પડશે.’ ગેરેજ વેચીને સારી રકમ મળી હોવાથી બોબીને આર્થિક મજબૂરી નહોતી. બોબીએ અભ્યાસમાં ચિત્ત પરોવ્યું. હાયર સેક્ધડરીમાં એંસી ટકા માર્ક સાથે પાસ થઈ. બોબીને લાગ્યું, ‘સર્વિસ કરી પ્રવૃત્તિમાં મન પરોવવું જોઈએ. હજુ તો સત્તર વર્ષ થયાં છે. જિન્દગીની લાંધી મજલ કાપવાની છે.’ બોબીએ આર્ટ્સ-કોમર્સ-સાયન્સ કોલેજમાં જોડાવા કરતાં ‘કોમ્પ્યુટર સાયન્સ’માં પ્રવેશ મેળવી, ડિગ્રી હાંસલ કરી લીધી. બોબી વીસ વષૃની ભર યુવાન બની. પંદર વર્ષની કાચી ઉંમરે બળાત્કારે શરીર ભ્રષ્ટ થયાના અનુભવે તેને સભાન બનાવી દીધી હતી. એકલતાજન્ય એકવિધતાએ તેનામાં નિર્વેદ જન્માવ્યો. બોબીની ભીતરમાં યુવાન બનેલી સ્ત્રી લગ્ન ઝંખવા લાગી, અંકલની પાશવીતાનું સ્મરણ થતાં તેનો ઉત્સાહ મંદ પડી જતો, પણ તેણે પોતાની જાતને સજ્જ કરવા માંડી.

આખરે બોબીને તેની સાથે સ્કૂલમાં ભણતો વિલિયમ પસંદ પડ્યો. વિલિયમે પણ તેને પસંદ કરી. બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. બોબીએ શ્ર્વેત વસ્ત્રોમાં ફૂલપરીની જેમ શરીરને શણગાર્યું. કેથેડ્રેલમાં જઈ, પ્રિસ્ટના આશીર્વાદથી, વિલિયમના નામની વીંટી પહેરી લીધી.

લગ્નની પહેલી રાતે વિલિયમે હસબંડના અધિકારથી બોબીને આલિંગનમાં જકડી લીધી. બોબીની દૃષ્ટિ સમક્ષ અંકલે ગુજારેલ બળાત્કારનું દૃશ્ય તરવરી ઊઠ્યું. પાંચ વર્ષ પહેલાં અનુભવેલ વેદના જાગ્રત થઈ હોય એમ બોબી ધ્રૂજી ઊઠી. તેના શરીરમાં શીતળતાનું મોજું ફરી વળ્યું. હિમની જેમ તેનો ઉત્સાહ થીજી ગયો. તેણે ચીસ પાડી, ‘ડોન્ટ ટચ મી… ડોન્ટ ટચ મી.’ અને તેણે વિલિયમને જોરદાર ધક્કો માર્યો. વિલિયમ હબકી ગયો- પછી ગુસ્સે થયો- બોબીને લાગ્યું, વિલિયમનો ગુસ્સો યોગ્ય છે. વીસ વર્ષની યુવાન સ્ત્રી હોવા છતાં હું મારામાં સ્ત્રીનો થનગનાટ પ્રગટાવી શકતી નથી. મારા શરીરમાં શીત વ્યાપી જાય છે. યુવાન શરીરહોવા છતાં શરીર વિનાની બોબીને વિલિયમ દસેક રાતોના એ જ અવહેલનાયુક્ત વર્તન પછી સ્વીકારી ન શક્યો. તેણે બોબીને ડિવોર્સ આપી દીધા. બોબીએ ચૂપચાપ સ્વીકારી લીધા.

વિલિયમને ઘેરથી પાછી આવેલી બોબી એના બાન્દ્રા ખાતે ભૂખરા રંગના દરવાજાવાળા, બેઠા ઘાટના જૂની બાંધણીવાળા બંગલામાં રહેવા માંડી-એકલી એકલી.

આઘાતની કળ વળતાં બોબીએ સર્વિસ માટે પ્રયત્નો કરવા માંડ્યા. એક લિમિટેડ કંપનીમાં તેને કમ્પ્યુટરની ડિગ્રી હોવાથી આકર્ષક પગારની સર્વિસ મળી ગઈ.

સર્વિસ માટે નામની-સરનેમની જરૂર પડતાં બોબીએ બોબી લવલીન બ્રિગેન્ઝાના નામે સર્વિસ શરૂ કરી.

