નિપાહ વાયરસ કાબુમાં પણ ખતરો હજુ ટળ્યો નથી: કેરળના મુખ્ય પ્રધાન વિજયન
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસનો પ્રકોપ નિયંત્રણમાં છે, પરંતુ આ રોગનો ખતરો હજી સમાપ્ત થયો નથી. તેમણે કહ્યું કે હાલમાં નિપાહ ફાટી નીકળવાની બીજી લહેરની સંભાવનાને નકારી શકાય તેમ નથી. મુખ્ય પ્રધાને સમીક્ષા બેઠકની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “નિપાહનો ખતરો સંપૂર્ણપણે ટળી ગયો છે એવું કહી શકાય નહીં, પરંતુ રાહતની વાત એ છે કે આ રોગ વધુ લોકોમાં ફેલાયો નથી.”
તેમણે કહ્યું, “નિપાહ અંગે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે બીજી લહેરની શક્યતા ઘણી ઓછી છે પરંતુ તેને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. રાજ્યનું આરોગ્ય તંત્ર અસરકારક રીતે આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકી રહી છે. આરોગ્ય તંત્ર કાળજીપૂર્વક કામ કરી રહ્યું છે. વાયરસની વહેલાસર તપાસને કારણે ભયજનક સ્થિતિ ઉભી થઇ નથી.”
મુખ્ય પ્રધાને કહ્યું કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રીસર્ચ(ICMR) પણ કોઝિકોડ જિલ્લામાંથી નિપાહના કેસ શા માટે નોંધાઈ રહ્યા છે તેનો સ્પષ્ટ જવાબ આપી શક્યું નથી. 36 ચામાચીડિયાના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ કોઈ વાયરસ મળ્યો નથી અને આગામી દિવસોમાં વધુ નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે પોલીસની મદદથી પહેલા સંક્રમિત વ્યક્તિનો ‘રૂટ મેપ’ લેવામાં આવ્યો અને આ સ્થળોએથી ચામાચીડિયાના સેમ્પલ લેવામાં આવશે અને પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
મુખ્ય પ્રધાન વિજયને કહ્યું કે હાલમાં 994 લોકો દેખરેખ હેઠળ છે. તેમણે કહ્યું કે 304 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 267 લોકોના ટેસ્ટ રિઝલ્ટ મળ્યા છે. તેમણે કહ્યું કે છ લોકોમાં ચેપની પુષ્ટિ થઈ છે અને નવ લોકો કોઝિકોડ મેડિકલ કોલેજમાં નિરીક્ષણ હેઠળ છે.
અગાઉ 2018 અને 2021માં કોઝિકોડ જિલ્લામાંથી નિપાહના કેસ નોંધાયા હતા.