એકસ્ટ્રા અફેર

ચીફ જસ્ટિસની વાત સાચી, પણ રાજદ્રોહની કલમ જશે ક્યારે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતમાં રાજદ્રોહની કલમ હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલે છે. અંગ્રેજોએ પોતાની સામે ઉઠનારા અવાજને દબાવી દેવા અને ભારતમાં એકહથ્થુ સત્તા સાચવવા માટે બનાવેલી આ કલમની હવે જરૂર નથી એવો વ્યાપક મત છે પણ આપણા નેતાઓ ડબલ ઢોલકી છે તેથી રાજદ્રોહની કલમ નાબૂદ થતી નથી. એ લોકો અંગ્રેજોએ બનાવેલી આવી અત્યાચારી કલમો ના હોવી જોઈએ એવી ડાહીડાહી વાતો જાહેરમાં કરે છે પણ તે નાબૂદ કરવા કશું કરતા નથી. નેતાઓ પર રાજદ્રોહ સહિતની કલમોના કેસ ઠોકાય ત્યારે દેકારો કરી નાંખે પણ તેમની પાસે સત્તા હોય ત્યારે પોતે એ જ કલમોનો ઉપયોગ કરે એ હદે આપણા નેતાઓ દંભી ને બેવડાં ધોરણોવાળા છે.

આપણી સુપ્રીમ કોર્ટ એવાં બેવડાં ધોરણો નથી ધરાવતી તેથી લાંબા સમયથી રાજદ્રોહને લગતી ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૪ના હોવી જોઈએ એવું કહે છે. હવે દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે પણ એવો જ મત વ્યક્ત કર્યો છે. જસ્ટિસ ચંદ્રચૂડે સાફ શબ્દોમાં કહ્યું કે, રાજદ્રોહ જેવી કલમો સમાજ માટે ઘાતક છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, રાજદ્રોહની કલમ અંગ્રેજોએ બનાવેલી છે. અંગ્રેજો પોતાની રીતે કાયદાની પરિભાષા બદલી નાંખતા હતા કેમ કે અંગ્રેજો પોતાની સામે અવાજ ઉઠાવનારા આઝાદીના લડવૈયાઓના ગળા ફરતે ગાળિયો કસવા માગતા હતા. હવે એ જ કામ સરકાર કરે છે. ચીફ જસ્ટિસે એ પણ સ્પષ્ટ કર્યું કે, રાજદ્રોહ સહિતના જે પણ કાયદા સમાજ માટે સારા નથી તેના પર સરકાર વિચાર કરી રહી છે.
ચીફ જસ્ટિસની વાત સાવ સાચી છે ને સુપ્રીમ કોર્ટ પહેલાં પણ આ વાત કરી ચૂકી છે. અંગ્રેજોએ પોતાની સામે ઉઠનારા અવાજને દબાવી દેવા માટે બનાવેલી રાજદ્રોહની કલમની હવે જરૂર નથી એવો મત છે સુપ્રીમ કોર્ટે પહેલાં પણ વ્યક્ત કર્યો છે. રાજદ્રોહને લગતી ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૪ની કાયદેસરતાને પડકારતી ઢગલાબંધ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઈ છે. લશ્કરના ભૂતપૂર્વ અધિકારી મેજર જનરલ એસ.જી. વોમ્બાટકેરેની અરજી તેમાં ખાસ છે કેમ કે મેજર જનરલે માત્ર રાજદ્રોહની કલમની કાયદેસરતાને પડકારવાની સાથે સાથે રાજદ્રોહના તમામ કેસ રદ કરવા પણ માગણી કરી છે.

સવા બે વર્ષ પહેલાં આ અરજી પર સુનાવણી કરતી વખતે કલમના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, અંગ્રેજો મહાત્મા ગાંધી અને બીજા સ્વાતંત્ર્ય સેનાનીઓના અવાજને દબાવી દેવા માટે આ કલમનો ઉપયોગ કરતા હતા. એ સ્થિતિ અત્યારે પણ છે ને કશું બદલાયું નથી. એ વખતે ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ રામન હતા. તેમણે તો એવી ગંભીર ટીપ્પણી કરી હતી કે, આ કલમના દુરૂપયોગનો ઈતિહાસ તપાસશો તો ખબર પડે કે સુથારને કોઈ વસ્તુ બનાવવા માટે ઝાડ કાપવાનું કહો ને તેનો ગેરલાભ ઉઠાવીને આખું જંગલ કાપી નાંખે એવી રીતે આ કલમનો ઉપયોગ થયો છે. અમે કોઈ ચોક્કસ સરકાર પર કલમના દુરૂપયોગ માટે દોષારોપણ નથી કરતા પણ બધી સરકારે દુરૂપયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે એ વખતે જ આ કલમની બંધારણીય કાયદેસરતાની સમીક્ષા કરવાનું સ્વીકાર્યું હતું એ જોતાં સુપ્રીમ કોર્ટ આ કલમની તરફેણમાં નથી એ સ્પષ્ટ થઈ ગયેલું. ચીફ જસ્ટિસે એ જ વાત ફરી દોહરાવી છે.

