અન-ઇવન હેમલાઇન…
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર
માર્કેટમાં ઘણા ડ્રેસ એક સાઈડ ડ્રોપ થયેલા કે ઉપર-નીચે લેન્થવાળા જોયા હશે તેને ફેશનની ભાષામાં ‘અન-ઇવન હેમલાઇન’ કહે છે. હેમલાઈન એટલે ડ્રેસનો સૌથી નીચેનો ભાગ, જે સ્ટાઇલ પ્રમાણે બદલાયા કરે. ડ્રેસમાં અન-ઇવન હેમલાઇન ઘણી કોમન છે. આમ તો અન-ઇવન હેમલાઇનના ઘણા પ્રકાર છે, પરંતુ આપણે અહીં જે સૌથી વધારે સ્ટાઈલમાં છે તેના વિશે જાણીએ.
એ-લાઈન હેમલાઇન: એ – લાઈન હેમલાઇન એટલે આખો ડ્રેસ અ શેપમાં હોય એટલે કે, અપ્પર પોર્શન-ઉપરનો ભાગ નેરો અને નીચેનો પોર્શન અપ્પર પોર્શન કરતાં પહોળો હોય છે અને નીચેથી ડ્રેસ થોડો કર્વ હોય છે. આ હેમલાઇન કુર્તામાં અને કોટન ટોપ્સમાં ઘણી પ્રચલિત છે અને મોટાભાગે બધા જ બોડી શેપને આ એ- લાઈન હેમલાઇન સારી લાગે છે. એ- લાઈન હેમલાઇન એક નીટ લુક આપે છે. એ – લાઈન હેમલાઇનના ટોપ અને કુર્તીસ સાથે બોટમમાં કઈ પણ પહેરી શકાય, જેમકે, ડેનિમ, પ્લાઝો, લેગિંગ, જેગિંગ્સ સ્કર્ટ. એ – લાઈન હેમલાઇન મોટા ભાગે બધાજ આઉટફિટ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય.
હેન્ડકીયર્ચીફ હેમલાઇન: હેન્ડકીયર્ચીફ હેમલાઇન એટલે કે રૂમાલને જયારે સેન્ટરમાંથી પકડીએ ત્યારે જે ડિઝાઇન બને તેને ‘હેન્ડકીયર્ચીફ હેમલાઇન’ કહે છે.. હેન્ડકીયર્ચીફ હેમલાઇન કોટન અને ફલોઈ એમ બન્ને ફેબ્રિકમાં સારી લાગે છે. હેન્ડકીયર્ચીફ હેમલાઈનવાળા ટોપ્સ જો કોટન ફેબ્રિકમાં હોય તો તે બોટમમાંથી થોડો ફ્લ્ફી લુક આપે છે તેથી હેન્ડકીયર્ચીફ હેમલાઇનવાળા ટોપ સાથે બોટમમાં સ્કિની ડેનિમ પહેરી શકાય અથવા જેગિંગ કે લેગિંગ્સ પણ પહેરી શકાય. હેન્ડકીયર્ચીફ હેમલાઇન વેસ્ટર્ન લુક આપે છે. કૈક અલગ પહેરવું હોય ત્યારે તમે આ હેમલાઇનવાળા ટોપ્સ પહેરી શકો. હેન્ડકીયર્ચીફ હેમલાઇન લાંબી પાતળી યુવતી પર ખૂબ સુંદર લાગે છે. હાઈટ વધારે હોવાથી પેટર્ન સરખી દેખાય છે.
એ- સિમેટ્રિક હેમલાઇન : એ-સિમેટ્રિક હેમલાઇન એટલે જે હેમલાઇન સીધી ન હોય. જે હેમલાઇન થોડી ઊંચી – નીચી હોય તેને એ-સિમેટ્રિક હેમલાઇન કહે છે. એ- સિમેટ્રિક હેમલાઇન મોટા ભાગે વેસ્ટર્ન ટોપ્સમાં જોવા મળે છે. એ- સિમેટ્રિક હેમલાઇન સાથે વન શોલ્ડર પેટર્ન ઘણી સારી લાગે છે. એ – સિમેટ્રિક હેમલાઇન એટલે જો ટોપની ટોટલ લેન્થ ૪૨ હોય તો એક જ સાઈડની લેન્થ એટલે કે રાઈટ સાઈડની લેન્થ ૪૨ ઇંચ રાખવામાં આવે છે તો લેફ્ટ સાઈડની લેન્થ ૩૬ ઇંચ અથવા ૩૮ ઇંચ રાખવામાં આવે છે. એ-સિમેટ્રિક હેમલાઇન સાથે સ્ટ્રેટ પેન્ટ ખૂબ સ્માર્ટ લુક આપે છે. અને તેની સાથે હિલ્સ. જેમનું સુડોળ શરીર હોય એમની પર આ એ-સિમેટ્રિક હેમલાઇન ખૂબ જ ઊઠીને આવે છે. એ સિમેટ્રિક હેમલાઇન ટોપ સાથે બોટમમાં પ્લાઝો અથવા ઘાગરો પહેરી એક ઈન્ડો વેસ્ટર્ન લુક પણ આપી શકાય.
હાઈ-લો હેમલાઇન : હાઈ-લો હેમલાઇન એટલે જે હેમલાઇન એક સરખી ન હોય એટલે કે, ઉપર – નીચે હોય તેને હાઈ- લો ઇમલાઇન કહે છે. . આ હેમલાઇન ખાસ કરીને વેસ્ટર્ન ડ્રેસમાં, વેસ્ટર્ન ટોપમાં, કુર્તીસમાં અને ટ્યૂનિક્સમાં જોવા મળે છે. હાઈ-લો હેમલાઈન સાથે સ્લીક ટ્રાઉઝર કે સિગાર પેન્ટ સારા લાગશે. હાઈ-લો હેમલાઇન થોડી કર્વ હોય છે. હાઈ-લો હેમલાઇનના ડ્રેસ થોડી આગવી ઓળખ ઊભી કરે છે. અને જો આ હેમલાઈનમાં તમારે ગાઉન પહેરવો હોય તો તેની માટે એકે ચોક્કસ પર્સનાલિટીની જરૂર પડે છે. સુડોળ યંગ યુવતી હાઈ- લો હેમલાઇનના ઓવર સાઈઝ શર્ટ ડેનિમ શોર્ટ્સ સાથે પેહેરે છે. જે પાછળથી એમ જ લાગે કે માત્ર શર્ટ પહેર્યું છે પરંતુ આગળથી ખ્યાલ આવે કે શોર્ટ્સ પહેરી છે. જો તમે કોન્ફિડન્ટ હો તો જ હાઈ-લો હેમલાઇનના કપડાં પહેરવા. આ હેમલાઇનના કપડાં જો લાંબી પાતળી યુવતી પહેરે તો તેને વધારે સારા લાગશે. હાઈ-લો હેમલાઇનની કુર્તી સ્કિની ડેનિમ સાથે પહેરી એક અલગ ઓફિસ લુક આપી શકાય. આ કુર્તી સાથે ખાસ કરીને હિલ્સ પહેરવી જેથી કરી વધારે લાંબા દેખાય અને પેટર્ન વધારે સારી રીતે દેખાય.