એટનબરોની ફિલ્મ પહેલા કેટલા જાણીતા કેટલા ‘ગુમનામ’ મહાત્મા ગાંધી ?!
વિશ્વની અનેક નામી વ્યક્તિઓ જેમનાથી પ્રભાવિત હતી એવા આપણા મહાત્માથી જગત ખરેખર અજાણ હતું ?!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
ચાર્લી ચેપ્લિન સાથે…
લોકસભા ચૂંટણીનો પ્રચાર એની પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો ત્યાં એમાં આપણા બાપુ અચાનક પ્રગ્ટ્યા… થેંકસ ટુ, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ! વડા પ્રધાને એક મુલાકાત દરમિયાન એવું બ્યાન આપ્યું કે ‘ફિલ્મ દિગ્દર્શક રિચાર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ ની રજૂઆત પછી જ દુનિયાના લોકો એમના વિશે જાણવા વધુ ઉત્સુક થયા અને એમને વધુ ઓળખતા થયા… એ પહેલાં એમને કોઈ ખાસ જાણતું ન હતું..!’
વડા પ્રધાનનું કહેવું એમ પણ હતું કે આપણા મહાત્માને વિશ્ર્વભરમાં જાણીતા કરવાની જવાબદારી અગાઉની સરકારોની હતી, પણ એમ થયું નહીં..
હા, એ ખરું કે આઠ ‘ઓસ્કર’ વિજેતા એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ને કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહાત્મા ગાંધી વિશે લોકોને પુન: રસ પડ્યો-એમના વિશે જાણવાની યુવા પેઢીમાં વધુ જિજ્ઞાસા જાગી, પણ એ પહેલાં મહાત્મા ગાંધી વિશે કોઈને ખાસ જાણકારી નહોતી એવી વડા પ્રધાનની ટકોરે અત્યારે વિપક્ષો- ફિલ્માભ્યાસુઓ- જાણકારો અને સોશ્યલ મીડિયા પર અચ્છી એવી ચર્ચા જગાડી છે.
ભારતીય તેમજ વિશ્ર્વ સિનેમાના વિશેષ ખબર-અંતર રાખતા મુંબઈના અગ્રણી અભ્યાસુ અને સમીક્ષક એવા અમૃત ગંગર એ વાતથી અસહમત થતાં કહે છે કે છેક ૧૯૨૦થી ગાંધીજી વિશે ફિલ્મ બનાવવાનો વિચાર – યોજના બની રહી હતી. બ્રિટિશ ક્લોનીઅલિજમ -સંસ્થાનવાદની નીતિ – રીતિ સામે
ગાંધીજીની અહિંસક લડત વધુ ને વધુ કટ્ટર ને અસરકારક બની રહી હતી એનાથી ભયભીત બ્રિટિશ સલ્તનતે આજથી ૧૦૦ વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ફિલ્મજગતના દિગ્ગજ એવા સર્જક ડી.ડબ્લ્યુ ગ્રિફિથનો સંપર્ક્ કર્યો હતો અને ગાંધીજીના પ્રભાવને ખાળવા એમની વિરુદ્ધ ફિલ્મ બનાવવા કહ્યું હતું ,પરંતુ અમુક કારણોસર આવી પ્રોપેગેન્ડ ફિલ્મ સાકાર થઈ નહોતી. ..
પોતાના જીવનકાળમાં ગાંધીજીએ એક માત્ર ફિલ્મ નિહાળી હતી અને એ પણ કોઈ સિનેમા થિયેટરમાં જઈને નહીં, પણ સુમતિબહેન મોરારજીના જૂહુ બંગલામાં … એ ફિલ્મ હતી વિજય ભટ્ટ્ની ‘રામરાજ્ય’ (૧૯૪૩).
આમ તો ગાંધીજીને ફિલ્મોમાં કોઈ ખાસ રસ નહોતો, પરંતુ એમની બ્રિટિશ સરકાર વિરુદ્ધની સત્યાગ્રહની લડતમાં દેશ -વિદેશના અનેક ફિલ્મ સર્જકોને જરૂર રસ પડ્યો હતો. (એટનબરોની ‘ગાંધી’ ફિલ્મનાં અનેક વર્ષો અગાઉ ! ).
જે રીતે ભારતીય પ્રજા અને વિશ્ર્વભરના લોકો ગાંધીજીની અનોખી અહિંસક લડતથી પ્રભાવિત થઈ રહ્યા હતા એનાથી બ્રિટિશ સત્તાવાળા ખાસ્સા ચિંતિત હતા.
‘કોઈ પણ કારણ વગર કોઈ પણ વ્યક્તિની સરકાર ધરપકડ કરી શકે’ એવા બ્રિટિશ સરકારના અન્યાયી ‘રોલેટ એકટ’ વિરુદ્ધ ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું ત્યારે એનાથી પ્રભાવિત ૧૯૨૧માં એક મૂંગી ફિલ્મ ‘ભક્ત વિદુર’ (ધર્મવિજય) બની હતી.
