જે ડર હતો તે જ થયું! NDAના ઘટક પક્ષોની માગણી શરૂ થઇ
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ મોદી સરકારના ત્રીજા કાર્યકાળની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે અને હવે તેઓ 8મી જૂને ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પહેલા ગઇ કાલે દિલ્હીમાં NDAના ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં 16 પક્ષોના 21 ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. જો મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, હવે સરકાર બન્યા પછી, મંત્રાલયને લઈને NDAના સહયોગી પક્ષોની માંગણીઓ સામે આવી રહી છે.
સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે એનડીએમાં ભાજપ પછી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહેલી તેલુગુ દેશમ પાર્ટીએ ભાજપ સમક્ષ પોતાની માંગણીઓ મૂકી છે. ટીડીપીએ લોકસભા સ્પીકર તેમજ 3 કેબિનેટ અને 2 રાજ્ય મંત્રી પદની માગણી કરી છે.
ટીડીપી સિવાય ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ) પણ પાંચ લોકસભા બેઠકો જીતી છે. આવી સ્થિતિમાં ચિરાગ પાસવાન પોતાની પાર્ટીના સાંસદો માટે એક કેબિનેટ મંત્રી અને એક રાજ્ય મંત્રીનું પદ ઈચ્છે છે. બિહારમાંથી એક સીટ જીતનાર હિન્દુસ્તાની અવામી મોરચાના સૌથી મોટા નેતા જીતન રામ માંઝી પણ કેબિનેટ પદ ઈચ્છે છે.
શિંદેની આગેવાની હેઠળની શિવસેના પણ કેન્દ્ર સરકારમાં મહત્ત્વનો હિસ્સો ઇચ્છે છે. તેણે કેબિનેટ મંત્રાલય અને રાજ્ય મંત્રીનું પદ પણ માંગ્યું છે. તો નીતીશ કુમાર તરફથી રેલ્વે મંત્રાલયની માંગ કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હાલમાં તેઓ કેરટેકર વડા પ્રધાન છે. દિલ્હીમાં NDAની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ 8મી જૂને દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ તેમનો પીએમ તરીકેનો ત્રીજો કાર્યકાળ હશે.
NDAમાં સામેલ તમામ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ કયું મંત્રાલય ક્યા પક્ષના હિસ્સામાં રહેશે, તે 2-3 દિવસમાં જાણી શકાશે.
Also Read –