કૉંગ્રેસનો આશાવાદ, 2004 અને 2009માં શું થયેલું?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
લોકસભા ચૂંટણીનું આજે ચાર જૂનને મંગળવારે પરિણામ આવશે. લોકસભાની 543 બેઠકોનું પરિણામ દેશમાં હવે પછી પાંચ વર્ષ કોનું રાજ રહેશે એ નક્કી કરશે. અત્યારે જે હવા જામી છે એ પ્રમાણે તો ભાજપ સત્તામાં વાપસી કરશે અને સળંગ ત્રીજી વાર લોકસભામાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચશે. એક જૂને લોકસભાના છેેલ્લા અને સાતમા તબક્કાનું મતદાન પૂરું થયું પછી જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ભાજપના ભવ્ય વિજયની આગાહી કરાઈ છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપ એકલા હાથે 300 કરતાં વધારે બેઠકો જીતીને પોતાની તાકાત પર સરકાર રચશે એવી આગાહી કરાઈ છે.
ભાજપે અબ કી બાર 400 કે પાર સૂત્ર રમતું કરેલું. કેટલાક એક્ઝિટ પોલની આગાહી પ્રમાણે ભાજપના નેતૃત્વ હેઠળનો એનડીએ 400 કરતાં વધારે બેઠકો જીતી શકે છે પણ મોટા ભાગના એક્ઝિટ પોલ એનડીઓને 300ની આસપાસ બેઠકો મળશે એવી આગાહી કરેલી. ભાજપે પોતાના માટે 350 કરતાં વધારે બેઠકો અને એનડીએ માટે 400થી વધારે બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. એક્ઝિટ પોલ ભાજપે 350 કરતાં વધારે બેઠકો અને એનડીએ 400 પ્લસ બેઠકો તો નહીં જીતી શકે પણ ભાજપની સરકાર ચોક્કસ રચાશે. એક્ઝિટ પોલના તારણ પ્રમાણે એનડીએને 365 બેઠકો મળવાનો અંદાજ છે જ્યારે ભાજપની બેઠકો 310ની આસપાસ રહેશે.
કૉંગ્રેસે આ એક્ઝિટ પોલને નકારી કાઢ્યા છે અને કૉંગ્રેસના નેતૃત્વ હેઠળનું ઈન્ડિયા જોડાણ 295 બેઠકો જીતીને સરકાર રચશે એવો દાવો કર્યો છે. કૉંગ્રેસનું કહેવું છે કે, ભાજપ 200 બેઠકોથી વધારે નહીં જીતે. કૉંગ્રેસના કહેવા પ્રમાણે, આ વખતે પણ 2004 અને 2009નું પુનરાવર્તન થશે અને એક્ઝિટ પોલ કરનારાંને અંદાજ નહીં હોય એવાં પરિણામ આવશે.
કૉંગ્રેસનો આશાવાદ વધારે પડતો લાગી રહ્યો છે કેમ કે મોટા ભાગના એક્ઝિટ પોલ કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા મોરચાને 145 બેઠકો મળશે એવી આગાહી કરી રહ્યા છે. કૉંગ્રેસ તેના કરતાં 150 બેઠકો વધારે અથવા તો સીધી બમણી બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે. ભાજપ તો સ્વાભાવિક રીતે જ કૉંગ્રેસની વાતોને દીવાસ્વપ્ન ગણાવે જ પણ મોટા ભાગનાં વિશ્લેષકોને પણ કૉંગ્રેસની વાતો કહેતા બી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી લાગી રહી છે.
કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા મોરચાએ 295 બેઠકો જીતવી હોય તો કૉંગ્રેસે પોતે 200થી વધારે બેઠકો જીતવી પડે અને અત્યારે જે માહોલ છે તેમાં તો કૉંગ્રેસને 100 બેઠકો જીતવાનાં પણ ફાંફાં પડે એવું લાગી રહ્યું છે. ભાજપ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હી સહિતનાં હિન્દી પટ્ટાના રાજ્યોમાં સપાટો બોલાવીને 90 ટકાથી વધુ બેઠકો જીતી જાય એવું લાગે જ છે એ જોતાં કૉંગ્રેસ માટે જીતવાની જગા જ દેખાતી નથી. દક્ષિણનાં બે-ત્રણ રાજ્યો અને દેશમાં નાનાં નાનાં રાજ્યોમાં છૂટક છૂટક બેઠકો જીતીને કૉંગ્રેસ 200 બેઠકોનો આંકડો પાર ના કરી શકે. એ રીતે તો કૉંગ્રેસ કદાચ 100 બેઠકોનો આંકડો પણ પાર ના કરી શકે.
