લાડકી

ટીનએજર્સને આકર્ષતી આર્ટિફિશિયલ સુંદરતા કેવીક હોય છે છેતરામણી?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

તેર વર્ષની ખુશાલી આજકાલ બહુ નાખુશ રહેતી હતી. ખાસ કરીને ટીવી, મોબાઈલ, લેપટોપમાં અમુક દૃશ્યો જોઈ રીતસર ચિડાઈ ઊઠતી.

સ્ક્રિન પર લાંબા, રેશમી વાળ લહેરાવતી મોડેલ એને પોતાના વાળ તરફ નફરત ઉપજાવી દેતી. ‘ઈન્સ્ટાગ્રામ’ પર મખમલી ત્વચા સાથે મુક્તપણે મહાલતી ટ્રાવેલ બ્લોગર એને પોતાના ચહેરા સામે ઉબકો કરાવી દે. પોતાના ચહેરા પરના ડાઘ, હાથ-પગ પર વણજોઈતી રુવાંટી, ઘાટઘૂટ વિનાનું શરીર ખુશાલીથી સહન નહોતું થતું. એનું કારણ એ જ કે, ખુશાલીને પોતે જેવી છે એના કરતાં સ્ક્રીન પર દેખાતી મોડેલ્સ કે એકટ્રેસ જેવો સેલિબ્રિટી લુક એને જોઈતો હતો.

ખુશાલીને જાત જાતના મેકઅપનો સામાન ભેગા કરવાનો અતિશય શોખ. એ જે પણ એડવર્ટાઈઝમેન્ટ કે મુવીઝમાં જુએ એ બધું એને જોઈતું હોય. એમાં પણ હવે તો સોશિયલ મીડિયા પર ‘ઈન્સ્ટાગ્રામ’ જેવી એપ્સમાં જે રીતે ઈન્ફ્લ્યુન્સરનો રાફડો ફાટ્યો છે એ જોઈને તો ખુશાલીને એવું થયા રાખે કે પોતાનો ચહેરો આવો કેમ નથી? પોતાની ત્વચા મુલાયમ, સુંવાળી, નિછંટ ગોરી કેમ નથી લાગતી? આંખો કેમ કાજળઘેરી નથી? વાળ કાળા, લાંબા, લીસ્સા કે શાઈની કેમ નથી? આ પ્રશ્નોના જવાબ નથી ખુશાલીની મમ્મી મીરા પાસે કે નથી એની પોતાની પાસે. હમણાંથી તો પોતે ખૂબ પ્રયત્ન કરે છે પણ તેમ છતાં જે સ્ક્રિન પર દેખાય છે એવી સુંદરતાની માલકીન પોતે કેમ નહીં બની શકતી હોય એ વિચારે ખુશાલીનું મન સતત કોર્યા કરે છે. ધીમે-ધીમે એ રીતસર જાતને ધિક્કારવા લાગી, મોબાઈલમાં સ્નેપ ચેટ જેવી એપ્સ પર પોતાના ફિલ્ટર વાપરેલા ફોટોગ્રાફ્સ જેવી એ અરીસામાં કેમ નથી દેખાતી એ પ્રશ્ન મમ્મી મીરાને વારંવાર કર્યા કરતી ખુશાલી જાતને વાસ્તવિકતાથી દૂર ફંટાતી ગઈ.

એક દિવસ અચાનક તરસ્યાને પાણી મળે એમ મીરાને કોઈ સોશ્યલ ઈવેન્ટમાં મોડેલિંગ માટે આવેલી લવલીન મળી. લવલીન નાની હતી ત્યારે પડોશમાં થોડો સમય રહેવા આવેલી, પણ આજે એને જોઈ મીરાને થયું કે ખુશાલીને કદાચ એ કંઈક સમજાવી શકે. મીરાના આગ્રહવશ લવલીન ખાસ ખુશાલીને મળવા ઘેર આવી. રસ્તામાં મીરાએ આખી પરિસ્થિતિનો ચિતાર આપી જ દીધેલો એટલે થોડીવાર ‘હાઈ-હેલ્લો’ કર્યા પછી લવલીન સીધી મુદ્દા પર આવી, ‘જો ખુશાલી, દરેક ટીનેજર ગર્લ જે પોતાના રૂમના અરીસા સામે જોઈ એવું વિચારે છે કે પોતે કોઈ સેલિબ્રિટી જેવી કેમ દેખાતી નથી એને જાણવું બહુ જરૂરી બની રહે છે કે કોઈપણ યુવતી કે સ્ત્રી સેલિબ્રિટી લુક સાથે સવારે ઊઠતી નથી. કેમેરા સામે આવતા કે જાહેરમાં સુંદરતાના પર્યાયસમા દેખાતા શો-બિઝનેસમાં રહેતા કોઈપણ એકટરની સાચી હકીકત શું હોય છે એ ખ્યાલ છે તને?’

