‘ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને પાકિસ્તાન વિશ્વ પાસે પૈસાની ભીખ માંગી રહ્યું છે…’: નવાઝ શરીફ
ઇસ્લામાબાદ: છેલ્લાં કેટલાંય સમયથી પાકિસ્તાન આર્થિક ભીંસમાં છે. પાકિસ્તાનમાં મોંઘવારી આકાશને આંબી રહી છે. ઇંધણ, વીજળી અને અનાજની કિંમતોમાં ભારે વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતી માટે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનના પૂર્વ લષ્કર પ્રમુખ અને ન્યાયાધીશને જવાબદાર ગણાવ્યા છે.
ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને પાકિસ્તાન વિશ્વ પાસે પૈસાની ભીખ માંગી રહ્યું છે એવું નિવેદન પણ નવાઝ શરીફે કર્યું છે. લંડનમાં સ્થાયી થયેલ નવાઝ શરીફે લાહોરમાં આયોજીત પક્ષની બેઠકમાં ઓનલાઇન હાજરી પુરાવી હતી. આ સમયે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં શરીફે કહ્યું કે, ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. ભારતે સફળતાથી જી-20 શિખર પરિષદનું આયોજન પણ કર્યું. અને પાકિસ્તાનના વડા પ્રધાન આખી દુનિયામાં પૈસાની ભીખ માંગી રહ્યા છે. ભારતે જે સફળતા મેળવી છે તે પાકિસ્તાન કેમ કરી નથી શકી?
ભારત સરકારે 1990ની સાલમાં આર્થિક સુધારા કર્યા હતાં. ભારત પાસે માત્ર એક અબજ ડોલર હતાં. પણ હવે ભારત પાસે વિદેશી ચલણનો ભંડાર છે. ભારત પાસે આજે 600 અબજ ડોલર છે. ભારત આજે ક્યાંનું ક્યા પહોંચી ગયું અને થોડા રુપિયા માટે ભીખ માંગનાર પાકિસ્તાન પાછળ કેમ રહી ગયું? આ પ્રશ્ન શરીફે ઉપસ્થિત કર્યો હતો.
દરમીયાન છેલ્લાં ચાર વર્ષથી લંડનમાં રહેનારા નવાઝ શરીફ પાકિસ્તાન પાછા ફરશે, 21મી ઓક્ટોબરના રોજ શરીફ પાકિસ્તાન આવશે તેવી જાણકારી પૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફે આપી હતી.