મોદીની વ્યક્તિગત હાર, મતદારોએ ગેરંટીઓને ના સ્વીકારી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
લોકસભા ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને આ પરિણામોના કારણે ભાજપમાં સોપો પડી ગયો છે. ભાજપે અબ કી બાર ૪૦૦ કે પાર સૂત્ર રમતું કરેલું અને પોતાના માટે ૩૭૦ બેઠકનો તથા એનડીએ માટે ૪૦૦ પ્લસ બેઠકનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પરિણામોમાં ના ભાજપ ૩૭૦ બેઠકની નજીક દેખાઈ રહ્યો છે કે ના એનડીએ ૪૦૦ બેઠકને પાર થઈ છે. ભાજપ એકલા હાથે ૩૦૦ કરતાં વધારે બેઠક જીતીને પોતાની તાકાત પર સરકાર રચશે એવી આગાહીઓ થતી હતી.
આ આગાહીઓ પણ ધરાર ખોટી પડી છે ને ભાજપ સ્પષ્ટ બહુમતીથી વેંત નહીં પણ બે હાથ છેટો રહી ગયો છે. ભાજપને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૩૦૩ બેઠક મળી હતી જ્યારે આ વખતે ભાજપ ૨૪૩ બેઠક પર સમેટાઈને રહી ગયો છે. મતલબ કે, ભાજપની બેઠકોમાં ૬૦નો જંગી ઘટાડો થયો છે. ટકાવારીની રીતે ભાજપની બેઠકો ૨૦ ટકા ઘટી છે અને આ ઘટાડો બહુ મોટો કહેવાય.
ભાજપ તો લોકસભાની ચૂંટણી પહેલાં એન્ટિ-ઈન્કમ્બન્સીની કોઈ વાત જ નથી એવું છાતી ઠોકીને કહેતો હતો પણ એવું થયું નથી. ભાજપ કેન્દ્રમાં સત્તામાં હતો તેથી એન્ટિ- ઈન્કમ્બન્સીની અસર વર્તાય એવું માનીએ તો પણ એ પ્રમાણે પાંચેક ટકાની આસપાસ હોય તો ભાજપની પંદરેક બેઠક ઘટે. બહુ બહુ તો ૨૦ બેઠક ઘટે. આ સંજોગોમાં પણ બેઠકનો આંકડો ૨૮૦ની આસપાસ તો હોવો જ જોઈએ પણ તેના બદલે અત્યારે તો ભાજપ ૨૫૦ બેઠકથી પણ નીચે આવી ગયો છે. ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૨૮૨ બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ વખતે ભાજપ એટલી બેઠકો પણ મેળવી શક્યો નથી.
ભાજપ પોતાની તાકાત પર સરકાર રચે એવી શક્યતા નથી પણ ૨૫૦ બેઠકના આંકડાને પણ પાર કરે એવી શક્યતા નથી. નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ આબરૂ સાચવી લે તો જોરદાર દેખાવ કર્યો તેમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, બાકી ભાજપનો દેખાવ તો એવો વખાણવા જેવો નથી જ.
ભાજપ કેમ લથડી ગયો તેની ચોવટ અને ચર્ચા ચાલી રહી છે ને જુદાં જુદાં કારણો અપાઈ રહ્યાં છે. આ કારણોમાં કેટલાંક સાચાં છે, કેટલાંક ખોટાં છે પણ એક વાત જે કહેવી જોઈએ એ કોઈ બોલતું નથી. આ હાર ભાજપની નહીં પણ નરેન્દ્ર મોદીની હાર છે એ વાત કોઈ કહી રહ્યું નથી. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવીને સરકાર રચી હતી. ભાજપ માટે એ બંને ચૂંટણીમાં નરેન્દ્ર મોદી હીરો સાબિત થયા હતા એ સ્વીકારવું પડે પણ આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી હીરો સાબિત થયા નથી.
આ ચૂંટણીમાં ભાજપના પ્રચારના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી હતા. ભાજપનો આખો ચૂંટણીપ્રચાર મોદીલક્ષી હતો. ભાજપના નેતા તો એવું કહેતા હતા કે, અમે અત્યારે એટલા મજબૂત થઈ ગયા છીએ કે હવે અમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ જરૂર નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ એવું કહેલું કે, ભાજપ મોદીના કારણે અત્યારે એ સ્થિતિમાં છે કે પોતાની તાકાત પર જીતી શકે છે. મોદીને લોકો એટલો પ્રેમ કરે છે કે, ભાજપને ૩૭૦ કરતાં વધારે બેઠકો જીતીને ફરી સરકાર રચશે.
