તરોતાઝા

વ્યસન: અથથી ઈતિ સુધી

આરોગ્ય એક્સપ્રેસ – સ્મૃતિ શાહ-મહેતા

31 મે એ વિશ્વે `નો ટોબેકો ડે’ ઉજવ્યો તેના સંદર્ભમાં ખાસ જાણકારી જે દરેક વાંચકોએ આત્મસાત્‌‍ કરવા જેવી છે

પૃથ્વી પર રહેલ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, તેઓ જે કાંઈ પણ કરે છે તે શા માટે કરે છે? તો તેનો એક જ ઉત્તર મળશે કે, તેઓ સુખી અને શાંતિમય જીવન જીવવા માટે જ બધું કરે છે. જીવ-પ્રાણીમાત્રને દુ:ખ પસંદ નથી. જીવનમાં આવતાં નાનાં એવાં દુ:ખને પણ અથાગ પ્રયત્નોથી દૂર કરવા આપણે મથીએ છીએ.

શું જીવનની આ જ વાસ્તવિકતા છે? શું આપણે ખરેખર આવું જ માનીએ છીએ? શું દારૂ, સિગારેટ, ગુટકા વગેરે વ્યસનોના દુ:ખથી અજાણ છીએ? તો પણ આપણે શા માટે સામે ચાલીને નરકનાં દુ:ખ જેવાં આ વ્યસનોના ગુલામ થઈએ છીએ?

શું તમે જાણો છો??? પ્રાય: આજે વિશ્વમાં દર 6 સેક્નડે 1 વ્યક્તિ તમાકુના વ્યસનથી મૃત્યુ પામે છે. તેમાં પણ ભારતમાં દર 2 મિનિટે 3 વ્યક્તિનું સિગારેટના વ્યસનથી મોત થાય છે. વિશ્વમાં થતાં મૃત્યુમાંથી 6% લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે.

શરીરમાં થતા અન્ય રોગ કેવળ આપણી ભૂલને કારણે થતાં નથી, એ પણ એક વાસ્તવિકતા છે; પરંતુ દારૂ, સિગારેટ કે તમાકુને કારણે શરીરમાં થતાં કોઈ પણ રોગના જવાબદાર 100 એ 100% આપણે જ છીએ. આ વ્યસનોની ભયંકરતા આટલી બધી છે. તો, શું હવે સાવચેત થઈ જવું ન જોઈએ…?

શું આપ જાણો છો?

  • વિશ્વમાં પ્રાય: રોજ 14 હજાર લોકો ધૂમ્રપાનના વ્યસનથી મરે છે.
  • ધૂમ્રપાનથી થતાં મૃત્યુની સંખ્યા આપઘાત કરતાં 30 ગણી વધુ છે અને દુનિયામાં થતા ખૂન કરતાં 54 ગણી વધુ છે.
  • વિશ્વમાં દર વર્ષે બિનવ્યસની લગભગ 6 લાખ લોકો તો કેવળ અન્ય ધૂમ્રપાન કરનાર વ્યક્તિના ધુમાડાના કારણે મરે છે.
  • વિશ્વમાં થતાં કેન્સરના મૃત્યુમાં પ્રાય: 30% ફાળો તમાકુનો છે.
  • વિશ્વમાં દર વર્ષે તમાકુના વ્યસનને કારણે આશરે 60 લાખ લોકો મોતને ભેટે છે.
  • ભારતમાં રોજ આશરે 5435 બાળકો અને ગુજરાતમાં અંદાજે 244 બાળકો ધૂમ્રપાન કરતાં શીખે છે.
  • વિશ્વમાં દર વર્ષે લગભગ 33 લાખ લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે.
  • ઈ.સ. 2030માં તમાકુને લીધે થતા મૃત્યુની સંખ્યા એઈડ્સ અને ટી.બી. કરતાં વધારે હશે.

