હું મારા દીકરાની પહેલી ફિલ્મ જોવા જીવી ન શકી
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
નામ: ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)
સ્થળ: પાલી હિલ, બાન્દ્રા-મુંબઈ
સમય: બીજી મે, ૧૯૮૧
ઉંમર: ૫૧ વર્ષ
(ભાગ: ૬)
સંજય જ્યારે સ્કૂલથી પાછો આવ્યા ત્યારે એણે આગળ ભણવાની ના પાડી દીધી. એણે કહ્યું કે, એને ભણવામાં જરાય રસ નહોતો. હું તો એને ડોક્ટર બનાવવા માગતી હતી, પરંતુ એણે એક દિવસ અભિનેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. સુનીલને બહુ ગમ્યું નહીં, પરંતુ અભિનેતાની જિંદગી અસુરક્ષિત અને કેટલી તકલીફદાયક છે એની અમને બંનેને ખબર હતી. સુનીલે એને બિઝનેસ શરૂ કરી આપવાની કોશિશ કરી, પરંતુ સંજય એ માટે તૈયાર નહોતો.
મુંબઈ આવ્યા પછી એ ભાગ્યે જ ઘરમાં રહેતો. એ જે પ્રકારના લોકો સાથે ફરતો એ જોઈને મને બહુ ચિંતા થતી, પણ હવે એ પુખ્ત થઈ ચૂક્યો હતો, એટલે બહુ વધારે કહેવું પણ યોગ્ય નહોતું લાગતું મને. એક સમય એવો આવ્યો જ્યારે સુનીલે પણ સ્વીકારી લીધું કે સંજયે પોતાની કારકિર્દીમાં જે કરવું હોય તે કરે. અમારા એક પારિવારિક મિત્ર અમરજીતનો સંપર્ક કરીને એણે અજંતા આર્ટમાંથી સંજયની પહેલી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સુનીલ જાતે સંજયની ફિલ્મ ડિરેક્ટ કરશે એવું નક્કી કર્યું. મારે માટે એ જિંદગીનો સૌથી આનંદદાયક દિવસ હતો. ધામધૂમથી મુહૂર્ત કરવામાં આવ્યું અને ‘રોકી’નું નિર્માણ શરૂ થયું, પરંતુ એ જ દિવસોમાં હું સખત બીમાર પડી. મને અમેરિકા લઈ જવામાં આવી.
હું શ્લોન કેટેરિંગ હોસ્પિટલના પલંગ પર પડી પડી વિચારતી, કૅન્સર થવાનાં શું કારણો હોઈ શકે? અને જ્યારે વિચારતી ત્યારે મને સમજાતું કે, મેં મારી આખી જિંદગીનો મોટાભાગનો સમય ટેન્શન અને પીડામાં કાઢ્યો. રાજ સાથેના સંબંધોના સમયે લગભગ ૧૦ વર્ષ સુધી હું મારી જાતને રોજ પૂછતી, હું શું કરી રહી છું? શા માટે આ સંબંધમાં બંધાઈને હું ‘બીજી સ્ત્રી’નું લેબલ સ્વીકારું છું? મારો આખો પરિવાર, મારા ભાઈ, ભાભીઓ અને બાળકો સહિત બધા મારા પર આધારિત હતાં. ત્યારે પણ ઘણીવાર મને વિચાર આવતો કે, હું શા માટે મારો વિચાર નથી કરતી, પરંતુ આ બધા સવાલોના મારી પાસે કોઈ જવાબ નહોતા. બલરાજજી મારા જીવનમાં આવ્યા એ પછી જીવન સરળ ચોક્કસ બન્યું, પરંતુ સંજયની ચિંતાએ મને એ સુખ માણવા ન દીધું.
શ્લોન્સના એ દિવસો મારી જિંદગીના સૌથી ભયાનક દિવસો હતા. જાતજાતના ટેસ્ટ ચાલતા રહેતા. હું સુનીલજીને પૂછતી કે, આ બધું શું થઈ રહ્યું છે? પણ એ જવાબ ન આપતા. મેં એકવાર એમને કહ્યું કે, મારે તો નર્સ બનવું હતું. મને મેડિકલનું થોડું ઘણું જ્ઞાન છે. હું સમજી શકું છું કે મને જે થઈ રહ્યું છે એ કોઈ સામાન્ય બીમારી નથી. હું ઘણા દિવસો સુધી બેભાન રહેતી. ભાનમાં આવતી ત્યારે સમયનો ખ્યાલ ન રહેતો.
