ગુનાહો પર શરમિન્દા થવું: અલ્લાહે પ્રાયશ્ર્ચિત દ્વારા માફીના દરવાજા ખુલ્લા રાખ્યા છે
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
ગુનાહો પર શરમિન્દા થવું અને ફરીવાર ગુનાહ ન કરવાની ખાતરી આપવા સાથે પ્રાયશ્ર્ચિત કરવું અને અલ્લાહ પાસે ક્ષમાની યાચના કરવાનું નામ ‘તૌબા’ છે. ઈન્સાન એમ સમજે કે મારી ખતા (કૃત્ય) પર ખુદાતઆલા નારાજ થશે. જેમ કે એક ગુલામ તેના આકાની મરજી વિરુદ્ધ કોઈ કામ કરે અને એ વાતથી ગાફેલ (બેખબર, અજાણ) રહે કે તેનો માલિક તેને જોઈ રહ્યો છે! ઈન્સાન જ્યારે એ અહેસાસ (અનુભૂતિ) કરે કે તે જે કાંઈ કરી રહ્યો છે તે અલ્લાહ જોઈ રહ્યો છે, તે વેળા તે પોતાના કામ પર સખત પશેમાન (શરમિન્દો) થાય છે. દાખલા તરીકે એક વેપારી કોઈની સાથે સોદો કરે અને પોતાની તમામ પૂંજી પણ તેને હવાલે કરી દે અને કરજદાર થઈ જાય તો તે પોતાના એ સોદા પર કેટલો પસ્તાવો કરશે? ખાસ કરીને તે વેળાએ વધારે પસ્તાવો કરશે, જ્યારે તેને તેના કોઈ સમજદાર મિત્રે પહેલાં પણ સમજાવ્યો હતો અને એવું કરવાથી રોક્યો હતો – અટકાવ્યો હતો. આનું ઉદાહરણ તે બીમાર જેવો છે કે જેને ડૉક્ટરે કોઈ વસ્તુ ખાવાથી અટકાવ્યો હોય અને તો પણ તે મના કરેલી વસ્તુને ખાઈ લે અને વધારે માંદો પડી જાય, તો તે વેળાએ શરમિન્દી સિવાય, પસ્તાવા સિવાય કંઈ જ હાંસલ નહીં થાય. પરવરદિગાર પર, પયગંબરો, અંબિયાઓ (સંદેશવાહકો)ના કથનો, સુકૃત્યો પર, આદેશો-ઉપદેશો પર જેટલો યકીન હશે તેટલી જ ગુનાઓ પર પશેમાની થશે અને પ્રત્યેક પળે તેના મનમા હસરત (ઉમ્મીદ)ની આગ જલતી રહેશે, તેની ગુનાહ પર હસરત (આશ, ઈચ્છા) અને નિદામત (પશ્ર્ચાતાપ) કરવાની સાથે સાથે એ જરૂરી છે કે માનવી હવે પછીને માટે ગુનાહને છોડી મુકવાનો મજબૂત ઈરાદો ન રાખતો હોય તો જણાશે કે તે હકીકતમાં ગુનાહ પર શરમિન્દાથી નથી થયો.
અમીરૂલ મોમિનીન હઝરત અલી અલૈયહિ સલ્લામ ફરમાવે છે કે – ‘એવું નથી બની શકતું કે કોઈ માણસ નાદિમ (અફસોસ) થયો હોય અને ગુનાહોને છોડી મુક્યા ન હોય. ગુનાહ પર જ્યારે પ્રાયશ્ર્ચિત કરે ત્યારે એ જરૂરી છે કે તેને છોડી મુકવાનો નિર્ધાર કરે અને પ્રયત્ન કરે કે જો એ ગુનાહ ખુદાના હક અંગે હતો, જેમ કે નમાઝ, રોજા, ઝકાત, હજની અદાયગી કરી શક્યો ન હોય તો તવબહ કર્યા પછી એ બધાની કઝા (અદા કરી દેવી) બજાવી લાવે અગર ઈન્સાનના હક અંગેની બાબત હતી જેમ કે કોઈનો માલ પચાવી પાડ્યો હતો, તો તે શખસને પાછો કરી દે. અગર તે માલનો માલિક જીવંત ન હોત તો તે માલ તેના વારસદારોને હવાલે કરી દે. અગર તેના વારસોને જાણતો ન હોય તો જેનો માલ પચાવી પાડ્યો હોય તેના તરફથી હાજતમંદોને ખેરાત (દાન) કરી દે.