શરીરના વિવિધ અંગો ઉપર વ્યસનોથી થતું નુકસાન
સ્ટ્રોક, હાર્ટએટેક, ફેફસાનું કેન્સર, પેટનું કેન્સર, લીવર ખરાબ થવું, સ્વાદુપિંડનું કેન્સર, કિડનીની બીમારી, આંતરડાનું કેન્સર

વ્યસનથી મુક્ત થવાના સરળ ઉપાયો:

  1. મારે વ્યસન છોડવું જ છે.' એવી મક્કમતા કરવી. વ્યસન રાખવાથી અને છોડવાથી થતાં ફાયદા-નુકસાનોની એક યાદી બનાવી રાખવી. વ્યસન છોડવાની ઈચ્છા આપણી પોતાની હોવી જોઈએ. કેમ જે, અન્ય લોકોના કહેવાથી કરેલો વ્યસનનો ત્યાગ માત્ર થોડા દિવસ પૂરતો જ ટકે છે. મનમાં એવું દૃઢ કરી લેવું જોઈએ કે,વ્યસન એ માત્ર ગુલામી, બરબાદી અને દુ:ખ જ છે.’
  2. વ્યસન છોડવા વિશેની માન્યતા બદલવી.
    વ્યસન છોડવું તેને બોજ કે દુ:ખ ન માનીએ, પરંતુ `એક પરમ શત્રુનો ત્યાગ કરું છું’ તેવું સમજીએ.
  3. વ્યસન છોડવાની કોઈ પણ એક તારીખ નક્કી કરી લેવી.
    ઘણા વ્યસની વ્યસન છોડવાનું નક્કી કરે છે, પરંતુ ચોક્કસ સમય નિર્ધારિત ન હોવાથી તેને પોતાનું મન રમાડ્યા કરે છે કે, `આજ-કાલમાં વ્યસન છોડી દઈશ.’ પરંતુ આવા લોકો ક્યારેય વ્યસન છોડી શકતા નથી.
  4. શ્રીહરિની મદદ લેવા માટે રોજ પ્રાર્થના કરવી.
    શરણાગતવત્સલ ભગવાન અવશ્ય આપણને મદદ કરીને વહેલીતકે વ્યસનમુક્ત કરશે. આપણે શા માટે વ્યસનો છોડવા છે? તેના મુખ્ય ત્રણેક કારણો શોધી, આપણને દેખાય તેવી જગ્યાએ મોટા અક્ષરે લખી રાખવું; જેથી તે વારંવાર યાદી આપ્યા કરે.
  5. વ્યસન છોડવાની ઈચ્છા પરિવારજનો તથા સહચર મિત્રોને જણાવવી. કેમ જે, જો વ્યસન છોડવાની ઈચ્છાની જાણ માત્ર પોતા પૂરતી જ રાખીશું, તો મન આપણને ગમે ત્યારે છેતરશે. તેથી સહચરોને જાણ કરવાથી તેઓ યોગ્ય સમયે ખૂબ જ મદદ કરી શકશે.
  6. વ્યસન છોડવાની પ્રક્રિયા દરમ્યાન એક-બે નજીકના, જે આપણી હરેક ક્રિયા કે વિચારથી વાકેફ રહી શકે અને જરૂર પડે તો ઊલટ તપાસ કરીને પણ મદદ કરી શકે, તેવા નિર્વ્યસની સ્નેહીજનો સાથે સંપૂર્ણ નિખાલસ રહેવું.
  7. આત્મવિશ્વાસ કેળવ્યા વિના એકસાથે વ્યસન છોડવાની કોશિષ ન કરવી.
    વ્યસની જ્યારે એકસાથે સંપૂર્ણ વ્યસન છોડવા ઈચ્છે છે, ત્યારે તે ઘણીવાર હારી જાય છે. આમ અનેક હાર પછી તે નાહિંમત થઈ જાય છે અને `મારાથી હવે વ્યસન નહિ છૂટે’ એવું સ્વીકારી લે છે. માટે ધીરે-ધીરે વ્યસન ઘટાડતા જવું.
  8. જેમણે વ્યસનો છોડ્યા હોય તેમની પાસેથી વ્યસન છોડવાની પ્રક્ટિકલ રીતો અને અનુભવો જાણતા રહેવું.
  9. હિંમતપૂર્વક પોતાના વ્યસની મિત્રોનો સંગ છોડી દેવો. કારણ કે, વ્યસની મિત્રો ગમે તે સમયે વ્યસનનો આગ્રહ
    કરી શકે છે. જેમાં લોભાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