એક તરફ ‘રોકી’નું શુટિંગ અને બીજી તરફ મારી બીમારી. મારો દીકરો ધીમે ધીમે સેટલ થઈ રહ્યો છે એથી વધુ આનંદની વાત મારે માટે કઈ હોઈ શકે? હું શ્લોન્સથી ફોન કરીને સંજયના ખબર પૂછતી રહેતી. સુનીલે ગુલશન રાયને સંજયની બીજી ફિલ્મ માટે પણ રાજી કરી દીધા. ‘યુદ્ધ’ નામ ફિલ્મની જાહેરાત થઈ, જેને માટે સંજયને ૨૫ હજારનો ચેક આપવામાં આવ્યો અને શિરોકમાં એની પાર્ટી યોજાઈ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ દરેક જાણીતા લોકો ત્યાં હાજર હતા. એ દિવસે સુનીલને પણ મેં ખૂબ આનંદમાં અને સંતુષ્ટ જોયા, પરંતુ એ ફિલ્મ ક્યારેય બની જ નહીં કારણ કે, સંજય ડ્રગ્સના એવા રવાડે ચડ્યો હતો કે ‘રોકી’ના શુટિંગ પર અમને ખૂબ તકલીફ પડતી. ગુલશન રાયના દીકરા રાજીવ રાયે આ બધું એણે એના પિતાને જણાવ્યું કે, સંજય સાથે બીજી ફિલ્મ કરવી ખતરનાક પુરવાર થશે. અંતે, ‘યુદ્ધ’નું નિર્માણ અટકાવી દેવામાં આવ્યું. હું તો અમેરિકા હતી હોસ્પિટલમાં. ત્રણ મહિના સુધી જ્યારે હું બેહોશ રહી ત્યારે સુનીલે નમ્રતા અને પ્રિયાને બોલાવી લીધા. એક નાનકડું ઓપરેશન કરવાથી કદાચ પરિસ્થિતિ બદલાઈ શકે એમ હતી, પરંતુ ડોક્ટર એ વિશે કોઈ વચન આપવા તૈયાર નહોતા. મારી પીઠ પર છાલા પડી ગયા હતા. મારી હાલત જોઈને મારી દીકરીઓ ડરી ગઈ. એમણે સુનીલને કહ્યું કે, ઓપરેશન કરવું જ જોઈએ. સુનીલે ઓપરેશન કરવાનો નિર્ણય તો લીધો, પણ ‘રોકી’ના શુટિંગને કારણે એ અમેરિકા રોકાઈ શકે એમ નહોતા. નમ્રતા અને પ્રિયાને મારી પાસે મૂકીને તેં ‘રોકી’નું છેલ્લું શિડ્યુઅલ પૂરું કરવા ગયા. મારી હાલત બગડતી જતી હતી. ઓપરેશનથી પણ કંઈ ફેર પડ્યો નહીં ત્યારે સુનીલે મને મુંબઈ લઈ આવવાનો નિર્ણય કર્યો. મને મુંબઈ લાવવામાં આવી. એરપોર્ટથી સીધી બ્રિચ કેન્ડીમાં લઈ જવામાં આવી. પછી ઘરે શિફ્ટ કરી. સુનીલે ઘરમાં જ હોસ્પિટલ જેવો રૂમ તૈયાર કર્યો. મારા સ્વાસ્થ્યનો પૂરો ખ્યાલ રાખી શકાય એવી રીતે ગોઠવણી કરવામાં આવી. એક અલગથી ડ્રોઈંગ રૂમ બનાવવામાં આવ્યો જે મને મળવા કે જોવા આવનાર લોકો માટે હતો. બહુ ઓછા જ લોકોને મારા સુધી આવવા દેવામાં આવતા. સંજય મારી પાસે આવતો જ નહીં. દિવસમાં એકવાર આવીને મને મળે ત્યારે મને એને જોઈને વધારે ચિંતા થતી. હું સુનીલને વારંવાર કહેતી, સંજય કેમ આવો છે? ત્યાં સુધીમાં કદાચ સુનીલ સમજી ગયા હતા કે, પરિસ્થિતિ શું છે, પરંતુ એ મને કહેવાનું ટાળતા હતા. હું કદાચ, સંજયની આ હાલત વિશે જાણીને વધુ દુ:ખી થઈશ એમ માનીને સહુ મારાથી છુપાવતા હતા અને જેમ સહુ છુપાવતા એમ મને વધુ ચિંતા થતી. કારણ કે, મારી હાલત બહુ જ નાજુક હતી. મારી બહેનની દીકરી ઝાહિદા એકવાર મળવા આવી ત્યારે મેં એને કહ્યું, સંજયને તારા માટે બહુ પ્રેમ છે. તું એને પૂછ, એ ડ્રગ્સ કરે છે કે નહીં. ઝાહિદા સંજયને બહાર લઈ ગઈ. એણે સંજય પાસે સોગંધ લેવડાવ્યા ત્યારે એણે મારા સોગંધ ખાઈને કહ્યું કે, એ ડ્રગ્સ નથી કરતો, પણ એ સાચું નહોતું.