કોઈની ઈજ્જત-આબરૂ પર હુમલો કર્યો હોય, બટ્ટો લગાવ્યો હોય તો તેની માફી માગીને તેને રાજી કરવાની પૂરેપૂરી કોશિશ કરે. તૌબા કરે, પ્રાયશ્ર્ચિત કરે.
- અલ્લાહતઆલાએ તૌબા દ્વારા માફીના દરવાજા ખુલ્લા રાખ્યા છે. સતત તૌબા કરતા રહો – એક બનો, નેક બનો, બંને જહાંને આબાદ કરનારા બનો (આમીન)
માણસ માત્રમાં આ ખૂબીઓ અનિવાર્ય:
પયગંબરે ઈસ્લામ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વઆલેહિ સલ્લામ (સ.અ.વ.)એ હઝરત અબૂ અબ્દુલ્લાહ રદિયલાહો અન્હો (રદિ. અન્હો)ને ફરમાવ્યું કે ‘અમો તેને ચાહીએ છીએ જે અકલમંદ છે, સમજદાર છે, મળતાવડો છે, હુન્નરમંદ છે, સાબિર (ધૈર્યવાન) છે, સાચો છે અને વફાદાર છે. ચોક્કસ અલ્લાહતઆલાએ પયગંબરો અલૈયહિ સલ્લામ (અ.સ.)ને સર્વોત્તમ સદ્ગુણોથી સુશોભિત કર્યા છે.
જેમનામાં આ અખ્લાકી ખુસૂસિયાત એટલે કે નૈતિક વિશિષ્ઠતાઓ છે તેમણે એના માટે અલ્લાહતઆલાની હમ્દ (પ્રશંસા) કરવી જોઈએ અને જેમની માંહે એ નથી તેમણે અલ્લાહ પાસે કરગરી કરગરીને એવી દુઆ માગવી જોઈએ કે એ ખૂબીઓ એમનામાં પેદા થઈ જાય…!’
આપ – હુઝૂરે અનવર (સ.અ.વ.)ને મેં અરજ વ્યક્ત કરી કે એ ખૂબીઓ કઈ છે?’ આપ (સ.અ.વ.)- એ ફરમાવ્યું.
- પરહેઝગારી (સદાચાર)
- કિનાઅત (સંતોષવૃત્તિ)
- સબ્ર (ધૈર્ય, ધીરજ)
- શુક્ર (આભારીપણું)
- મિલનસારી (મળતાવડો સ્વભાવ),
- શર્મ (લાજ, શરમ)
- સખાવત (ઉદારતા)
- બહાદુરી (વીરતા),
- ગૈરત (સ્વમાન, આબરૂભાન)
- નેકી (ભલાઈ)
- રાસ્તગુફતારી (સત્યવચન) અને
- અમાનતની અદાયણી અર્થાત્ વિશ્ર્વાસઘાત ન કરવો. (હવાલો: વસાઈલુસ શીઆ, ભાગ ૬, પૃષ્ઠ ૧૫૫.)
સાપ્તાહિક સંદેશ
- નિ:સંશય આકાશો તથા પૃથ્વીના સર્જનમાં તથા
- રાત અને દિવસના ક્રમમાં અને
- તે વહાણોમાં કે જે સમુદ્રમાં લોકોપયોગી સામાનની સાથે તરતા ફરે છે, જે વડે
- પૃથ્વીને તેના મરણ પછી પુન: સજીવન કરીને
- દરેક પ્રકારના પ્રાણી માત્રને તેમાં મોટી સંખ્યામાં ફેલાવી દે છે, અને * વાયુઓના ફેરફારમાં તથા
- વાદળાઓમાં કે જે આકાશો અને પૃથ્વી વચ્ચે અલ્લાહની આજ્ઞાને આધીન રહી છવાઈ રહે છે.
- એ સર્વેમાં સમજ ધરાવનાર લોકો માટે ઘણી નિશાનીઓ મૌજૂદ છે. (ભાવાનુવાદ: સુરએ અલ-બકર આયત – શ્ર્લોક ૧૬૪)