એકસ્ટ્રા અફેર

મોદી હશે તો જ હિંદુત્વ ટકશે એ ભ્રમ કાઢી નાંખો

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને મળેલી કારમી પછડાટના કારણે એક તરફ મોદીભક્તો આઘાતમાં છે ને બીજી તરફ મીડિયા પણ આઘાતમાં છે. આંખો મીંચીને ભાજપના ને ખાસ તો નરેન્દ્ર મોદીનાં ગુણગાન ગાયા પછી એ લોકોને એવું જ લાગતું હતું કે, ભાજપને તો સ્પષ્ટ બહુમતી મેળવતાં કોઈ નહીં રોકી શકે.

મોદી સાહેબે કહી દીધેલું કે, અબ કી બાર ૪૦૦ કે પાર એટલે પતી ગયું. સાહેબ કહે તેને બ્રહ્મવાક્ય માનતા મીડિયાએ આખા દેશમાં મોદીની લહેર હોય એવા માહોલ જમાવવાનું શરૂ કરી દીધું. મીડિયાએ ચટાવેલું ચૂરણ ચાટ્યા કરતા મોદીભક્તોને લાગવા માંડેલું કે, દેશમાં ખરેખર મોદીની લહેર છે અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં કોઈ નહીં રોકી શકે.

મોદીભક્તોએ માની જ લીધેલું કે, આ વખતે તો ભાજપ ૪૦૦ બેઠકોનો આંકડો પાર કરીને જ જંપશે. તેમનાં કમનસીબે આખો દેશ તેમના જેવું વિચારતો નથી એટલે ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી. મુસ્લિમ લીગથી મંગળસૂત્ર સુધીની વાતો કરીને મુસ્લિમોનો ડર બતાવ્યા પછી પણ ભાજપ ૨૪૦ બેઠકોથી આગળ ના વધી શક્યો.

આ પરિણામોના કારણે મીડિયા અને મોદીભક્તો બંને હતપ્રભ થઈ ગયેલાં પણ મીડિયાએ તો પોતાની દુકાન ચલાવવી જ પડે એટલે એ લોકો તો તમાચો ખાઈને લાલ થયેલા મોં સાથે હાજર થઈ ગયા પણ ભક્તોને બે દિવસ પછી હવે ધીરે ધીરે કળ વળી છે.

સોશિયલ મીડિયા પર ધીરે ધીરે આક્રોશ ને બળાપો કહો તો બળાપો પણ એ નીકળવા માંડ્યો છે. અલબત્ત આ ભક્તોની બુદ્ધિ હિંદુ-મુસ્લિમથી આગળ વધતી નથી એટલે તેમણે એ જ બકવાસ વાતો કરવા માંડી છે કે જે ભાજપના નેતા ચૂંટણી પ્રચાર દરમિયાન કરતા હતા.

મોદીને સ્પષ્ટ બહુમતી નથી મળી એટલે હવે હિંદુઓનું આવી બનશે ને મુસ્લિમો હિંદુઓને પતાવી દેશે એવી વાતોનો મારો શરૂ થઈ ગયો છે. મુસલમાનો હિંદુઓની સ્ત્રીઓને ઉઠાવી જશે ને હિંદુઓની સંપત્તિને લૂંટી લેશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. એક લખોટાએ તો એવો ઓડિયો બનાવીને મૂક્યો છે કે, ૨૦૦ વર્ષ પછી આ દેશમાં એક પણ હિંદુ નહીં બચ્યો હોય ને બધા મુસલમાનો જ હશે. હિંદુઓ હંમેશાં ગટરમાં જ રહેવાના છે ને ભગવાન રામ પ્રાઈમ મિનિસ્ટર બને તો પણ ગટરમાં જ રહેવાના છે.

આ ઓડિયોમાં બીજી જાતજાતની ને ભાત ભાતની વાતો કરાઈ છે ને તેનો અર્થ એ છે કે, મોદી હારી ગયા તેમાં હિંદુ ધર્મનું ધનોતપનોત નીકળી જવાનું છે, હિંદુત્વ ખતમ થઈ જવાનું છે ને આ દેશ પર મુસ્લિમો ચડી બેસશે. આ દેશના હિંદુઓ સાવ નગુણા છે કે જેમણે હિંદુત્વ માટે જાત ઘસી નાંખનારા મોદીને સ્પષ્ટ બહુમતી તો ના જ આપી પણ ૫૦૦ વર્ષ પછી અયોધ્યામાં રામમંદિર બનાવનારા મોદીને મત ના આપ્યા તેમાં ભાજપ હારી ગયો. આ ઓડિયોમાં છેલ્લે મોદી સાહેબને આ બધું છોડીને હિમાલયની ગુફામાં જતા રહેવાની સલાહ અપાઈ છે.

અયોધ્યા લોકસભા બેઠક પર ભાજપના લલ્લુસિંહ હારી ગયા તેનો ખરખરો બીજાં પણ ઘણાંએ કર્યો છે. સોનુ નિગમ અને અનુપમ ખેર જેવી સેલિબ્રિટીઝ પણ આ ખરખરો કરવામાં જોડાઈ છે. ભાજપને બહુમતી ના મળી તેનો વસવસો કરતી ને હિંદુઓને માયકાંગલા, નબળા ને બીજી ગાળો આપતી સેકંડો પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરી રહી છે.

