Happy Birthday: કન્ડક્ટરમાંથી અભિનેતા અને રાજકારણી બન્યા ને જીવનમાં આવ્યા કેટલાય તડકા-છાયા
જેમણે બાળપણમાં જ સંઘર્ષ કર્યો હોય તેમને મોટી ઉંમરે પણ મથવાનું અઘરું લાગતું નથી, પરંતુ તમે એકવાર ઊંચે સ્થાને પહોંચી જાવ પછી સાવ નીચે આવવું ઘણું કઠિન હોય છે. આવા કઠિન સમયને પસાર કરી જીવનમાં ઘણું કરી ચૂકેલા અભિનેતા, રાજકારણી અને સામાજિક કાર્યકર સુનીલ દત્તનો આજે જન્મદિવસ છે.
6 જૂન, 1929ના રોજ મુંબઈમાં જન્મેલા સુનીલે પાંચ વર્ષની ઉંમરે જ પિતા ગુમાવ્યા હતા. પરિવાર ગરીબીમાં હતો એટલે જયહિન્દી કૉલેજમાં એડિમશન લીધા બાદ તેમણે બસ કન્ડકરની નોકરી કરવી પડી હતી અને ત્યારબાદ તેઓ રેડિયોમાં અનાઉન્સર બન્યા. ધીમે ધીમે અભિનય તરફ ધ્યાન ગયું અને 1955માં રેલવે પ્લેટફોર્મ નામની ફિલ્મ મળી ને ત્યારબાદ એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી.
સુનીલ દત્ત 1950 અને 1960ના દાયકામાં બોલિવૂડના સુપરસ્ટાર બન્યા હતા. ‘મધર ઈન્ડિયા, સાધના, ઈન્સાન જાગ ઉઠા, સુજાતા, મુઝે જીને દો, પડોસન જેવી ઘણી હિટ ફિલ્મો આપી. દરેક ફિલ્મમાં તેની અલગ સ્ટાઈલ, અવતાર અને અભિગમ જોવા મળ્યો હતો. અભિનયની સાથે તેઓ રાજકારણમાં પણ સફળ રહ્યા હતા. કૉંગ્રેસના સાંસદ તરીકે તેમણે દિલ્હીમાં પોતાનો દબદબો બનાવ્યો હતો અને તેઓ માત્ર વીઆઈપી સાંસદ નહીં પરંતુ લોકોની વચ્ચે જનારા લોકોના કામ કરનારા સાંસદ તરીકે જાણીતા હતા.
જોકે આટલી ઉંચાઈએ ગયા બાદ એક સમયે એક ફિલ્મને કારણે તેઓ દેવાળીયા થઈ ગયા હતા. સુનીલ દત્તે પોતાની એક્ટિંગ કરિયરમાં લગભગ 50 ફિલ્મોમાં કામ કર્યું. અભિનય કારકિર્દીમાં સફળ થયા પછી, તેણે ફિલ્મોના નિર્માણમાં પણ હાથ અજમાવ્યો, પરંતુ તેને આ કામ પસંદ ન આવ્યું. આ કામને કારણે તેની આર્થિક સ્થિતિ ઘણી કથળી ગઈ હતી.
સુનીલ દત્ત ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’ પ્રોડ્યુસ કરી રહ્યા હતા અને તે પોતે તેમાં લીડ એક્ટર હતા. સુખદેવ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા હતા, પરંતુ સુનીલ દત્તને સુખદેવનું નિર્દેશન બહુ ગમ્યું ન હતું. આ પછી તેણે આ ફિલ્મ જાતે જ ડિરેક્ટ કરવાનો નિર્ણય કર્યો. ફિલ્મનું શૂટિંગ મોટાભાગે સુખદેવના નિર્દેશનમાં પૂર્ણ થયું હતું, પરંતુ સુનીલ દત્તે તેને નવેસરથી શૂટ કરવાનું નક્કી કર્યું. આ ફિલ્મ માટે તેણે મોટી લોન પણ લીધી હતી.
એક તરફ સુનીલ દત્ત દેવામાં ડૂબેલા હતા તો બીજી તરફ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. તેમને મોટો આંચકો લાગ્યો છે. લોકોએ પોતાના પૈસા પાછા માંગવાનું શરૂ કરી દીધું હતું. આ વિશે વાત કરતાં સુનીલ દત્તે એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું તે સમયે દેવાળીયો થઈ ગયો હતો. મારે મારી કાર વેચવી પડી અને બસમાં મુસાફરી કરવાનું શરૂ કર્યું. મારા બાળકોને શાળાએ મૂકવા માટે મારી પાસે એક કાર હતી. મારું ઘર પણ ગીરવે હતું. ઘણી મહેનત પછી સુનીલ દત્ત આ મુશ્કેલ સમયમાંથી બહાર આવ્યા અને તેમની આર્થિક સ્થિતિમાં ફરી સુધારો થયો. આ સમયે તેમને પત્ની નરગીસ અને બાળકોનો સાથ મળ્યો.
સુનીલ દત્તને વ્યક્તિગત જીવનમાં પણ ઘણો સંઘર્ષ જોવો પડ્યો. મુસ્લિમ અભિનેત્રી નરગિસ સાથે લગ્ન કરવાનું એ સમયે સહેલું ન હતું. સમાજ વિરુદ્ધ જઈ તેમણે લગ્ન કર્યા અને ત્રણ સંતાનના પિતા બન્યા. પણ નરગિસની કેન્સરની બીમારી અને સંજય દત્તની ડ્રગ્સની લત સુનીલ દત્તને ઢળતી ઉંમરે ખાઈ ગઈ. નરગિસના મૃત્યુ બાદ દીકરાને પાટે ચડાવવો અઘરો હતો.
ડ્રગ્સની આદતમાંથી છૂટ્યા બાદ સંજય દત્ત પર મુંબઈના રમખાણોમાં ઘરે હથિયાર રાખવાનો આરોપ લાગ્યો. આ સમય પણ ખૂબ કપરો હતો. સંજય પર ટાડા અંતગર્ત ગુનો સાબિત થયો ને તેણે જેલમાં જવું પડ્યું . એક ઈન્ટરવ્યુમાં સુનીલ દત્તે કહ્યું હતું કે જ્યારે સંજયની ધરપકડ થઈ ત્યારે મને થયું કે મેં જે દેશ માટે કર્યું તે બધુ જાણે પાણીમાં ગયું. એક પિતા તરીકે મારે આ પણ જોવાનું હતું. જોકે તેમણે એમ પણ કહ્યું કે સંજયને સમજાઈ ગયું હતું કે તેને આ રીતે જોઈ હું ભાંગી પડીશ આથી તેણે સ્વસ્થ રહી મને હિંમત આપી, એક દીકરા તરીકે તેની આ પરિપક્વતાએ મને ગર્વ મહેસૂસ કરાવ્યો. આટલા ઉતાર ચડાવ જોયા બાદ સુનીલ દત્તનું 2005માં નિધન થયું.