  10. જો કદાચ કોઈ વ્યસન માટે આગ્રહ કરે તો તેને શરમ રાખ્યા વિના હિંમતપૂર્વક ચોખ્ખી `ના’ પાડી દેવાની ટેવ પાડવી.
  11. જે જે વ્યક્તિ, સ્થાન કે પરિસ્થિતિથી
    વ્યસન યાદ આવતું હોય તેનાથી દૂર રહેવું.
  12. પોતાના ઘર કે ઓફિસમાં રહેલી વ્યસનની બધી જ સામગ્રી સંપૂર્ણપણે બહાર ફેંકી દેવી.
  13. વ્યસન છોડવાના શરૂઆતના દિવસોમાં ચિંતા તથા તણાવ જરૂર અનુભવાશે. તેનાથી બચવા મનપસંદ સાત્ત્વિક પ્રવૃત્તિઓ કરવાથી આનંદમાં રહી શકાય છે. જેવી કે, સંગીત સાંભળવું-વગાડવું, વાંચન કરવું, હળવી કસરતો કરવી, મનપસંદ સેવાકાર્યમાં વ્યસ્ત રહેવું.
  14. વ્યસન ત્યાગ કર્યા બાદ શરીરમાં અનુભવાતી નાની-મોટી તકલીફોને સ્વીકારી લેવી. જેવી કે માથું ચડવું, પેટમાં દુ:ખવું, વધુ પરસેવો વળવો, કબજિયાત રહે વગેરે તકલીફો કોઈકવાર થઈ શકે છે. પરંતુ તેનાથી અકળાઈ ન જતાં, હિંમત રાખી વ્યસન છોડવાની કોશિષ ચાલુ રાખવી.
  15. વ્યસનો કરવાની તલપ લાગે ત્યારે તેની સામે લડવા કરતાં મનને બીજી દિશામાં વાળી દેવું અથવા તો વ્યસન છોડવા વિશેના ધ્યેયને વારંવાર વિચારવું.
  16. જરૂર જણાય તો મોંમાં ઘીમાં શેકેલી વરિયાળી, એલચી, લવિંગ, તજ વગેરે મનગમતું અન્ય કોઈ ખાદ્ય પદાર્થ કે પ્રવાહી દ્વારા પોતાની તલપ સંતોષી લેવી.
  17. વ્યસનમાં ઘટાડો થતો જણાય તો પોતાને તેનાથી પ્રોત્સાહિત કરતા રહેવું અને આનંદથી સંપૂર્ણપણે બંધ કરવા આગળ વધતા રહો.
  18. રોજ થોડુંઘણું ધ્યાન કરવાની ટેવ પાડવી. કેમ જે, ધ્યાનથી વિચારો પર કાબૂ મેળવી શકાશે.
  19. વ્યસનોને છોડવા માટે આજે વૈકલ્પિક ઘણી વૈજ્ઞાનિક તરકીબો શોધાઈ છે. જેવી કે, `નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી’ વ્યસન કરવાથી જે સ્વાદ-આનંદ આવે તેવો જ આનંદ તે થેરાપીથી આવે છે અને તે શરીરને બંધાણ પણ કરતું નથી. વધુ માહિતી માટે ચિકિત્સકની સલાહ લેવી.
    વ્યસનમુક્તિ માટે વિવિધ નિકોટિનના ઉપચારો
    ગશભજ્ઞશિંક્ષય છયાહફભયળયક્ષિં ઝવયફુાિ
    ચ્યુઇંગમ
    (ઈવયૂશક્ષલ ૠીળ)
    શરીરે લગાવવાના પેચ
    ટેબ્લેટ
    ચૂસવાની ટેબ્લેટ
    ઈન્હેલર
    નાકનો સ્પ્રે
  20. વ્યસન પહેલાનો અને વ્યસન છોડ્યા બાદનો લોકોનો આપણા પ્રત્યેનો વ્યવહાર તપાસતા રહેવું. જેથી વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહન મળતું રહેશે.
  21. વ્યસન દરમ્યાન આપણે જે જે લોકોને શારીરિક કે માનસિક રીતે ઈજા પહોંચાડી હોય તેમની માફી માગી તેમની વધુ નજીક થવાના પ્રયત્નો કરવા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button