‘તમને મૅચનો ઇન્તેજાર છે અને અમે હુમલો કરવાની તૈયારીમાં’: ભારત-પાકિસ્તાન મૅચ પહેલાં કોણે આવું કહ્યું?
ન્યૂ યૉર્ક: અમેરિકામાં એક તરફ રવિવારે એક જ રાતમાં ચાર સ્થળે જાહેર જનતા પર ગોળીબારનો આતંક ગુજારવાની ગોઝારી ઘટના બની ત્યાં બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે નવમી જૂને ન્યૂ યૉર્કમાં રમાનારી હાઈ-પ્રોફાઇલ મૅચ વખતે ન્યૂ યૉર્કના સ્ટેડિયમમાં હુમલો કરવાની પોતે તૈયારી કરી રહ્યું હોવાની ધમકી આઇએસઆઇએસ (આઇસીસ) તરફી આતંકવાદી જૂથે આપી છે એટલે સમગ્ર અમેરિકામાં જ નહીં, ક્રિકેટજગતમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. થોડા દિવસ પહેલાં આ ટેરરિસ્ટ ગ્રૂપે સોશિયલ મીડિયા પર ફોટો રિલીઝ કર્યો હતો જેમાં એક આતંકવાદી ભારત-પાકિસ્તાનની નવમી જૂનની મૅચ દરમ્યાન ગન સાથે આગળ વધી રહ્યો હોય એવું બતાવાયું હતું અને ફોટો-કૅપ્શનમાં લખાયું હતું, ‘તમે મૅચનો ઇન્તેજાર કરી રહ્યા છો અને અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ.’
આતંકવાદી જૂથની આ કૅપ્શનનો અર્થ સ્ટેડિયમમાં કે અન્યત્ર ક્યાંય પણ મોટી સંખ્યામાં લોકોની હાજરી હોય ત્યાં ગોળીની વર્ષા વરસાવવાની તૈયારી થઈ રહી હોવાનું જણાવાયું હતું.
અમેરિકાના એક અખબારના અહેવાલ મુજબ ન્યૂ યૉર્ક પોલીસે નવમી જૂનની મૅચ દરમ્યાન દેખરેખ રાખવા સ્નાઇપર્સ ગોઠવ્યા છે. કોઈ તોફાની જૂથ પિચ ન બગાડી નાખે એ માટે પણ મેદાન પર સલામતીનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. નૅસોઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાદા ડ્રેસમાં પણ પોલીસ અધિકારીઓને ગોઠવવામાં આવ્યા છે. સ્ટેડિયમ સુધીના માર્ગો અને આઇઝનહોવર પાર્ક નજીકનો સમગ્ર વિસ્તાર જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે.
નૅસોઉ કાઉન્ટીના એક્ઝિક્યૂટિવ બ્રૂસ બ્લૅકમૅને કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાન મૅચ માટે લોકોનો ઇન્તેજાર અને ઉત્સાહ આટલો બધો હશે એ અમે ધાર્યું જ નહોતું. મને એવી જાણકારી મળી છે કે અંદાજે એક અબજ લોકો ટીવી પર આ મૅચ નિહાળશે. અમારા માટે આ અભૂતપૂર્વ પ્રચંડ ઉત્સાહ જ કહેવાય. મૅચ જોવા આવનારા લોકોને મારી સલાહ છે કે તમે ઘણા વહેલા આવી જજો અને બૅગ કે બૅકપૅક કારમાં છોડીને જ આવજો. એ બધુ તમને અંદર નહીં લઈ જવા દેવાય. વ્યાપક પ્રમાણમાં સ્ક્રીનિંગ થવાનું છે.’