T20 World Cup: ન્યૂ યૉર્કમાં પાકિસ્તાની ટીમની રોજની 85 મિનિટ બચી ગઈ, જાણો કેવી રીતે…
ન્યૂ યૉર્ક: બાબર આઝમના સુકાનમાં પાકિસ્તાનની ટીમ હમણાં તો અમેરિકાના ડલાસ શહેરમાં છે, કારણકે ત્યાં ગુરુવારે એની અમેરિકા સામેની જ મૅચ હતી. જોકે ભારત સામેની રવિવારની હાઈ-પ્રોફાઇલ મૅચ (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) માટે તેઓ ન્યૂ યૉર્ક આવે એ પહેલાં જ તેમના માટે તેમના ક્રિકેટ બોર્ડે ન્યૂ યૉર્કમાં મોટી સુવિધા કરી આપી છે.
ખરેખર તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા આઇસીસીને ફરિયાદ કરવામાં આવી હતી એનો જે ત્વરિત ઉકેલ લાવવામાં આવ્યો એ બાબરની ટીમ માટે મોટી સવલત બની ગયો.
વાત એવી છે કે ન્યૂ યૉર્કમાં જ્યાં ભારત સામે નવમી જૂનની મૅચ રમાવાની છે એ નૅસોઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમથી પાકિસ્તાનની ટીમની ફાઇવસ્ટાર હોટેલ પહેલાં બહુ દૂર હતી. હોટેલથી ટીમ બસમાં રવાના થાય તો સ્ટેડિયમ સુધી પહોંચતા 90 મિનિટનો સમય લાગતો હતો.
આ પણ વાંચો: Pakistan cricket team: 25 ડોલર આપો અને ક્રિકેટરને મળો! પાકિસ્તાની ટીમના પ્રાઈવેટ ડીનર અંગે વિવાદ
આટલા લાંબા અંતર સામે પીસીબીને વાંધો હતો એટલે એણે આઇસીસીને ફરિયાદ કરી હતી. આઇસીસીએ હવે પાકિસ્તાનની ટીમ માટે એક એવી ફાઇવસ્ટાર હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી જે ન્યૂ યૉર્કમાં જ વેસ્ટબ્યૂરી ખાતેના સ્ટેડિયમથી માત્ર પાંચ મિનિટ દૂર છે.
ભારતની પહેલી ત્રણેય મૅચ ન્યૂ યૉર્કમાં આપવામાં આવી છે અને ટીમ ઇન્ડિયાની હોટેલથી મુખ્ય સ્ટેડિયમ (બાય રોડ) માત્ર 10 મિનિટ દૂર છે. બુધવારે ભારતે ન્યૂ યૉર્કના આ જ મેદાન પર આયરલૅન્ડને હરાવ્યું હતું.
શ્રીલંકાના ક્રિકેટ બોર્ડની પણ આવી જ ફરિયાદ છે. ન્યૂ યૉર્કમાં શ્રીલંકન ટીમને જે હોેટેલમાં રહેવાનું કહેવામાં આવ્યું છે ત્યાંથી સ્ટેડિયમ સુધી પહોંચતા તેમને એક કલાકથી પણ વધુ સમય લાગે છે.