આ બધાં પરિણામ આપણને શીખવે છે કે…
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આ વખતની લોકસભાની ચૂંટણી આપણને ઘણું બધું શીખવી ગઈ છે. દેશમાં નરેન્દ્ર મોદી જેવા કદાવર નેતા એમનાં નામ અને સિદ્ધિઓ પર ચૂંટણી લડતા હોવા છતાં- ભાજપ ચારસો પારનો નારો હોવા છતાં -૨૭૨નો જાદૂઈ આંકડો નથી મેળવી શકી.
બીજીબાજુ, એક સમયે પ્રાદેશિક પક્ષોનો કેન્દ્રના રાજકારણમાંથી એકડો નીકળી ગયો હતો એ પ્રાદેશિક પક્ષોનો ફરી દબદબો કાયમ થયો છે. લોકો સ્વીકારે ન સ્વીકારે, પરંતુ તૃણમૂલ કૉંગ્રેસ, જનતાદળ (યુ), સમાજવાદી પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી કે મહારાષ્ટ્રથી શિવસેના (યુ) અને એનસીપી (શ)ને પૂછયા વિના પાણી તો નહીં જ પી શકાય. આ તો લોકતંત્ર છે, એમાં હાર-જીતનાં અનેક સમીકરણ ચાલતા રહે અને જો આપણે ફૂલટાઈમ રાજકારણી ન હોઈએ તો આપણે આ રાજકારણને મનમાં બહુ સ્થાન પણ નહીં આપવું, નહીંતર ફેસબુક અને વોટ્સએપ પર સવાર થયે એક સમયે હાર્દિક પટેલ અને અજિત પવારને ગાળો દેનારા અને નૈતિક મૂલ્યોની વાતો કરનારાઓએ મોઢામાં રીતસરના મગ ભરવા પડ્યા હતા! કારણ એ જ કે રાજકારણમાં બધું આઘુંપાછું ચાલ્યા કરે. એ ગતિવિધિને ધ્યાનમાં રાખીને ફેસબુક અને વોટ્સએપ પર કૂદાકૂદ ન કરાય !
ખેર, આપણે તો આ ઈલેક્શન રિઝલ્ટમાંથી શીખવા જેવી કેટલીક બાબતની ચર્ચા કરવી છે. આખરે આ ઈલેક્શન પરિણામે એક ‘આમ આદમી’ પાર્ટીને બાદ કરતાં કોઈને ઝાઝા દુ:ખી નથી કર્યા. સરવાળે બધાનું બધુ સચવાઈ ગયું છે!
હવે શીખની વાત કરીએ તો સૌથી પહેલાં મોદીજી પાસે શીખીએ કે ઉંમરના સાતમાં દાયકામાં પણ પોતાનું પેશન-જુસ્સો ન ખોવો ! સિત્તેર વર્ષે પણ પોતાની પાસે એક અનન્ય લક્ષ્ય હોવું જોઈએ અને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કોઈના પર આધાર રાખ્યા વિના જાતે જ એડીચોટીની જહેમત કરવી.
-તો ઉદ્ધવ ઠાકરે પાસે એ શીખવું રહ્યું કે લોકો તો તમને ત્યાં સુધી આવીને કહી જશે કે તમે અસલી નહીં, પરંતુ નકલી છો !’ છતાં તમારે પીછેહઠ કરવાની નથી. તમે અસલી છો કે નકલી છો એની કોઈ લડાઈ હોતી જ નથી. નિર્ણય તો હંમેશાં જનતા કરતી હોય છે એટલે તમારી વિરુદ્ધમાં વેવ-જુવાળ હોય તો પણ તમારે તમારું વજૂદ જાળવી રાખવું. બાકી, સમાજ હોય કે રાજકારણ, અહીં તો લોકોના ધારાધોરણ અને લોકોની પસંદગી સતત બદલાતી રહે. ક્યારેક કોઈને નીતીશ કુમાર ખરાબ લાગી શકે, ક્યારેક વહાલા પણ લાગે!
