આખો દેશ લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો પર નજર રાખી રહ્યો હતો, તે દરમિયાન ચોથી જૂનના રોજ NTAએ નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) UG 2024નું પરિણામ જાહેર કરી દીધું હતું. NEET 2024 UG પરિણામ 14 જૂને જાહેર થવાનું હતું પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અચાનક 4 જૂનની સાંજે કોઈપણ પૂર્વ સૂચના વિના પરિણામ જાહેર કરી દીધું હતું. NEETના વિદ્યાર્થીઓ NTAની વેબસાઇટ exams.nta.ac.in/NEET પર NEET પરિણામ 2024 PDF જોઈ શકે છે. જોકે, પરિણામની PDF પ્રકાશિત થયા બાદ વિદ્યાર્થીઓ અને NEET એક્સપર્ટ્સમાં રોષ જોવા મળી રહ્યો છે.
NEET પરિણામની પીડીએફ શેર થયા બાદ વિદ્યાર્થીઓ અને નિષ્ણાતોએ આમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. આમાં તમે સીરીયલ નંબર 62 થી 69 સુધીના NEET રોલ નંબર, નામ, માર્ક્સ અને રેન્ક જોઈ શકો છો. એમાં NEET રોલ નંબર સિરીઝ સમાન છે. આ તમામ રોલ નંબર એક જ કેન્દ્ર અથવા નજીકના કેન્દ્રોના છે. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓએ તેમના નામ સાથે તેમની અટક જોડેલી નથી. આઠમાંથી છ વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓએ 719, 718 માર્ક્સ મેળવ્યા છે. આ અંગે NTAના જવાબની રાહ જોવાઈ રહી છે.
Read More: શપથ પહેલા જ શરતોઃ જેડીયુના નેતાએ કેન્દ્ર સરકારની સ્કીમ મામલે કહ્યું કે
આ વર્ષે કુલ 67 વિદ્યાર્થીઓએ 99.997129ના પર્સન્ટાઈલ સ્કોર સાથે NEET ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 1 મેળવ્યો છે. આ વખતે ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોઈ 720 માર્કસ મેળવે એ તો સમજ્યા પણ કોઇ 718 માર્ક્સ કેવી રીતે મેળવી શકે.
તમે માત્ર 716 માર્ક્સ મેળવી શકો છો, પણ 718 માર્ક્સ મેળવવા શક્ય જ નથી. NTAએ સ્પષ્ટતા જારી કરીને કહ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સમય ગુમાવવાની સમસ્યા ઉઠાવી હતી, જેને ધ્યાનમાં રાખીને તેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. તેથી કેટલાક વિદ્યાર્થીઓને 718 અને 719 માર્ક પણ આપવામાં આવ્યા છે. (કેટલાક પરીક્ષા કેન્દ્રો પર પેપર આપવામાં વિલંબ થયો હતો. જેના કારણે અનેક વિદ્યાર્થીઓનો સમય વેડફાયો હતો. NTA એ આવા ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપ્યા છે. તેથી, કેટલાક ઉમેદવારોના માર્ક્સ 718 અથવા 719 હોઈ શકે છે.)
હવે મોટાભાગના વિદ્યાર્થીઓ NEET UG 2024 ના પરિણામને કૌભાંડ તરીકે જોઇ રહ્યા છે અને NEET UG 2024ની પરીક્ષા ફરીથી યોજવાની માગ કરી રહ્યા છે.