વેપાર

આયાતી તેલમાં ઘટ્યા મથાળેથી સુધારો, પરંતુ વેપાર નિરસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે બાવન સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત હાલમાં વાયદાના પ્રોજેક્શનમાં ચાર પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ ૧૪ રિંગિટનો ઘટાડો આવ્યો હતો. વૈશ્ર્વિક સ્તરે ભાવમાં ઘટાડાતરફી વલણ છતાં સ્થાનિકમાં આયાતી તેલમાં ફરતા માલની ખેંચ રહેતાં હાજરમાં આજે ૧૦ કિલોદીઠ સન ક્રૂડમાં રૂ. ૧૦નો અને આરબીડી પામોલિન તથા સન રિફાઈન્ડમાં રૂ. પાંચનો સુધારો આવ્યો હતો. જોકે હાજર અને ડાયરેક્ટ ડિલિવરી શરતે માગ નિરસ રહેતી હોવાથી ભાવમાં મોટો ઉછાળો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે માત્ર સેલરિસેલ ધોરણે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ રૂ. ૮૯૮થી ૯૦૦માં છૂટાછવાયા બે-પાંચ ટ્રકના વેપાર થયા હતા. આ સિવાય ડાયરેક્ટ ડિલિવરી શરતે પણ માત્ર રૂચી અને ગોલ્ડન એગ્રીના ભાવ અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૫ અને રૂ. ૯૦૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો સદંતર અભાવ રહ્યો હતો.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૦૦, ક્રૂડ પામતેલના રૂ. ૮૭૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૫૦, સોયા ડિગમના રૂ. ૯૧૦થી ૯૧૫, સન રિફાઈન્ડના રૂ. ૯૬૫, સન ક્રૂડના રૂ. ૯૨૦, સિંગતેલના રૂ. ૧૪૯૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૯૦ અને સરસવના રૂ. ૧૧૬૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૦થી ૯૩૦માં અને રૂ. ૧૪૪૦માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૦૦માં થયા હતા.

આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૧૦ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૩૫૦થી ૪૬૨૫માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૩૫થી ૪૭૩૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૫૫થી ૯૬૦માં થયા હતા. વધુમાં આજે રાજસ્થાનના મથકો પર ૩.૭૫ લાખ ગૂણી સરસવની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૦૭૫થી ૬૧૦૦માં થયા હતા, જ્યારે સરસવ એક્સ્પેલર અને કચ્ચી ઘાણીના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૪૫માં અને રૂ. ૧૧૫૫માં થયાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button