વેપાર

રેટ કટના આશાવાદે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૮૭૧ની અને ચાંદીમાં રૂ. ૨૧૧૩ની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકાના આર્થિક ડેટા નબળા આવી રહ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૬૭થી ૮૭૧ વધીને ફરી રૂ. ૭૨,૦૦૦ની સપાટી અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૧૧૩ની તેજી સાથે રૂ. ૯૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં ચાંદીના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવી ગયો હોવાથી સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૧૩ ઉછળીને રૂ. ૯૦,૬૪૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૬૭ વધીને રૂ. ૭૨,૫૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૮૭૧ વધીને રૂ. ૭૨,૮૫૭ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ નબળા આર્થિક ડેટાને ધ્યાનમાં લેતા આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૬૨.૬૮ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૮ ટકા વધીને ૨૩૬૦.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૦૮ ટકા ઉછળીને ઔંસદીઠ ૩૦.૩૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં બૅન્ક ઑફ કેનેડા દ્વારા કરવામાં આવેલા રેટ કટ સાથે હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં વૈશ્વિક સ્તરે થઈ રહેલી હળવી નાણાનીતિને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ પણ કાપ મૂકવા સક્રિયપણે વિચારે તેવો આશાવાદ સપાટી પર આવ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે. જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅરૉલ ડેટા પર અને ત્યાર બાદ આગામી ૧૧-૧૨ જૂનના રોજ યોજાનારી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button