આ વિશે વિશેષ માહિતી આપતા ફિલ્મ સમીક્ષક અમૃત ગંગર ઉમેરે છે કે મોહનલાલ દવે લિખિત અને ભારતના પ્રથમ દલિત ડિરેકટર કાનજીભાઈ રાઠોઠની એ ફિલ્મનું નિર્માણ ‘કોહિનૂર ફિલ્મ કંપની’ દ્વારા કરવામાં આવ્યું હતું અને એના માલિકો દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલે ‘વિદૂર’ અને કૃષ્ણની મુખ્ય ભૂમિકા અદા કરી હતી!
આ ફિલ્મ મુંબઈના ‘મેજેસ્ટિક’ થિયેટરમાં રજૂ થઈ પછી બ્રિટિશ સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આમ એ જમાનામાં ગાંધીજી આધારિત આવી અન્ય ફિલ્મોના નિર્માણ ઉપરાંત દેશના અનેક જાણીતા સ્ટુડિયો ગાંધીજીની દેશભરમાં ચાલતી આઝાદીની લડત વિશેની સંખ્યાબંધ દસ્તાવેજી ફિલ્મોનું નિયમિત નિર્માણ પણ કરીને પ્રદર્શિત પણ કરતા. મદ્ર્રાસની એક ‘ડોક્યુમેન્ટરી ફિલ્મસ લિમિટેડ’ નામની કંપનીએ તો ૧૯૪૦ની આસપાસ ગાંધીજીની લડત વિશે સળંગ ફિલ્મ જેવી બે કલાક લાંબી એક ડોક્યુમેન્ટરી તમિળ ભાષામાં બનાવી હતી… આમ ફિલ્મો દ્વારા ગાંધીજી જનસમુદાય સાથે સતત સંકળાયેલા રહેતા.
રિચર્ડ એટનબરો તો દ્ર્શ્યમાં બહુ પાછળથી આવ્યા, પણ અન્ય વિદેશી નિર્માતા -દિગ્દર્શકો ગાંધીજી વિશે ફિલ્મ બનાવવા હંમેશાં ઉત્સુકત રહેતા. હંગેરીના ફિલ્મ સજર્ક ગેબ્રિયલ પાસ્કલ ૧૯૫૩માં ‘લાઈફ ઓફ ગાંધી’ ફિલ્મની યોજના જાહેર કરી હતી, પરંતુ કોઈ કારણોસર એ પ્રોજેકટ પૂર્ણ ન થઈ શક્યો.
આવું જ હોલીવૂડના વિખ્યાત દિગ્દર્શક ડેવિડ લીન સાથે થયું. ‘પેસેજ ટુ ઈન્ડિયા’ – ‘બ્રિફ એન્કાઉન્ટર’- ‘લોરેન્સ ઓફ અરેબિયા’ જેવી સફળ ફિલ્મોના સર્જક ડેવિડ લીન ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત હતા. એમના જીવન પર આધારિત એ ફિલ્મ બનાવવા આતુર હતા. એના માટે ૧૯૫૮માં એ ખાસ ભારત આવ્યા અને તત્કાલીન વડા પ્રધાન નહેરુએ પોતાની સરકારનો સંપૂર્ણ સાથ – સહકાર આપવાની બાંહેધરી પણ આપી હતી,પરંતુ ડેવિડ લીનનો એ પ્રોજેકટ અન્ય કારણોસર પૂર્ણ ન થઈ શક્યો એનો અફસોસ ડેવિડ લીન હંમેશાં વ્યકત કરતા રહ્યા…
બીજી તરફ્, એટનબરો તો છેક ૧૯૬૦ના દશકાથી ગાંધીજી વિશે ફિલ્મ બનાવવા આતુર હતા. એના ૨૦ વર્ષ પછી ૧૯૮૦માં ‘ગાંધી’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શક્યા.
૧૯૬૨માં ભારતીય કોન્સ્યુલેટના કોઈ એક અધિકારીએ એટનબરોનો સંપર્ક કરીને ગાંધીજી પર ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું હતું. એ સમયે એટનબરો સ્વતંત્રતાની લડતમાં આગેવાની કરતાં ગાંધી વિશે બહુ ઓછું જાણતા હતા. એ પછી અમેરિકન શિક્ષક -પત્રકાર લુઈ ફિશર લિખિત પુસ્તક ‘ધ લાઈફ ઓફ મહાત્મા ગાંધી’ વાંચ્યું – ગાંધીજીનાં લખાણ વાંચ્યા- ગાંધીજીનાં અવતરણને વાંચ્યા પછી ગાંધીજી પર ફિલ્મ બનાવવાનું નક્કી તો કર્યું , પણ એક યા બીજા કારણસર એમનો ગાંધી પ્રોજેક્ટ ૧૮ વર્ષ સુધી લંબાઈ ગયો. આ દરમિયાન ભારતના છેલ્લા વાઈસરોય માઉન્ટ્બેટનની વગ વાપરીને એ તત્કાલિન વડા પ્રધાન નહેરુને મળ્યા ત્યારે નહેરુજી એ એટલી જ સલાહ આપી કે ‘ગાંધીજીને તમે ફિલ્મમાં એક દેવ તરીકે નહીં ચીતરતા… એમને એક સામાન્ય માનવી તરીકે એમની ખામી -ખૂબીઓ સાથે દર્શાવજો..!’ પછી તો ‘ગાંધી’ના શૂટિંગ વખતે વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી પણ કયારેક ખાસ હાજરી પણ પુરાવતાં ..