ભાજપનાં ચૂંટણીનાં પોસ્ટરમાં ક્યાંય ભાજપ આ વચન આપે છે એવું નહોતું કહેવાતું પણ મોદી કી ગેરંટી એવા શબ્દો ભાજપે વાપર્યા હતા. મોદી પોતે પણ ચૂંટણી સભાઓમાં છાતી ઠોકીને કહેતા હતા કે, યે મોદી કી ગેરંટી હૈ. ભાજપે મોદી કી ગેરંટીના નામે જાત જાતનાં વચનો આપ્યાં હતાં.
૩ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાથી માંડીને રાહત દરે ગેસ સિલિન્ડર આપવા સુધીની ગેરંટીઓ ભાજપે આપેલી. બીજાં પણ ઢગલાબંધ વચનો આપેલાં પણ લોકો પર તેની અસર નથી થઈ. ઓબીસી માટેની અનામત મુસ્લિમોને આપી દેશે, મહિલાઓનાં મંગળસૂત્ર છિનવીને મુસ્લિમોને આપી દેશે એવી વાતો પણ મોદીએ કરી હતી પણ લોકોએ આ વાતો સ્વીકારી નથી.
મોદી પોતે ભાજપ નહીં પણ પોતાના નામે જ ગેરંટીઓ આપતા હતા એ જોતાં ભાજપની જીત થઈ હોત તો એ જીત ભાજપની જીત નહીં પણ મોદીની જીત જ ગણાવાઈ હોત. હવે ભાજપ જીત્યો નથી અને સ્પષ્ટ બહુમતી મળી નથી ત્યારે જે પરિણામ આવ્યાં છે તેની જવાબદારી પણ મોદીની કહેવાય.
ભાજપના નેતાઓમાં તો એટલી નૈતિક હિંમત નથી કે આ વાત ખુલ્લેઆમ સ્વીકારે પણ મોદીએ એ હિંમત બતાવવી જોઈએ. મોદીએ સ્વીકારવું જોઈએ કે પ્રજામાં તેમની સ્વીકૃતિ ઘટી છે અને ૧૦ વર્ષના શાસન પછી હવે લોકોમાં તેમના માટે પહેલાં જેવો ભરોસો રહ્યો નથી.
આ પરિણામો એ રીતે પણ મહત્ત્વનાં છે કે, ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી હાર્યો હોય એવું પહેલી વાર બન્યું છે. મોદી ૨૦૦૧માં પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી ૨૦૦૨માં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે જીતાડીને ફરી સત્તામાં વાપસી કરાવી હતી. મોદીએ ૨૦૦૭ અને ૨૦૧૨માં ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી જીતાડીને હેટ્રિક કરી હતી. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવીને સરકાર રચી હતી.
આ ચૂંટણીમાં જીતીને નરેન્દ્ર મોદી ગુજરાતનો ઈતિહાસ દોહરાવશે અને ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે જીતાડીને ફરી વડા પ્રધાન બનશે એવું બધાં માનીને બેઠેલા પણ એ ધારણા ખોટી પડી છે પહેલી વાર એવું બન્યું છે કે, મોદીને નેતૃત્વમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી અને ભાજપે સરકાર રચવા માટે સાથી પક્ષો પર મદાર રાખવો પડશે. મોદીએ અત્યાર સુધી એકહથ્થુ સત્તા ચલાવી છે કેમ કે તેમની પાસે સ્પષ્ટ બહુમતી હતી. હવે સ્પષ્ટ બહુમતી નથી ત્યારે મોદી શું કરશે એ જોવાનું છે. મોદી સત્તા છોડે એ વાતમાં માલ નથી એ જોતાં એ સરકાર તો રચશે જ પણ એ સરકાર રચશે તો કેવી હશે એ જોવું રસપ્રદ હશે.
આ ચૂંટણીએ ભારતના મીડિયા અને ખાસ તો ટીવી ચેનલોની વિશ્ર્વસનિયતાના પણ ધજાગરા ઊડી ગયા છે એ જોતાં મીડિયા લોકોનો મિજાજ પારખવામાં સદંતર નિષ્ફળ ગયું છે તેમાં બેમત નથી એક્ઝિટ પોલ પણ સદંતર ખોટા પડ્યા છે. તેની પણ વાત હવે પછી કરીશું.