મહિલાને ચિકન રાઇસ ડીશમાં જીવતો કીડો મળ્યો હવે રેસ્ટોરન્ટ આપશે આટલા રૂ.નું વળતર
ચંદીગઢની એક ફેમસ રેસ્ટોરન્ટમાં મોટી બેદરકારી જોવા મળી હતી. ચંદીગઢની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેઇનને તેમની એક શાખામાં ભોજન પીરસવામાં ઘોર બેદરકારી બદલ ગ્રાહક રણજોત કૌરને રૂ. 25,852નું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રણજોત કૌરને 14 સપ્ટેમ્બરના રોજ શહેરના પ્રખ્યાત મોલમાં આવેલી ચિલી રેસ્ટોરન્ટમાં ચિકન રાઇસ ડીશમાં જીવતો કીડો મળ્યો હતો.
પોતાના અનુભવનું વર્ણન કરતાં રણજોત કૌરે જણાવ્યું હતું કે તે એક મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં ગઈ હતી અને ચિપોટલ ચિકન રાઇસ અને ચિપોટલ પનીર રાઇસનો ઓર્ડર આપ્યો હતો. તેણે ખોરાક પૂરો કર્યો કે તરત જ બાઉલમાં જીવંત જંતુના લાર્વા જોઈને તે ચોંકી ગઈ હતી. તેણે રેસ્ટોરન્ટ મેનેજરને આ ઘટના વિશે જાણ કરી હતી. જોકે, રેસ્ટોરન્ટ મેનેજરે માફી માંગવાને બદલે, એવો દાવો કર્યો હતો કે કૌર બિલ ન ચૂકવવા માટે બહાનું બનાવી રહી છે.
આ ઘટના બાદ કૌરે રેસ્ટોરન્ટને કાનૂની નોટિસ મોકલી હતી પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. મહિલાએ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના જવાબમાં, ચિલીઝ રેસ્ટોરેન્ટે દાવો કર્યો હતો કે કૌરના આરોપ મુજબ ખોરાકમાં કોઈ જંતુ નહોતું. તેના બદલે, તેણે દાવો કર્યો કે કૌરે એવો દાવો કરીને બિલ પર ડિસ્કાઉન્ટ માંગ્યું હતું કે તે રેસ્ટોરન્ટના માલિકને ઓળખે છે. સ્ટાફે તેમને જાણ કરી કે માલિક હાજર ન હોવાથી તેઓ માત્ર ડ્રિંક્સ મેનૂ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે. રેસ્ટોરન્ટના જણાવ્યા અનુસાર, જ્યારે કૌરને ડિસ્કાઉન્ટ ન મળ્યું, ત્યારે તેણે તેના ખોરાકમાં જીવંત કીડા હોવાની વાત ઉપજાવી કાઢી હતી.
જોકે, કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમે રેસ્ટોરેન્ટની દલીલો ફગાવી દીધી હતી અને કેસની સમીક્ષા કર્યા બાદ ચિલી રેસ્ટોરન્ટને રણજીત કૌરને 25,582 રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.