આ બધી પોસ્ટ વિશે લખી શકાય તેમ નથી પણ ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેમાં આ લખોટાઓનું બહુ મોટું યોગદાન છે. લોકસભાની ચૂંટણી પહેલાં ને ચૂંટણી દરમિયાન આ બધા આ જ પ્રકારની બકવાસ વાતો કર્યા કરતા હતા. મુસ્લિમોનો ડર બતાવી બતાવીને મોદી માટે મત લૂંટવા નીકળેલા આ નમૂનાઓને ખબર જ ના પડી કે તેમની વાતોથી લોકોને ઉબકા આવી રહ્યા છે.

આ વાતોની અસર ચૂંટણીમાં જોવા મળી ને પરિણામ સામે છે. બુદ્ધિશાળી માણસો પછડાટમાંથી શીખતા હોય છે પણ આ લોકો કશું શીખ્યા જ નથી ને ફરી એ જ લવારા શરૂ કરી દીધા છે.

હવે વાત મોદી નહીં હોય તો આ દેશમાંથી હિંદુત્વ ખતમ થઈ જશે તેની પણ કરી લઈએ. પહેલાં પણ આ વાત કરી છે પણ અત્યારે ફરી કરવી જરૂરી છે કેમ કે આ બધી વાતો હિંદુત્વનું અપમાન કરનારી છે. વ્યક્તિ પૂજામાં અંધ બનેલા લોકો વિશ્ર્વનો મહાનતમ ધર્મ એક વ્યક્તિનો આશ્રિત હોય એવું ચિત્ર ઊભું કરીને હિંદુત્વના ગૌરવને ઘટાડી રહ્યા છે ને વાસ્તવમાં તો આ બધા લોકો હિંદુ કહેવડાવવાને લાયક જ નથી.

હિંદુ ધર્મ એટલે કે સનાતન ધર્મ દુનિયાનો સૌથી જૂનો ધર્મ છે. ખરેખર ક્યારથી હિંદુ ધર્મ અસ્તિત્વમાં આવ્યો એ કહેવું મુશ્કેલ છે પણ પાંચ હજાર વર્ષથી હિંદુ ધર્મ અસ્તિત્વમાં હોવાનું સૌ સ્વીકારે છે.

આ પાંચ હજાર વર્ષના હિંદુ ધર્મના ઈતિહાસમાં હિંદુ ધર્મને ખતમ કરવાના ઘણા પ્રયત્નો થયા. લોકોને લાલચો આપીને ભોળવતા મીઠડા ખ્રિસ્તી પાદરીઓથી માંડીને એક હાથમાં તલવાર ને એક હાથમાં કુરાન લઈને નીકળેલા મુસ્લિમ આક્રમણખોરો સુધીનાં બધાંએ આ દેશને પોતાની આસ્થાના રંગે રંગવા ફાંફાં મારી જોયાં પણ કોઈ સફળ ના થયા. હિંદુઓનાં મંદિરો તોડ્યાં, બહેન-દીકરીઓને અત્યાચારોનો ભોગ બનાવી, લોકોને બળજબરીથી વટલાવ્યા છતાં હિંદુત્વ ખતમ ના થયું.

દુનિયાના ઘણા દેશો આખેઆખા પોતાની આસ્થા બદલીને ખ્રિસ્તી બની ગયા કે ઈસ્લામને અપનાવી
લીધો પણ આ દેશ હિંદુઓનો હતો ને હિંદુઓનો રહ્યો. હિંદુઓએ મર્દાનગી બતાવીને બધા પ્રયત્નોને ખાળ્યા તેના કારણે આ દેશને ના ખ્રિસ્તી પોતાના રંગે રંગી શક્યા કે ના મુસલમાનો ઈસ્લામને રંગે રંગી શક્યા. હિંદુત્વમાંથી બીજા ધર્મો પણ પેદા થયા ને એ પણ હિંદુત્વને ખતમ ના કરી શક્યા.

નરેન્દ્ર મોદીની ઉંમર ૭૫ વર્ષની છે ને હિંદુત્વનો નોંધાયેલો ઈતિહાસ જ પાંચ હજાર વર્ષનો છે. મોદી તો હમણાં આવ્યા પણ એ પહેલાં ભયંકર આક્રમણો સામે પણ હિંદુ ટકી ગયા કેમ કે હિંદુ ધર્મ મોદી જ નહીં પણ બીજા કોઈનો ઓશિયાળો નથી. હિંદુઓમાં પોતાની આસ્થાને ટકાવવાની તાકાત છે ને હંમેશાં રહેશે. આ કારણે જ હિંદુ ધર્મ. સનાતન છે, એ સદીઓથી ટકેલો છે ને ટકવાનો છે. રાજાઓ આવ્યા ને ગયા ને નેતાઓ પણ જતા રહેશે, હિંદુત્વ સનાતન છે અને સનાતન રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button