USના કેલિફોર્નિયામાં ભારતીય વિદ્યાર્થિની ગુમ
હ્યુસ્ટનઃ અમેરિકા (US)ના કેલિફોર્નિયામાં રહેતી ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થિની (Indian Student) છેલ્લા અઠવાડિયાથી ગુમ છે. પોલીસે તપાસ શરૂ દીધી છે તેમ જ લોકોને અપીલ કરી છે કે તેઓને જો કોઇ માહિતી મળે તો તાત્કાલિક જાણ કરે.
પોલીસ વડા જોન ગુટીરેઝે જણાવ્યું હતું કે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સેન બર્નાર્ડિનો (સીએસયુએસબી)ની વિદ્યાર્થીની નિતિષા કંડુલા ૨૮ મેથી ગુમ છે. તે છેલ્લી વખત લોસ એન્જલસમાં જોવા મળી હતી. તેના ગુમ થયાની જાણ ૩૦મી મેના કરવામાં આવી હતી.
જો લોકો પાસે માહિતી હોય તો તેમને લોસ એન્જલસ પોલીસ અથવા યુનિવર્સિટી પોલીસને જાણ કરવા કહેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે તેની પાસે ૨૦૨૧ મોડલની ટોયોટા કોરોલા છે, જેના પર કેલિફોર્નિયાની નંબર પ્લેટ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના ગુમ થવાની આ પહેલી ઘટના નથી. ગયા મહિને ૨૬ વર્ષીય રૂપેશ ચંદ્રા શિકાગોથી ગુમ થયો હતો. તો એપ્રિલમાં ૨૫ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. તે માર્ચ મહિનાથી ક્લેવલેન્ડથી ગુમ હતો. તેમજ માર્ચમાં એક ૩૪ વર્ષીય ક્લાસિકલ ડાન્સર અમરનાથ ઘોષની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.