ખુશાલીએ નકારમાં ડોકું ધુણાવ્યું એટલે લવલીને આત્મિયતા સાથે આગળ ચલાવ્યું: ‘મોટાભાગે કોઈપણ પબ્લિક એપિરિયન્સ પહેલા દોઢેક કલાક મેકઅપ ચેર પર બેસી રહેવું પડે છે. પાંચ-સાત માણસ તમારા વાળ અને ચહેરા પર મેકઅપ તેમજ પ્રોફેશનલ ટચ આપવા માટે રોકાયેલા હોય અને તમારી આંખો તેમજ નાક-નકશાને વધુ કામણગારા બનાવવા પર કામ કરતા હોય છે. લગભગ દર અઠવાડિયે તમારે શરીરના અલગ-અલગ ભાગો પર નીતનવા પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતી રહેવી પડે છે અને ત્યારબાદ આવા આર્ટિફિશિયલ ઓપ સાથે તમે કેમેરા સામે આવી શકો છો. ખુશાલી, તારા જેવી ટીનએજ છોકરીઓ શો બિઝનેસ, ફેશન તેમજ સિને જગતની સ્ત્રીઓમાંથી છલકતી આવી કૃત્રિમ સુંદરતાને સાચી માની પોતાના કુદરતી સૌંદર્યને વખોડવામાં કશું જ બાકી રાખતી નથી, પણ, તને ખ્યાલ નહીં હોય કે આજકાલ માત્ર ચહેરા પર જ નહીં, શરીરના અન્ય ભાગો પર પણ મેકઅપના થર લગાવવામાં આવે છે તો શું દરરોજની જીવનશૈલીમાં કોઈપણ ટીનેજર માટે આવું કરવું શક્ય છે? અને શક્ય હોય તો પણ શું હિતાવહ છે ખરું ? એ પ્રશ્ર્ન પહેલા જાતને પૂછવો ખૂબ જરૂરી છે. અને હા, અમુક પ્રકારે સુંદરતા જાળવી રાખવા તમારે લગભગ દરરોજ વહેલી સવારે ઉઠવું પડે, એક્સરસાઈઝ, એરોબિક, યોગા, આકરા જીમ સેશન કરવા પડે. શું ખાવું, શું બોલવું, શું જોવું, શું કહેવું આ બધું જ અન્ય વ્યક્તિઓ તમારા માટે નક્કી કરતા હોય. કઈ કઈ વસ્તુઓ તમારા ચહેરા પર ઠલવાશે એ પણ ટીમ નક્કી કરતી હોય. કેવાં અને ક્યાં કપડાં તમે પહેરશો એ પણ કોઈ બીજું નક્કી કરતું હોય ત્યારે વિચારી જો , કે એમને બિન્દાસ જીવન કેટલું કિંમતી લાગતું હશે!’ હળવા નિ:સાસા સાથે લવલીન બોલી ઉઠી.

એકલી લવલીન કેટલું બોલશે એમ માની મીરાએ વચ્ચે ટાપસી પુરાવી :
અરે, જ્યારે એમના ફોટોગ્રાફ્સ કે વિડિયોઝ લેવામાં આવે છે ત્યારે જાત-જાતના કેમેરા એંગલ્સ, લાઇટિંગ અને એડિટિંગ એપ્સનો ઉમેરો કરી એમનો અવાજ, સ્માઈલ, આંખો, વાળ, ત્વચા દરેકેદરેક પર ફોકસ કરી અને તમારી સામે એક એવું ચિત્ર રજૂ કરવામાં આવે છે જે કુદરતી રીતે ક્યારેય શક્ય નથી.

સાચી વાતને લવલીન?’

લવલીને હકારમાં પ્રતિભાવ આપી તુરંત જ ખુશાલીને કન્વિન્સ કરવાનો છેલ્લો પ્રયત્ન કર્યો.

હાથમાં રહેલા મેગેઝિન કવરને બતાવી એ બોલી, મેં પહેલા પણ કહેલું છે અને હજુ પણ કહું છું કે, રોજ આવી મોડેલ જેવું દેખાવા માટે એક ખાસ બ્યુટિ આર્મીની જરૂર પડે. ખૂબ બધા પૈસાની સાથોસાથ બેસુમાર સમય એક ફિમેલ સેલિબ્રિટી બનવા માટે જરૂરી છે, પણ એ રિયાલિસ્ટિક એટલે કે, વાસ્તવિક નથી એનાથી એસ્પાયર થવાની કે અંજાય જવાની બિલકુલ જરૂર નથી. તમે જાતને દુનિયા સમક્ષ કોન્ફિડન્સથી રજૂ કરો તો તમે પણ ચાર્મિંગ લાગી શકો છો, બિન્દાસ્ત રહી શકો છો, ખુશ રહી શકો છો, તમારે કામ કરવા માટે કોઈ ખાસ દેખાવની જરૂર નથી.

એટલે હવે ‘હું મોડેલ કે સેલેબ્રિટી જેવી નથી લાગતી’ એવા ભ્રામક ખ્યાલમાંથી બહાર નીકળ અને જો કોઈ તારા જેવી ટીનએજ ગર્લને મેગેઝિનના કવર પર જો તો યાદ રાખજે કે આ દેખાવ છેતરામણો છે. તારી જાતને આત્મવિશ્વાસથી જો. કોઈની સાથે સરખામણી કરવા કરતા નચિંતપણે જીંદગી જીવી લે.

ખેર, લવલીનના શબ્દોએ ખુશાલી પર કેવી અસર કરી એ તો સમય નક્કી કરશે, પણ આર્ટિફિશિયલ સુંદરતા તરફની ટીનએજરમાં વધતી ઘેલછાને નાથવા નક્કર પગલાં લેવાની શરૂઆત વહેલી તકે કરવી પડે એમ છે એ નક્કી.

આશરે ૮૫૧ શબ્દ

સાથેના ફોટામાંથી એક વાપરવો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button