ત્રીજું લેશન ચંદ્રાબાબુ નાયડુ પાસે લેવાય કે દેશના રાષ્ટ્રીય પક્ષો તમારા વિશે કહેતા થઈ જાય કે તમે હવે પતી ગયા છો તમારું હવે કંઈ ઊપજવાનું નથી. એ કારણે મીડિયા સુદ્ધાં તમારી નોંધ લેવાનું બંધ કરી દે. આમ છતાં , તમારે તમારું કામ ચાલુ રાખવાનું છે અને તમારા રાજ્યમાં તો ઠીક, છેક દિલ્હી સુદ્ધાંમાં તમારા અસ્તિત્વની નોંધ લેવી પડે. હા, અરવિંદ કેજરીવાલ અને ‘આમ આદમી’ પાર્ટી પાસેથી એ શીખ લેવી કે માત્ર બોલબચ્ચનથી કંઈ દહાડો નહીં વળે. એ તો પ્રૂવ-સાબિત કરવું પડે કે આપણે ખરેખર સાચા છીએ. બાકી વાર્તાઓ કરતા રહીશું તો લોકો લાઈક્સ આપશે, પરંતુ મત નહીં આપે!
બીજી બાજુ, મમતા બેનર્જી પાસે પણ ખુમારી તો શીખી જ શકાય, જેમની વર્ષ ૨૦૧૧માં જ્યોતિ બસુ સામે જે ખુમારી હતી એ જ ખુમારી આજે અકબંધ છે. એક મહિલા તરીકે એ પુરુષોનો દબદબો ધરાવતા રાજકારણમાં ધરાર ટકી શક્યા છે એ સાથે પોતાની આગવી ખુમારીથી એમણે ભલભલા રાજકારણીઓની ઝીંક પણ ઝીલી છે.
આમ જોવા જઈએ તો એક તરફ જ્યારે ‘આરજેડી’ કે ‘બસપા’ જેવા પ્રાદેશિક પક્ષો લોકસભામાં સાફ થઈ ગયા છે ત્યારે યુપીએના કાળથી લોકસભામાં મમતા બેનર્જીનું પ્રતિનિધિત્વ ટ્કોરાબંધ નોંધપાત્ર રહ્યું છે.
-અને આ બધા વચ્ચે, છેલ્લું લેશન શીખવાનું થાય છે રાહુલ અને પ્રિયંકા ગાંધી પાસેથી એ બંને ભાઈ-બહેન શીખવી જાય છે કે આખો જમાનો તમને ગાળો દેતો હોય, ચોવીસ કલાક- બારે દહાડા તમે પાગલ છો- તમે અણઘડ છો- તમને કશું આવડતું નથી અને તમે તો ‘પપ્પુ’ છો ’ એવું પુરવાર કરવા ખાસ જંગી બજેટ ફાળવ્યું
હોવા છતાં તમે તમારી શ્રદ્ધા ખોઈને તમારું મેદાન ન છોડો. પોતાની વિચારધારામાં અડગ રહો તો તમારી નોંધ પણ લેવાશે અને લોકોનો તમારા પ્રત્યેનો અભિગમ પણ પલટાશે ને તમે ઝીરોમાંથી હીરો પણ બની શકો આ વાત આ વખતનાં ચૂંટણી પરિણામે પુરવાર કરી છે.
ઈન શોર્ટ, આ લોકસભાનાં પરિણામ અનેક રીતે આઈઓપનર છે- આંખ ઉઘાડી દે તેવાં છે. આ પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી આપી છે કે આ જીવનમાં કશું જ સ્થાયી નથી. તમારી જીત પણ સ્થાયી નથી હાર પણ સ્થાયી નથી. તમારી લોકપ્રિયતા પણ સ્થાયી નથી ને તમારો વિરોધ પણ સ્થાયી નથી. તમારો બહુમત પણ સ્થાયી નથી અને તમારો લઘુમત પણ સ્થાયી નથી માટે ઝાઝી ચિંતા ન કરવી. પોતાના કામથી કામ રાખવું અને પોતાની જાતમાં અને પોતાના કામમાં સતત સુધારો કરતા રહેવું. બીજી તરફ, બહુ બોલબચ્ચન પણ ન થવું. રહેવું, નહીંતર ક્યારે પીંખાઈ જશો એ ખબર પણ નહીં પડે!.