સુપ્રીમ કોર્ટનું વલણ યોગ્ય છે કેમ કે રાજદ્રોહની કલમ બંધારણે આપેલા મૂળભૂત અધિકારનો ભંગ કરે છે. આ કલમ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને કચડી નાંખે છે અને વાણી સ્વાતંત્ર્ય પર ખરાબ અસર કરે છે. ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૪ એ હેઠળ સત્તા સામે અવાજ ઉઠાવનાર પર રાજદ્રોહ લાગે છે. જાહેર જનતાને ભડકાવવાની કોશિશ કરનાર કે હિંસા ભડકાવવાની કોશિશ કરનારને જેલભેગો કરવાની સત્તા રાજદ્રોહની કલમ લગાડવાથી મળે છે. કોઈ પણ વ્યક્તિ ભારત સરકારના કાયદા હેઠળ સ્થપાયેલી સરકાર સામે ધિક્કાર ફેલાવવાની કે અવમાનની કોશિશ કરે તેની સામે રાજદ્રોહની કલમ લગાવી શકાય. આઈપીસીમાં તો કઈ કઈ રીતે ધિક્કાર ફેલાવો કે અવમાનના કરો તો રાજદ્રોહનો કેસ લાગે તેની પણ વ્યાખ્યા કરાઈ છે. લખેલા કે બોલેલા શબ્દો દ્વારા, સંકેત કે સંજ્ઞા દ્વારા, જોઈ શકાય તેવી રજૂઆત દ્વારા કે બીજી કોઈ પણ રીતે સરકાર સામે ધિક્કાર પેદા કરો કે અવમાનના કરો એ રાજદ્રોહ કહેવાય.

અલબત્ત આપણે ત્યાં સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ કૃત્યનું અર્થઘટન સત્તાધીશો મનફાવે એ રીતે કરે છે. રાજદ્રોહના કિસ્સામાં પણ એવું કરીને અંગ્રેજોની જેમ આ કલમનો ભયંકર દુરૂપયોગ કરાયો છે. આ કલમનો ભયંકર પ્રમાણમાં દુરૂપયોગ થાય છે એ તો સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. સુપ્રીમ કોર્ટે આ અભિપ્રાય સાથે સંમતિ દર્શાવીને રાજદ્રોહની કલમને વર્તમાન સમયમાં અયોગ્ય ગણાવી છે. રાજદ્રોહની કલમને કોલોનિયલ એટલે કે અંગ્રેજ શાસનની દેન ગણાવીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પણ કર્યો હતો કે, દેશની આઝાદીની લડતને કચડી નાંખવા માટે બનાવાયેલી આ કલમ આઝાદીનાં ૭૩ વર્ષ પછી પણ કેમ નાબૂદ કરાઈ નથી ?

મોદી સરકારે તેનો જવાબ ના આપ્યો કેમ કે, મોદી સરકારને રાજદ્રોહની કલમ નાબૂદ કરવામાં રસ નથી. કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા એટર્ની જનરલ કે. વેણુગોપાલે રાજદ્રોહની કલમને ચાલુ રાખવાની તરફેણ કરી હતી. તેમણે રાજદ્રોહની કલમ ક્યા કેસોમાં લાગુ કરવી જોઈએ એ માટે ગાઈડલાઈન બનાવવાની તરફેણ કરેલી પણ આ કલમ નાબૂદ કરવી જોઈએ એવું બોલ્યા નહીં, બલ્કે ભારપૂર્વક કહેલું કે આ કલમ નાબૂદ ના કરવી જોઈએ.
મોદી સરકારનું વલણ જોતાં એ તો આ કલમ નાબૂદ નહીં કરે તેથી સુપ્રીમ કોર્ટે જ કંઈક કરવું પડે ને ઝડપથી કરવું પડે. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રાજદ્રોહના આરોપીઓને જામીન મળે છે પણ નવા કેસ પણ થાય છે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને તાત્કાલિક હાથ પર લે એ જરૂરી છે. બાકી સત્તાધીશો તો તેનો દુરૂપયોગ કરતા જ રહેશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button