હવે માત્ર એટલી જ કાળજી લેવાની હતી કે, હું નિરાંતે અને ઓછામાં ઓછી પીડા સાથે આ શરીર છોડું. સાજા થવાની તમામ સંભાવનાઓ પૂરી થઈ ગઈ હતી એ વાત મને પણ સમજાવા લાગી હતી.
‘રોકી’ પૂરું થઈ ગયું હતું. રિલીઝની તૈયારી ચાલતી હતી. આ એવો સમય હતો જ્યારે સંજયે પોતાના પિતાની સાથે ઊભા રહેવું જોઈતું હતું. એને બદલે સંજયને શોધવા એના મિત્રોને ત્યાં ફોન કરવા પડતા. ક્યારેક આખી રાત ઘરે ના આવતો. સુનીલ જાગતા બેસી રહેતા. મને જ્યારે આવું કશું બન્યાની જાણ થાય ત્યારે હું વધુ ચિંતા કરતી. મારી તબિયત વધુ બગડતી અને સુનીલ માટે પરિસ્થિતિ વધુ અઘરી બની જતી. હું સમજી શકું છું કે એ સમયે સુનીલ પર શું વિતી હશે.
સહુ ડોક્ટર્સે હાથ ધોઈ નાખ્યા. એ નક્કી થઈ ગયું કે હવે હું બચી શકું એમ નથી. સુનીલે ‘રોકી’ની રિલીઝની તારીખ આગળ લાવવાનો પ્રયાસ કર્યો, પણ સંજયની બેદરકારીને કારણે ફિલ્મનું ડબિંગ પૂરું ન થઈ શક્યું.
મારા શ્ર્વાસ માત્ર ‘રોકી’ની રિલીઝ માટે ટક્યા હતા એમ કહું તો ચાલે, પરંતુ ઉપરવાળાને કંઈ અલગ જ મંજૂર હતું. મારા વધારે પડતા પ્રેમને કારણે સંજય જે રીતે બગડ્યો એની સજારૂપે હોય કે પછી સુનીલજીના દુ:ખનો હિસાબ બરાબર કરવા માટે ઉપરવાળાએ મને ‘રોકી’ની રિલીઝના ત્રણ દિવસ પહેલાં આ જગત છોડવા માટે મજબૂર કરી.
‘રોકી’ રિલીઝ થઈ, સુપરહિટ થઈ, પરંતુ એ જોવા માટે હું આ દુનિયામાં નહોતી!
એ પછી સંજયના જીવનમાં અનેક ઉતારચઢાવ આવ્યા, પરંતુ આજે સંજય જ્યાં છે અને જેમ છે તેમ સુખી છે એમ માનું છું. એક માનું હૃદય હંમેશાં એની ચિંતા કરતું રહેશે…
પ્રિયાના લગ્ન સુનીલજીના મિત્ર રાજેન્દ્રકુમારના દીકરા સાથે થયા. ‘રોકી’ અને ‘લવ સ્ટોરી’ સાથે જ રિલીઝ થઈ હતી. એ સમયે કુમાર ગૌરવ સ્ટાર હતા, પરંતુ એણે ફિલ્મી દુનિયા છોડીને રાજેન્દ્રકુમારના બીજા વ્યવસાયમાં રસ લેવાનું શરૂ કર્યું. ડબિંગ સ્ટુડિયો, હોટેલ અને બીજી પ્રોપર્ટી સાચવવાનું કામ ગૌરવે સંભાળી લીધું. નમ્રતાએ પણ પિતાની સાથે થોડું કામ કર્યું, પરંતુ એ નરગિસ દત્ત ફાઉન્ડેશનની કાળજી લઈ રહી છે.
આ મારી કથા છે, ફાતિમા રાશીદ ઉર્ફે નિર્મલા દત્ત ઉર્ફે અભિનેત્રી નરગિસની કહાણી. હજી ઘણું છે એ કહી શકાયું નથી. અમારા લગ્નજીવનના પુસ્તક ‘ડાર્લિંગજી’માં કિશ્ર્વર દેસાઈએ નમ્રતાની ડાયરી, મારા પત્રો અને બીજી કેટલીય વાતો પર રિસર્ચ કરીને અમારી જીવનકથા લખી. ક્યારેક સમય મળે તો જરૂર વાંચજો. (સમાપ્ત)