નેશનલ
10 ka Dum: BJPના સપનાઓને રગદોળ્યા આ દસ રાજ્યએ
નવી દિલ્હીઃ અબકી બાર 400 પારના નારા લગાવી ચૂંટણી જંગમાં ભાજપે ઝંપલાવ્યું હતું, પરંતુ તેમને 300 બેઠક પણ મળવાની સંભાવના હાલ પૂરતી જણાતી નથી. ત્યારે 2014 અને 2019માં જે રાજ્યોએ બાજપને ખોબલે ખોબલે બેઠકો આપી હતી અને જ્યાંથી ફરીથી આવા પ્રતિસાદની અપેક્ષા હતી તે રાજ્યોએ ભાજપનું ગણિત બગાડી નાખ્યું છે. આવા દસ રાજ્યો છે જેમાં ભાજપની અપેક્ષા પ્રમાણે બેઠક મળી નથી.
- ઉત્તર પ્રદેશ
બધાની નજર ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટો પર છે. છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં ભાજપની જીતનો રસ્તો આ રાજ્ય બન્યું હતું. 2014માં ભાજપે 71 સીટો જીતી હતી, 2019માં 62 સીટો જીતી હતી. પરંતુ આ ચૂંટણીમાં એવું થતું જણાતું નથી. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે યુપીમાં ઈન્ડિયા ગઠબંધન 46થી 50 બેઠક લઈ જાય તેમ છે. ભાજપે 30થી 35 બેઠકથી સંતોષ માનવો પડશે. સમાજવાદી પક્ષ અને કૉંગ્રેસે ભાજપનો ખેલ બગાડી નાખ્યો છે. - બિહાર
બિહારમાં પણ મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. અહીં પણ ભાજપની બેઠકો અટકી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર બિહારમાં JDU 13 સીટો પર આગળ છે. તેમણે 16 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપ 9 સીટો પર આગળ છે, તેણે 17 સીટો પર ચૂંટણી લડી હતી. ચિરાગ પાસવાનની પાર્ટી પાંચેય સીટો પર આગળ ચાલી રહી છે. ભારત ગઠબંધનની વાત કરીએ તો આરજેડીએ 26 સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ તે માત્ર 4 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 2 બેઠકો પર આગળ છે, જ્યારે એક અપક્ષ ઉમેદવાર 1 બેઠક પર આગળ છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 17 બેઠકો જીતી હતી. જેડીયુને પણ 17 બેઠકો મળી હતી. - જમ્મુ અને કાશ્મીર
ભાજપે ચૂંટણી પ્રચારમાં કલમ 370નો મુદ્દો ઘણો ઉઠાવ્યો હતો. તેના આધારે વોટ માટે અપીલ પણ કરવામાં આવી હતી. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આ મુદ્દો કામ કરી રહ્યો નથી. પાંચમાંથી કૉંગ્રેસ-ભાજપને 2-2 મળી રહી હોવાનું જણાઈ છે. - રાજસ્થાન
ભાજપને મોટો ઝટકો રાજસ્થાન તરફથી મળ્યો છે. અહીં પોતાનું શાસન હોવા છતાં 2019નું પરિણામ જાળવી રાખવામાં ભાજપ નિષ્ફળ ગયું છે. 2019માં એનડીએ પાસે તમામ 25 બેઠક હતી. ભાજપ 14, કૉંગ્રેસ 8 અને અન્ય પક્ષ ત્રણ પર આગળ છે. ભાજપને અહીં 10થી 12 બેઠક પર નુકસાન સહન કરવું પડે તેમ હાલમાં જણાઈ રહ્યું છે. - હરિયાણા
રાજસ્થાનની જેમ હરિયાણામાં ક્લિન સ્વિપનું ભાજપનું સપનું રોળાયું છે. 2019માં 10માંથી 10 બેઠક ભાજપને મળી હતી ત્યારે આ પરિણામો જોતા ભાજપે છ જેટલી બેઠક ખોવી પડે તેવું લાગી રહ્યું છે. ઈન્ડિયા ગઠબંધન છ બેઠક પર આગળ છે જ્યારે ભાજપ 4 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. - કર્ણાટક
કર્ણાટકમાં પણ ભાજપને 5 બેઠકોનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. 2019ની ચૂંટણીમાં ભાજપે મોદી લહેરના આધારે લોકસભાની 28માંથી 25 બેઠકો જીતી હતી. આ વખતે તે 21 બેઠક પર આગળ છે. ભારતે 7 બેઠક પર લીડ જાળવી રાખી છે. કર્ણાટક એ રાજ્યોમાં સૌથી મજબૂત છે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. તેથી કોંગ્રેસ અહીં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. - પંજાબ
પંજાબમાં ભાજપનું ખાતું ખૂલતું જણાતું નથી. ભાજપે અહીં 13 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટી પણ એકલા હાથે લડી હતી. કોંગ્રેસે પણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. અહીં આપ ત્રણ બેઠક પર આગળ છે અને કૉંગ્રેસ બેઠક પર આગળ જમાઈ રહી છે. શિરોમણી અકાલી દળ એક પર અને બે બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ છે. - આસામ
આસામની તમામ 14 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. સવારે 11.30 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભાજપ 8 સીટો પર અને કોંગ્રેસ 4 સીટો પર આગળ છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 9 બેઠકો જીતી હતી. - પશ્ચિમ બંગાળ
ભાજપ પશ્ચિમ બંગાળમાં બેઠકો મેળવવા ભાજપે મરણિયા પ્રયાસલો કર્યા હતા, પરંતુ અહીં પણ જોઈએ તેવું પરિણામ આનતું દેખાતું નથી. કારણ કે અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ માત્ર 12 બેઠક પર આગળ છે. ટીએમસી 28 બેઠક પર આગળ ચાલી રહી છે. 2019ની લોકસભામાં ભાજપે બંગાળમાં 42માંથી 18 બેઠકો જીતી હતી. ટીએમસીને 22 બેઠકો મળી હતી. કોંગ્રેસને 2 બેઠકો મળી હતી. - મહારાષ્ટ્ર
NDAએને મહારાષ્ટ્રએ ભારે ઝટકો આપ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડ અનુસાર મહાવિકાસ આઘાડી 30 જેટલી બેઠકો પર આગળ છે જ્યારે મહાયુતીના ભાગે 18 બેઠક આવે તેવી સંભાવના છે. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને શિવસેના અને એનસીપીના એક એક જૂથે ઘણો સારો દેખાવ કર્યો છે. ઉદ્ધવસેનાએ શિંદે સેના કરતા સારો દેખાવ કર્યો છે તો અજિત પવારને ઘોર નિરાશા સાંપડી છે જ્યારે કાકા શરદ પવારની એનસીપી વિજય તરફ આગળ વધી રહી છે.
Also Read –
Taboola Feed