આ સંજોગોમાં કૉંગ્રેસની વાતો હજમ થાય એવી નથી પણ છતાં કૉંગ્રેસના આશાવાદને જોતાં 2004 અને 2009માં શું થયેલું ને એક્ઝિટ પોલ કઈ હદે ખોટા પડેલા એ જાણી લઈએ. 2004ની લોકસભા ચૂંટણી વખતે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા અને ભાજપની સરકાર હતી. 1998માં લોકસભાની ચૂંટણી માર્ચ મહિનામાં થયેલી ત્યારે અટલ બિહારી વાજપેયી સરકાર અધવચ્ચે ગબડી પડેલી. વાજપેયી સરકાર 13 મહિના રહીને ગબડી પડી પછી પાકિસ્તાને કારગિલમાં હુમલો કર્યો તેમાં ચૂંટણી અટવાઈ ગયેલી. છેવટે ઑક્ટોબરમાં ચૂંટણી થઈ ને કારગિલ વિજયના કારણે વાજપેયી પાછા વડાપ્રધાન બન્યા.
વાજપેયીએ પોતાની આખી ટર્મ પૂરી ના કરી એ પહેલાં જ ભાજપના કેટલાક નેતાઓએ શાઈનિંગ ઈન્ડિયા નામનું તૂત ચલાવી દીધેલું. વાજપેયીના શાસનમાં દેશે જોરદાર પ્રગતિ કરી છે તેથી લોકો આ વખતે સૂંડલે સૂંડલા ભરીને મત આપશે એવી વાતો કરી કરીને તેમણે વાજપેયીને ચણાના ઝાડ પર ચડાવી દીધેલા. તેના કારણે વાજપેયીએ છ મહિના પહેલાં ચૂંટણી કરાવવાની જાહેરાત કરી નાંખેલી. 2004માં ચૂંટણીની જાહેરાત 29 ફેબ્રુઆરીએ થઈ અને ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાઈ ત્યારે મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 250થી વધારે બેઠકો મળવાની આગાહી કરાયેલી.
એક એક્ઝિટ પોલમાં તો એનડીએને 275 અને બીજામાં 278 બેઠકો મળવાની આગાહી કરાયેલી પણ પરિણામ આવ્યાં ત્યારે એનડીએને 181 બેઠકો જ મળી હતી અને ભાજપ ખરાબ રીતે હારી ગયેલો. કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએને 218 બેઠકો મળેલી જ્યારે કોઈ એક્ઝિટ પોલમાં યુપીએને 200 કરતાં વધારે બેઠકો મળવાની આગાહી નહોતી કરાઈ. મોટા ભાગના એક્ઝિટ પોલ યુપીએને 180થી 190 બેઠકોની આગાહી કરતા હતા.
2009માં પણ તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. 2009માં ચૂંટણીની જાહેરાત બે માર્ચે થયેલી અને એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાઈ હતી. એ વખતે મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 180થી વધારે બેઠકો મળવાની આગાહી કરાયેલી. એક એક્ઝિટ પોલમાં એનડીએને 196 બેઠકો મળવાની આગાહી કરાયેલી પણ પરિણામ આવ્યાં ત્યારે એનડીએને 162 બેઠકો જ મળી હતી.
કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએને 262 બેઠકો મળેલી જ્યારે કોઈ એક્ઝિટ પોલમાં યુપીએને 200 કરતાં વધારે બેઠકો મળવાની આગાહી નહોતી કરાઈ. મોટા ભાગના એક્ઝિટ પોલ યુપીએને 180થી 190 બેઠકોની આગાહી કરતા હતા. યુપીએએ એક્ઝિટ પોલની આગાહી કરતાં 70થી વધારે બેઠકો જીતીને સૌને દંગ કરી દીધેલા અને એક્ઝિટ પોલને સદંતર ખોટા પાડ્યા હતા.
કૉંગ્રેસને લાગે છે કે, આ વખતે પણ 2009નું પુનરાવર્તન થશે અને એક્ઝિટ પોલમાં કરાયેલી આગાહી કરતાં કૉંગ્રેસ 150 બેઠકો વધારે જીતશે. અત્યારે શક્યતા તો લાગતી નથી પણ ખરેખર કૉંગ્રેસ 2009નું પુનરાવર્તન કરીને 70 બેઠકો વધારે જીતી જાય તો આ પરિણામ ભાજપને સત્તાથી દૂર રાખી શકે છે.
જો આવું કંઈ થશે તો એ મોટો ચમત્કાર કહેવાશે ને લોકશાહીમાં ક્યારેક ચમત્કારો થતા હોય છે. લોકો ક્યારે કઈ રીતે વર્તે એ કળવું મુશ્કેલ છે, ભૂતકાળમાં એવું બન્યું છે એ જોતાં કૉંગ્રેસ ચમત્કારની આશા રાખે તેમાં કશું ખોટું નથી. આશાવાદી બનવાનો દરેકને અધિકાર છે.