…તો એવા વાહનચાલકોને મળશે ફાસ્ટ ટેગમાંથી કપાયેલા પૈસા પાછા

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા 16મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી ગણેશોત્સવ માટે કોંકણ જતા ગણેશ ભક્તો માટે ટોલ ટેક્સમાંથી માફી આપવાની જાહેરાત કરી હતી. જોકે, ટોલ બૂથ પર લગાવવામાં આવેલા ફાસ્ટ ટેગને કારણે પોતાની જાતે જ ટોલ નાકા પર ટોલની રકમ કપાઈ જાય છે. હવે આવા વાહનચાલકોએ એમના પૈસા પાછા અપાવવા માટે પરિવહન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા પહેલાંથી જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગણેશોત્સવ દરમિયાન કોંકણ જનારા વાહનચાલકોને ટોલ ટેક્સમાંથી માફી આપવામાં આવશે. પરંતુ કાર પર લગાવવામાં આવેલા ફાસ્ટ ટેગને કારણે ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે જાતે જ રકમ કપાઈ જાય છે. આને કારણે વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આ બાબતે પરિવહન વિભાગ દ્વારા FASTagમાંથી કાપવામાં આવેલી રકમ વાહનચાલકોને પાછી આપવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. ટોલ બૂથ પર ઘણા ગણેશભક્તોના વાહનો પર લગાવવામાં આવેલા ફાસ્ટેગમાંથી રકમ કપાઈ રહી છે. પાસ હોવા છતાં પણ પૈસા કપાઈ રહ્યા હોવાનું વાહનચાલકોનું કહેવું છે.
આ અંગે ફરિયાદો મળી રહી છે અને તે અંગેની માહિતી વાહનવ્યવહાર વિભાગ દ્વારા જાહેર બાંધકામ વિભાગને આપવામાં આવશે.
મળી રહેલી ફરિયાદો જાહેર બાંધકામ વિભાગને પત્રવ્યવહારની મદદથી મોકલવામાં આવશે.
ટ્રાફિક પોલીસ કમિશનર વિવેક ભીમનવર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વાહનચાલકોને ફાસ્ટ ટેગમાંથી તેમના કપાયેલા પૈસા પાછા મળશે.