Share Bazar: શેરબજારમાં ફરી તેજી… સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીએ પણ છલાંગ મારી
મુંબઈ: ગઈ કાલે મંગળવારે જાહેર થયેલા લોકસભા ચૂંટણી(Lok Sabha election result)ના પરિણામ એક્ઝિટ પોલથી વિપરીત આવતા શેરબજારમાં કડાકો બોલ્યો હતો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)ના 30 શેરોવાળા સેન્સેક્સમાં 6000 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો નિફ્ટી-ફિફ્ટી 1900 પોઇન્ટ સુધી પડ્યો હતો. જોકે, બજાર બંધ થતાં સુધીમાં લગભગ 2000 પોઈન્ટ્સની રિકવરી જોવા મળી હતી. એવામાં, આજે બજાર ઉછાળા સાથે ખુલ્યું અને સેન્સેક્સ-નિફ્ટી બંને ઈન્ડેકસે ગ્રીન સિગ્નલ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું.
સવારે 9.15 વાગ્યે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 0.93 ટકા એટલે કે 672.84 પોઈન્ટના ઉછાળા સાથે 72,751 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 170.20 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.
શરૂઆતી ઉછાળા પછી થોડો સમય શેરબજારમાં વધઘટ જોવા મળી હતી, પરંતુ સવારે 11.30 વાગ્યા સુધીમાં શેરબજારે ફરી એકવાર ગતિ પકડી હતી અને BSE સેન્સેક્સ 2.45 ટકા એટલે કે 1,701.97 પોઈન્ટ્સના ઉછાળા સાથે 73,800.15ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી3.43 ટકા એટલે કે 530.85 પોઈન્ટ્સ વધીને 22,415.35 ના સ્તર પર ટ્રેડ થયો હતો.
ગઈ કાલે મંગળવારે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોનો સેન્સેક્સ 1700, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 400 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. પછી જેમ જેમ ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા તેમ તેમ બજાર તૂટવા લાગ્યું. બપોરે 12 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 6094 પોઈન્ટ અને નિફ્ટી પણ 1900 પોઈન્ટ સુધી ગગડી ગયો. જોકે, બજાર બંધ થયું ત્યાં સુધીમાં રિકવરી આવી હતી અને સેન્સેક્સ 72,079.05 પર બંધ થયો હતો અને નિફ્ટી 21,884.50ના સ્તરે બંધ થયો હતો. શેરબજારના રોકાણકારોને રૂ. 31 લાખ કરોડનું નુકસાન થયું છે.