આમ જુવો તો જગતભર પર મહાત્મા ગાંધીનો પ્રભાવ છેક ૧૯૨૦-૩૦થી જ શરૂ થઈ ગયો હતો. નોબલ પુરસ્કાર સમિતિ દ્વારા સત્તાવાર એ સ્વીકારવામાં આવ્યું છે કે ગાંધીજીનું નામ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે માત્ર એકાદ વાર જ નહીં, કુલ પાંચ વાર વિચારવામાં આવ્યું હતું ! ૧૯૩૧-૧૯૩૮-૧૯૩૯- ૧૯૪૭-૧૯૪૮ માં એમના નામની વિચારણા થઈ હતી, પણ એક યા કારણોસર એ પુરસ્કાર અપાયો નહીં, પરતુ એ વખતે એમના નામની ભલામણ કરનારી વ્યક્તિઓ અને સંસ્થાઓ પર ગાંધી વિચારધારાનો કેવો વ્યાપક પ્રભાવ હતો એનો ખ્યાલ આવે છે…
એટનબરોની ફિલ્મ તો ૧૯૮૨માં રજૂ થઈ, પણ એના બાવન વર્ષ પહેલાં જગવિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિને ગાંધીજીને ‘મેન ઑફ ધ યર’નો પ્રતિષ્ઠિત ખિતાબ એનાયત કર્યો હતો. એટલું જ નહીં. ૧૯૩૦ – ૩૧માર્ચના ‘ટાઈમ’ના મુખપૃષ્ઠ પર એમને ‘સંત ગાંધી’ તરીકે સંબોધવામાં આવ્યા હતા..! ત્યાર બાદ પણ આપણા ‘ગુમનામ’ મહાત્મા ૩૦ જૂન-૧૯૪૭ના ‘ટાઈમ’ સાપ્તાહિકમાં ચમક્યા હતા !
આ પછી પણ ગાંધીજી વિદેશી પ્રિન્ટ મીડિયામાં છવાયેલા રહ્યા. ગાંધીજીની વિદેશ યાત્રાઓ વિશે નિયમિત અહેવાલ લખતાં વરિષ્ઠ પત્રકાર મીરા કામદારે પણ નોંધ્યું છે કે ૧૯૩૦-૩૧ દરમિયાન ગાંધીજી વિશ્ર્વના સૌથી મશહૂર વ્યક્તિ હતા. એમની દાંડીયાત્રા વિશે વિદેશી પત્રકાર વેબ મિલરનો લેખ દુનિયાભરના ૧૦૦૦થી વધુ અખબારોમાં પ્રગટ થયો હતો!
‘ટાઈમ’ મેગેઝિન પછી એના પ્રતિસ્પર્ધી ‘ન્યૂઝવીક’ સપ્તાહિકે પણ ગાંધીજીને એના કવરપેજ પર પ્રગટ કર્યા હતા..અને તમને પેલી ગાંધીજીની રેટિંયો કાંતતી તસવીર જરૂર યાદ હશે જ… માર્ગારેટ બુર્કી વ્હાઈટ દ્વારા ક્લિક કરવામાં આવેલી એ વર્લ્ડફેમસ તસવીર વિખ્યાત ‘લાઈફ’ મેગેઝિને એના કવર પર પ્રગટ કરી હતી !
વડા પ્રધાન મોદીજીએ તાજેતરમાં એવો પણ અફસોસ વ્યકત કર્યો હતી કે માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) અને દક્ષિણ આફિકાના નેલ્સન મંડેલા જેટલા આપણા બાપુ જાણીતા ન થયા જો કે એ વાત પણ બરાબર નથી. આથી વિરુદ્ધ માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલાએ ખુદ એમનાં જાહેર પ્રવચનોમાં ગાંધીજીની સત્ય-અહિંસાની વિચારધારા એમની લડતમાં કેવી પ્રેરણામય અને ઉપકારક બની હતી એનો ખેલદિલી સાથે સ્વીકાર પણ કર્યો હતો..!
ખેર, ખ્યાલ અપના અપના બાકી એક જાણીતા જર્મન મેગેઝિન (ઊંહફમમયફિમફતિંભવ)માં ૧૯૨૦ થી ૧૯૪૦ સુધી ગાંધીજીનાં કાર્ટૂન પ્રગટ થતાં એ જોઈને બાપુ એમના બોખલા મોંએ હસતાં પણ ખરા..
આજે પણ પોતે કેટલા ‘જાણીતા-અજાણ્યા’ એની ચર્ચા સાંભળીને પણ ઉપર સ્વર્ગમાં બેઠેલા આપણા બાપુ જરૂર ખડખડાટ હસતાં હશે !