સર્વિસને લીધે જીવનની એકવિધતા તૂટતાં બોબીમાં થીજી ગયેલ જીવનરસ જાગ્રત થયો. બોબી પચીસ વર્ષની થઈ-
સ્ત્રીસહજ લગ્ન ઝંખના પુન: સળવળી ઊઠી- સર્વિસમાં લંચ અવર પડતાં બોબી હોટેલમાં લંચ માટે જતી. આ હોટેલમાં એક યુવાનને પણ બોબી વારંવાર જોતી. એક ધ્વિસ યુવાનની સામેની ખુરશી પર બેઠેલી બોબીને યુવાન સાથે પરિચય થયો. એ યુવાન આકાશ અરોરા નજીકની ઓફિસમાં સર્વિસ કરતો હતો. બંને વચ્ચે ફ્રેન્ડશિપ બંધાઈ. ફ્રેન્ડશિપ પ્રેમમાં પરિણમી છે એની ખાતરી થતાં લંચ અવરમાં હોટેલમાં મળેલા આકાશે બોબીને ગુલાબનું દાંડીવાળું ફૂલ અને સ્પ્રેની બોટલ આપતાં કહ્યું, ‘બોબી, વિલ યુ બી માય વેલેન્ટાઈન.’
બોબીએ સામે વેલેન્ટાઈન કાર્ડ આપતાં કહ્યું, ‘આઈ વિલ મોસ્ટ વિલિંગ્લી બી યોર વેલેન્ટાઈન, બટ…

બટ વોટ બોબી, બટ વોટ?’
‘હું ડિવોર્સી છું. હિન્દુ પિતા અને ખ્રિસ્તી માતાની એકની એક પુત્રી છું.’

‘હું પણ એક છોકરીથી છેતરાયેલો છું. મારે મન જે પ્રેમ હતો એને મન એ જરૂરિયાત હતી. બે વર્ષ મારી સાથે પરણ્યા જેવો જ પ્રેમ કર્યો અને એક શ્રીમંતને પરણીને એવી રીતે ચાલી ગઈ જાણે મને ઓળખતી જ ન હોયફ આપણે બંને જુદા સ્વરૂપે છતાં સમદુખિયાં છીએ. આપણે હિન્દુ-ખ્રિસ્તીના ભેદભાવ ભૂલી કેવળ સ્ત્રી-પુરુષ બની રહીશું.’ ‘તો પછી શું કરવું છે?’

‘આપણે પરણી જઈએ.’
બોબી આકાર સાથે પરણી તો ગઈ પણ હનીમૂનની રાતે અંકલના અનુભવનું સ્મરણ થતાં બોબી ધ્રૂજી ઊઠી. પછી હિમાઈ જવાય એવી ઠંડીગર બની ગઈ. તેના શરીરને ઉત્સાહભેર વીંટોળાયેલા આકાશને દૂર હડસેલી દીધો અને ચીસ પાડી ઊઠી, ‘પ્લીઝ! લીવ મી અલોન…’ આકાર આશ્ર્ચર્યથી બોબીને તાકી રહ્યો. પ્રેમથી સમજાવતો રહ્યો. બોબીની ઈચ્છા હોવા છતાં તે પોતાનામાંથી યૌવનની થનગનતી સ્ત્રી પ્રગટાવી ન શકી. એક મહિનાની ધીરજ રાખવા છતાં બોબી આકાશને તૃપ્ત ન કરી શકી.

આકાશની ધીરજ ખૂટી જતાં તેણે ડિવોર્સની ઈચ્છા વ્યક્ત કરી. પોનાની એબથી સુપેરે પરિચિત બોબીએ ડિવોર્સ આપી દીધા, ‘મારે લીધે બબ્બે પુરુષોનાં જીવન બરબાદ થઈ ગયાં. એમાં એમનો કોઈ વાંક નથી. વાંક છે મારો. હું સ્ત્રી હોવા છતાં મારામાં સ્ત્રી પ્રગટાવી ન શકી. જો, મા-દીકરી બંને સાથે, તેમાંય મારા પર પંદર વર્ષની કાચી ઉંમરે બળાત્કાર કરનાર અંકલ નામનો પુરુષ અમારા જીવનમાં ન આવ્યો હોત તો હું બોબી બ્રિગોન્ઝા મારામાં રહેલી સ્ત્રી પ્રગટાવી શકી ન હોત? મારા મનમાં ઘર કરી ગયેલ હબકની ગ્ંરથિ નિર્મૂળ નહીં થાય ત્યાં સુધી હું સ્ત્રી હોવા છતાં સ્ત્રી નહીં બની શકું-ના, ના, હવે લગ્ન કરી ત્રીજા પુરુષને પરણી એને અન્યાય કરી મારી જાતને અપમાનજનક સ્થિતિમાં નથી મૂકવી.’

બોબી આજે ત્રીસ વર્ષની બાહ્ય દેહે શ્યામલવર્ણી છતાં આકર્ષક સ્ત્રી હોવા છતાં બાવીસ-ચોવીસની લાગતી, એકલતાને ગળે લગાડી, એકલી એકલી જીવતી યુવતી. ‘વેલેન્ટાઈન્સ ડે’ આવે છે, ગુલાબોની મોસમ બેસે છે ત્યારે બોબીની આંખો ભીંજાય છે, ‘હું સ્ત્રી હોવા છતાં સ્ત્રી નથી?’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button